Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / વ્યાપાર : 13 question, 43 page answer... what did FSSAI say on the ‘red label’ of the packet?

13 સવાલ, 43 પાનાનો જવાબ... પેકેટના ‘રેડ લેબલ’ પર FSSAIએ શું કહ્યું?

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
13 સવાલ, 43 પાનાનો જવાબ... પેકેટના ‘રેડ લેબલ’ પર FSSAIએ શું કહ્યું?
સોર્સ : gstv

પેકેટમાં મળતા ચિપ્સ, નમકીન, મીઠા પીણાં અને અન્ય પેકેજ્ડ ફૂડ (Packaged Food) અંગે મહત્વનો ફેરફાર થઈ શકે છે. ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ સત્તામંડળ (FSSAI)એ સુપ્રીમ કોર્ટ સમક્ષ પેકેટના આગળના ભાગમાં લાલ રંગના હેક્સાગોન (Red Hexagon Warning Label) મૂકવાની દરખાસ્ત અંગે પોતાનો જવાબ રજૂ કર્યો છે. સુપ્રીમ કોર્ટે આ મામલે FSSAIને કુલ 13 સવાલ પૂછ્યા હતા અને તેના જવાબમાં 43 પાનાનું સોગંદનામું (Affidavit) રજૂ કરવામાં આવ્યું છે.

App Store

આ પ્રસ્તાવનો મુખ્ય હેતુ એવા પેકેજ્ડ ફૂડ અંગે ગ્રાહકોને સરળતાથી ચેતવણી આપવાનો છે જેમાં ખાંડ (Sugar), મીઠું (Salt) અથવા ફેટ (Fat)નું પ્રમાણ નિર્ધારિત મર્યાદા કરતાં વધારે હોય. જોકે, લેબલ કયા પોષક તત્વોના આધારે લાગશે, તે ક્યારે ફરજિયાત બનશે અને લેબલ કેવી રીતે દેખાશે તે અંગે હજુ કેટલાક મહત્વના મુદ્દા ચર્ચામાં છે.

પેકેટ પર કેવું હશે ‘રેડ વોર્નિંગ લેબલ’?

FSSAIની દરખાસ્ત મુજબ પેકેજ્ડ ફૂડના આગળના ભાગે સફેદ ચોરસની અંદર લાલ રંગનું હેક્સાગોન મૂકવામાં આવી શકે છે. તેમાં પ્રોડક્ટમાં કયા પોષક તત્વનું પ્રમાણ વધુ છે તે દર્શાવતું ‘HIGH SUGAR’, ‘HIGH SALT’ અથવા ‘HIGH FAT’ લખાણ હોઈ શકે છે.

શરૂઆતની દરખાસ્તમાં બે કે તેથી વધુ પોષક તત્વોનું પ્રમાણ વધારે હોય તેવા ઉત્પાદનો માટે લેબલિંગની વાત હતી. જોકે, સુપ્રીમ કોર્ટના સવાલો બાદ FSSAIના તાજેતરના જવાબમાં આ માળખા અંગે વધુ સ્પષ્ટતા કરવામાં આવી છે.

કઈ ખાંડ અને ફેટ ગણાશે?

સુપ્રીમ કોર્ટે ખાસ સવાલ કર્યો હતો કે વોર્નિંગ લેબલ માટે Total Sugar અને Saturated Fat ગણાશે કે નહીં તથા Trans Fatને કેવી રીતે ધ્યાનમાં લેવામાં આવશે.

FSSAIના જવાબ મુજબ પ્રસ્તાવિત લેબલ માટે મુખ્યત્વે Added Sugar અને Added Fatને ધ્યાનમાં લેવાની વાત છે. Saturated Fat અંગે FSSAIએ ICMR-NINની 2024ની Dietary Guidelinesનો આધાર આપ્યો છે. Trans Fat માટે અલગ Front-of-Pack Warning ન રાખવાની વાત પણ કરવામાં આવી છે, કારણ કે ઔદ્યોગિક Trans Fat માટે હાલના નિયમોમાં મર્યાદા પહેલેથી નક્કી છે.

લાલ લેબલ ક્યારે જોવા મળશે?

ગ્રાહકો માટે સૌથી મહત્વનો સવાલ એ છે કે આ નિયમ ખરેખર પેકેટ પર ક્યારે જોવા મળશે.

FSSAIના જવાબ મુજબ નિયમોને અંતિમ સ્વરૂપ આપવામાં આશરે ચાર મહિના લાગી શકે છે. તેમાં જાહેર જનતા અને WTO તરફથી પ્રતિસાદ માટે 60 દિવસનો સમય પણ સામેલ છે. ત્યારબાદ કંપનીઓને ફેરફારો લાગુ કરવા માટે 365 દિવસની અવધિ આપવાની વાત છે.

FSSAIની હાલની લેબલિંગ નીતિ અનુસાર લેબલમાં થતા ફેરફારો સામાન્ય રીતે 1 જુલાઈથી અમલમાં આવે છે. આ તમામ સમયગાળાને ધ્યાનમાં લેવામાં આવે તો વોર્નિંગ લેબલ ફરજિયાત બનવાનો સૌથી વહેલો સમય જુલાઈ 2028 હોઈ શકે છે. જોકે, FSSAIના સોગંદનામામાં કોઈ ચોક્કસ અંતિમ તારીખ આપવામાં આવી નથી.

શું માત્ર ‘જંક ફૂડ’ પર જ લેબલ લાગશે?

સુપ્રીમ કોર્ટે એ પણ પૂછ્યું હતું કે ખોરાક કેટલો પ્રોસેસ્ડ (Processed) છે તે બાબતને વોર્નિંગ લેબલ નક્કી કરતી વખતે ધ્યાનમાં લેવામાં આવશે કે નહીં.

FSSAIનો જવાબ છે કે Processing અને Nutrition બે અલગ બાબતો છે. એટલે લેબલ નક્કી કરવામાં મુખ્યત્વે Sugar, Salt અને Fatનું પ્રમાણ ધ્યાનમાં લેવામાં આવશે. માત્ર કોઈ પ્રોડક્ટ Ultra-Processed છે કે નહીં તેના આધારે અલગ નિયમ લાગુ કરવાની દરખાસ્ત નથી.

લેબલ દરેક વ્યક્તિ સરળતાથી સમજી શકશે?

સુપ્રીમ કોર્ટે લેબલની ભાષા અને તેની સમજણ અંગે પણ સવાલ કર્યો હતો. FSSAIની દરખાસ્તમાં લખાણ આધારિત વોર્નિંગ લેબલની વાત છે અને હાલના નિયમો મુજબ તેમાં અંગ્રેજી અથવા હિન્દી લખાણનો ઉપયોગ થઈ શકે છે.

દરેક પોષક તત્વ માટે અલગ-અલગ Symbol અથવા Picture રાખવાને બદલે એક જ હેક્સાગોનમાં વધારે પ્રમાણ ધરાવતા પોષક તત્વોની માહિતી આપવાની દરખાસ્ત છે. FSSAIનું કહેવું છે કે માત્ર Pictogramથી ગેરસમજ ઊભી થઈ શકે છે અને પોષણ અંગેની સમજણ માટે માત્ર પ્રતીકો પૂરતા નથી.

લેબલનું કદ પણ મહત્વનું

સુપ્રીમ કોર્ટે લાલ હેક્સાગોનનું કદ, પેકેટ પર તેની સ્થિતિ અને તે કેટલો સ્પષ્ટ દેખાશે તે અંગે પણ સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટના આદેશમાં પેકેટના Front-of-Pack પર લેબલની Visibility અને Readability અંગે સ્પષ્ટ માપદંડ નક્કી કરવાની જરૂરિયાતનો ઉલ્લેખ થયો હતો.

આ મુદ્દો મહત્વનો છે, કારણ કે માત્ર વોર્નિંગ લેબલ બનાવવાથી નહીં પરંતુ તે ગ્રાહકને ખરીદીના સમયે સ્પષ્ટ દેખાય તે પણ જરૂરી છે.

બાળકો માટે Nutrition Literacy પર પણ ભાર

સુપ્રીમ કોર્ટે બાળકોને ફૂડ લેબલ વાંચવા અને પોષણ અંગે સમજણ આપવા માટે સરકારની યોજના અંગે પણ સવાલ કર્યો હતો.

FSSAIએ જણાવ્યું છે કે તેણે શિક્ષણ મંત્રાલય અને CBSE સાથે Nutrition Literacy અંગે અભ્યાસક્રમમાં એક અધ્યાય સામેલ કરવાની દરખાસ્ત અંગે પત્રવ્યવહાર કર્યો છે. તેમાં વિદ્યાર્થીઓને Food Labels વાંચવાની રીત સમજાવવાનો સમાવેશ થઈ શકે છે. FSSAI શાળાઓને ‘Eat Right School’ સર્ટિફિકેશન તરફ પ્રોત્સાહિત કરવાની પણ વાત કરે છે.

