VIDEO: EVENING BULLETIN / ઓડિશામાં મહાનદીના પૂરે મચાવી તબાહી, અમદાવાદમાં ધોધમાર વરસાદ
શહઝાદ પુનાવાલાનું ભાજપમાંથી રાજીનામું
ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પુનાવાલાએ પદ પરથી રાજીનામું આપ્યું છે. તેમણે સોશિયલ મીડિયા પર બાયો બદલીને પોતે નરેન્દ્ર મોદીના આજીવન અનુયાયી હોવાનું લખ્યું. અંગત કારણોસર આ નિર્ણય લીધો હોવાની વિગતો સામે આવી છે, જ્યારે ૨૦૨૪ પછી રાજકારણ છોડવાના સંકેત પણ આપ્યા હતા.
પપ્પુ યાદવે સાધુ બની કર્યો વિરોધ
અયોધ્યા રામ મંદિરમાં થયેલી કથિત ચંદા ચોરીના વિરોધમાં સંસદ પરિસરમાં વિપક્ષનો અનોખો વિરોધ જોવા મળ્યો. સાંસદ પપ્પુ યાદવ ભગવા વસ્ત્રો ધારણ કરી સાધુ બન્યા હતા અને દાનપેટી સાથે પહોંચ્યા હતા, જેમાં રાહુલ ગાંધીએ પણ દાન આપીને સાંકેતિક સમર્થન નોંધાવ્યું હતું.
ભાજપ નેતાની દીકરીનો સરકાર સામે વિરોધ
ઉત્તર પ્રદેશના પૂર્વ ભાજપ ધારાસભ્યની પુત્રી યશસ્વિની રાજે સિંહે નીટ પરીક્ષા વિવાદ મુદ્દે દિલ્હીમાં સીજેપીના પ્રદર્શનને સમર્થન આપ્યું હતું. તેમણે નવા શિક્ષણ મંત્રીની નિમણૂકને મજાક ગણાવી પૂર્વ શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સામે આકરા પ્રહાર કર્યા હતા.
ઓડિશામાં મહાનદીના પૂરે મચાવી તબાહી
ઓડિશામાં મહાનદીમાં ૮.૮૦ લાખ ક્યુસેક પાણીની આવકથી સ્થિતિ ગંભીર બની છે. ૨૦ જિલ્લાના ૧૪૫૮ ગામો પૂરની ચપેટમાં આવતાં હજારો લોકો બેઘર બન્યા છે. તંત્રે NDRF અને ફાયર ટીમો તહેનાત કરી અસરગ્રસ્તોને સુરક્ષિત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરી છે.
અમદાવાદના વિવિધ વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે. વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
નવસારીમાં વીજ કરંટથી ત્રણના મોત
નવસારીના ગણદેવા ગામે જીવંત વીજતાર ટેમ્પોને અડી જતાં 10 લોકોને ભારે કરંટ લાગ્યો હતો. આ દુર્ઘટનામાં ગણદેવા ગામના ત્રણ યુવાનોના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે. ત્રણ ઈજાગ્રસ્તોને ખારેલ હોસ્પિટલ અને એક ગંભીર દર્દીને સુરત સારવાર અર્થે ખસેડાયા છે.
મહેસાણા પાલિકા સભામાં ભારે હંગામો
મહેસાણા મહાનગરપાલિકાની સાધારણ સભા માત્ર થોડી સેકંડોમાં સમેટી લેવાતાં ભારે હંગામો મચ્યો હતો. શાસક પક્ષે ચર્ચા વિના એક જ વાક્યમાં ૨૭ મુદ્દા મંજૂર કરી રાષ્ટ્રગીત શરૂ કરી દીધું હતું. આ મનસ્વી નીતિ સામે કોંગ્રેસના કોર્પોરેટરોએ વિરોધ દર્શાવી મેયરને ઘેર્યા હતા.
આણંદમાં તળાવની પાળ તૂટી
આણંદ જિલ્લામાં ભારે વરસાદથી ગોયા ગામનું તળાવ ઓવરફ્લો થતાં તેની પાળ તૂટી હતી. તળાવના પાણી આસપાસના વિસ્તારો અને રસ્તાઓ પર ફરી વળતાં વાહનવ્યવહાર તથા જનજીવન પ્રભાવિત થયું હતું. ઘટના બાદ વહીવટી તંત્ર તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું .

