NEWS AFTERNOON: પાકિસ્તાનની ભારતને ફરી ખોખલી ધમકી, કોમર્શિયલ ગ્રાહકોને મોટી રાહત! IPL ક્રિકેટર વિરુદ્ધ નોકરને માર મારવાનો આરોપ!
કોમર્શિયલ ગ્રાહકોને મોટી રાહત!: ફ્યુઅલ પરના પ્રતિબંધો હટ્યા
1 જુલાઈથી દેશમાં પેટ્રોલ-ડીઝલનો સપ્લાય સામાન્ય થતાં કેન્દ્ર સરકારે કોમર્શિયલ ખરીદદારો પરના ઇમરજન્સી પ્રતિબંધો હટાવી લીધા છે. હવે ટ્રાન્સપોર્ટર્સ પ્રતિ દિવસ ૨૦૦ લીટરની મર્યાદા વગર સીધા પેટ્રોલ પંપ પરથી રિટેલ ભાવે ઇંધણ ખરીદી શકશે, જેનાથી તેમનો ખર્ચ ઘટશે.
દોહામાં મીટિંગના ટ્રમ્પના દાવાને ઈરાને નકાર્યો!
દોહામાં અમેરિકા સાથે મંગળવારે કોઈ બેઠક નથી, તેમ ઈરાને સ્પષ્ટ કર્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે અમેરિકા અને ઈરાનનું પ્રતિનિધિમંડળ દોહામાં મુલાકાત કરવાનું છે. પરંતુ ઈરાને ટ્રમ્પના દાવાને નકારીને કહ્યું કે, તેમના કતાર પ્રવાસને અમેરિકા સાથે કોઈ લેવાદેવા નથી.
પાકિસ્તાનની ભારતને ફરી ખોખલી ધમકી!
સિંધુ જળ સંધિ મુદ્દે પાકિસ્તાને ફરી ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું છે. પાકિસ્તાની મંત્રી મુસાદિક મલિકે ધમકી આપી છે કે જે પણ તેમના હિસ્સાનું પાણી રોકશે, તેના હાથ કાપી નાખવામાં આવશે. આતંકી હુમલાના જવાબમાં ભારતે એપ્રિલ ૨૦૨૫થી આ સંધિ સ્થગિત કરી દીધી છે, જેના કારણે પાણી માટે તરફડતા પાકિસ્તાનની અર્થવ્યવસ્થા અને કૃષિ ક્ષેત્રની કમર તૂટી ગઈ છે.
IPL ક્રિકેટર વિરુદ્ધ નોકરને માર મારવાનો આરોપ!
ભોપાલમાં IPL ક્રિકેટર શશાંક સિંહ અને તેમના પૂર્વ ડીજી પિતા વિરુદ્ધ નોકર સાથે મારપીટની FIR નોંધાઈ છે. પીડિતનો આરોપ છે કે નોકરીની લાલચ આપી તેની સાથે ખૂબ જ અપમાનજનક વર્તન કરાયું, ઢોર માર મારવામાં આવ્યો અને પોલીસનો રોફ જમાવી ધમકી આપવામાં આવી.
નવી મુંબઈમાં ધોધમાર વરસાદથી ભરાયા પાણી
નવી મુંબઈમાં પડેલા ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વાશીની પ્રખ્યાત APMC માર્કેટમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. બજારમાં પાણી ઘૂસી જતાં અનાજ-શાકભાજીના જથ્થાને મોટા નુકસાનની ભીતિ છે, જ્યારે રસ્તાઓ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો છે.
ગાંધીનગરમાં રૂ. 1.27 કરોડની લેતીદેતીમાં જીવલેણ હુમલો
ગાંધીનગરના કુડાસણમાં ૧.૨૭ કરોડની લેતીદેતીમાં પાંચ શખ્સો પર તલવાર અને ધારિયા વડે જીવલેણ હુમલો કરાયો છે. આ હુમલામાં ભરતસિંહ ચંદાવત ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલ ખસેડાયા છે. ઇન્ફોસિટી પોલીસે ગુનો નોંધી ચાર આરોપીઓને ઝડપી લીધા છે, જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.
બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ
સુરેન્દ્રનગરના સોલડીમાં બાયોમેડિકલ વેસ્ટ પ્લાન્ટ સામે ૨૪થી વધુ ગામના ખેડૂતોએ મોરચો માંડ્યો છે. ખેડૂતોનો આરોપ છે કે પ્લાન્ટથી ફળદ્રુપ જમીન અને લોકોનું આરોગ્ય જોખમાશે. મોડી રાત્રે બેઠક યોજીને ખેડૂતોએ ચીમકી આપી છે કે જો આ પ્લાન્ટ મંજૂર કરાશે, તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
જેતપર આમરણાંત ઉપવાસ આંદોલનને સંતોનું સમર્થન
મોરબીના જેતપરમાં ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનના ૧૩મા દિવસે હવે સંતોનું મોટું સમર્થન મળ્યું છે. સંસ્કારધામથી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રેમપ્રકાશદાસજી સ્વામીએ ખાસ આંદોલન છાવણીની મુલાકાત લીધી હતી અને ઉપવાસીઓને પોતાનો પૂર્ણ ટેકો જાહેર કરીને લડતને વધુ મજબૂત બનાવી છે.