એક જ લેબલમાં Sugar, Salt અને Fatની માહિતી

FSSAIની દરખાસ્તનો એક મહત્વનો ભાગ એ છે કે ગ્રાહકને પેકેટના આગળના ભાગે જ ખબર પડી શકે કે તેમાં કયા પોષક તત્વનું પ્રમાણ વધારે છે.

ઉદાહરણ તરીકે, કોઈ પ્રોડક્ટમાં Sugar અને Salt બંનેનું પ્રમાણ વધારે હોય તો એક જ હેક્સાગોનમાં બંને અંગેની ચેતવણી દર્શાવી શકાય છે. શરૂઆતની દરખાસ્તમાં બે કે તેથી વધુ પોષક તત્વો માટે પ્રથમ તબક્કાની વ્યવસ્થા અને ત્યારબાદ એક જ પોષક તત્વનું પ્રમાણ વધારે હોય તેવા ઉત્પાદનો સુધી વ્યવસ્થા વિસ્તરાવવાની વાત હતી.

મીઠાં પીણાં માટે પણ અલગ ઉલ્લેખ

Beverages અંગે પણ FSSAIએ સ્પષ્ટતા કરી છે. વધુ ખાંડ ધરાવતા પીણાં માટે હેક્સાગોનની અંદર પીણાની કેટેગરી અંગે માહિતી દર્શાવવાની વાત છે. જોકે, પીણાં માટે અલગ Nutritional Threshold અંગે હજુ વધુ સ્પષ્ટતા જરૂરી છે.

Artificial Sweetenerનો ઉપયોગ વધશે તો શું?

સુપ્રીમ કોર્ટે એવો સવાલ પણ કર્યો હતો કે જો કંપનીઓ Sugar ઘટાડીને તેના સ્થાને Additives અથવા Artificial Sweetenersનો ઉપયોગ કરે તો શું થશે.

FSSAIએ જવાબ આપ્યો છે કે હાલના Additive Regulations પૂરતા છે. Artificial Sweeteners ધરાવતા ઉત્પાદનોમાં તેની હાજરી અંગે પેકેટના આગળના ભાગે જાહેરાત કરવાની જરૂરિયાત રહેશે.

‘રેડ’ રંગથી Non-Veg Logo સાથે ગેરસમજ થશે?

લાલ રંગના હેક્સાગોનને લઈને પણ કોર્ટ સમક્ષ સવાલ ઉઠાવવામાં આવ્યો હતો કે શું ગ્રાહકો તેને Non-Vegetarian Foodના ચિહ્ન સાથે ગૂંચવી શકે છે.

FSSAIના જણાવ્યા મુજબ Non-Veg Logo બ્રાઉન રંગનું અને અલગ આકારનું હોય છે, તેથી બંને વચ્ચે ગેરસમજ થવાની શક્યતા ન હોવી જોઈએ.

હજુ અંતિમ નિયમ લાગુ થયો નથી

અહીં સૌથી મહત્વની બાબત એ છે કે FSSAIનું સોગંદનામું અંતિમ નિયમ નથી. આ સમગ્ર વ્યવસ્થા હજુ નિયમ બનાવવાની અને કન્સલ્ટેશનની પ્રક્રિયામાં છે. સુપ્રીમ કોર્ટે 10 સપ્ટેમ્બરના આદેશમાં FSSAI પાસેથી 13 મુદ્દાઓ પર જવાબ માંગ્યો હતો અને મામલો આગળની સુનાવણી માટે 28 સપ્ટેમ્બર 2026ના રોજ સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો.

એટલે હાલમાં બજારમાં મળતા દરેક પેકેટ પર તરત જ લાલ હેક્સાગોન દેખાવાનો અર્થ નથી. જો પ્રસ્તાવ અંતિમ નિયમનું સ્વરૂપ લે છે અને નિર્ધારિત સમયપત્રક મુજબ અમલ થાય છે, તો ગ્રાહકોને પેકેજ્ડ ફૂડ ખરીદતી વખતે આગળના ભાગે જ Sugar, Salt અને Fat અંગે વધુ સ્પષ્ટ ચેતવણી મળી શકે છે.