VIDEO: MORNING BULLETIN / 'ડોલ્ફિન' વાવાઝોડાએ તબાહી મચાવી, PM મોદી સાથે મુલાકાત કરશે શરદ પવાર જૂથના સાંસદ, સાત દિવસ વરસાદની આગાહી
'ડોલ્ફિન' વાવાઝોડાએ તબાહી મચાવી
જાપાનના દક્ષિણી ઓકિનાવા પ્રાંતમાં શનિવારે 'ટાયફૂન ડોલ્ફિન' વાવાઝોડું ત્રાટકતા 6 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. 50,000 થી વધુ ઘરોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો. ચીને પણ તેના પૂર્વ કિનારે વાવાઝોડું ત્રાટકે તે પહેલાં બંદરો અને ફેરી સેવાઓ બંધ કરી દીધી છે. જાપાનમાં 162 થી 216 કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાતા ફ્લાઈટ્સ રદ કરાઈ છે.
PM મોદી સાથે મુલાકાત કરશે શરદ પવાર જૂથના સાંસદ
NCPના શરદ પવાર જૂથના 8 લોકસભા સાંસદો આગામી 10 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે. સુપ્રિયા સુલેએ જણાવ્યું હતુ કે, આ મુલાકાત મહારાષ્ટ્રના મહત્વના પ્રશ્નોની ચર્ચા માટે છે. તેમણે FCRA બિલનો વિરોધ કરી JPCને મોકલવાની માંગ કરી. ઉપરાંત, NEET અને જંતર-મંતર ઘટનાઓની SIT તપાસની પણ અપીલ કરી.
વિજય થલાપતિને મોટો ઝટકો
તમિલનાડુના CM વિજયે પરિસીમન મુદ્દે સર્વદલીય સાંસદોની બેઠક બોલાવી હતી. રાજ્યના 57માંથી 37 સાંસદો, જેમાં DMK અને AIADMKના નેતાઓનો સમાવેશ થાય છે, તેમણે આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો. માત્ર 20 સાંસદો જ હાજર રહ્યા, જેમાં કોંગ્રેસના 12 સભ્યો હતા. DMKએ આ બેઠકને "રાજકીય સ્ટંટ" ગણાવી હતી, જ્યારે કોંગ્રેસે તેનું સમર્થન કર્યું હતું.
સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી
ગુજરાતમાં આગામી સાત દિવસ દરમિયાન છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. આગામી ત્રણ દિવસ દરમિયાન અનેક વિસ્તારોમાં ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદની શક્યતા છે. મોન્સૂન ટ્રફ અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ સક્રિય હોવાથી વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.
પાટણ કોંગ્રેસમાં આંતરિક ગરમાવો
પાટણ કોંગ્રેસમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગેમર દેસાઈએ પૂર્વ પ્રમુખે લગાવેલા આક્ષેપોનું ખંડન કર્યું છે. ઉત્તર ગુજરાતના જિલ્લા પ્રમુખ, ધારાસભ્યો અને પૂર્વ પ્રમુખ દિલ્હીમાં સંસદભવનની મુલાકાતે ગયા હતા. ગેમરભાઈએ જણાવ્યું કે શુભેચ્છા મુલાકાત દરમિયાન અમિતભાઈ કે અન્ય બાબતે કોઈ ચર્ચા થઈ નથી. જો કોઈ મારા ભ્રષ્ટાચાર કે ભાજપ સાથે સાઠગાંઠ સાબિત કરે તો હું જાહેર જીવન છોડી દઈશ.
સાપુતારામાં મેઘમલ્હાર 2026નો રંગારંગ પ્રારંભ
ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં પ્રવાસન વિભાગ દ્વારા આયોજિત મોન્સૂન ફેસ્ટિવલ ‘મેઘમલ્હાર 2026’નો ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીએ ભવ્ય પ્રારંભ કરાવ્યો હતો. 29 ઓગસ્ટ સુધી ચાલનારા આ ફેસ્ટિવલના ઉદ્ઘાટન પ્રસંગે પ્રવાસન મંત્રી ડો. જયરામ ગામીત અને સાંસદ ધવલ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
અમદવાદમાં વૃક્ષ સાથે સંકલિત ગ્રીન બસ શેલ્ટર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સાબરમતી વિસ્તારના અચેર AMTS બસ સ્ટેન્ડ ખાતે શહેરનું પ્રથમ વૃક્ષ સાથે સંકલિત ગ્રીન બસ શેલ્ટર તૈયાર કર્યું છે. વર્ષોથી ઊભેલા જૂના વૃક્ષને કાપવાને બદલે તેને જ શેલ્ટરની ડિઝાઇનની મુખ્ય થીમ બનાવવામાં આવી છે. શેલ્ટરની છત પર વર્નોનિયા એલિપ્ટિકા ક્લાઇમ્બર છોડ લગાવવામાં આવ્યા છે, જે મુસાફરોને કુદરતી છાંયડો, ઠંડક અને શુદ્ધ હવા આપશે.
આજનું રાશિફળ
મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોએ આજના દિવસે મોટા લક્ષ્યો નક્કી કરવા, નાણાકીય આયોજન કરવું તેમજ વાણી અને ઉશ્કેરાટ પર સંયમ રાખીને જ નિર્ણય લેવા. કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોએ વડીલોના માર્ગદર્શનથી આર્થિક નિર્ણયો લેવા, ખોટા ખર્ચ અને અજાણી વ્યક્તિઓ પર અંધવિશ્વાસ કરવાથી બચવું. તુલા, વૃશ્ચિક અને ધનુ રાશિના જાતકોને નવું શીખવાની અને કમાવવાની ઉત્તમ તકો મળશે. મકર, કુંભ અને મીન રાશિના જાતકોને જૂની ચિંતાઓમાંથી મુક્તિ મળશે.
આજનું પંચાંગ
આજના પંચાંગ અનુસાર આજે કામિકા એકાદશી છે. રવિવારના દિવસે મૃગશીર્ષ નક્ષત્ર અને હર્ષણ યોગનો સંયોગ છે. આ દિવસ ભગવાન વિષ્ણુની ઉપાસના, એકાદશી વ્રત, જપ-ધ્યાન અને આધ્યાત્મિક સાધના માટે વિશેષ મહત્વનો માનવામાં આવે છે.
આજનો ઇતિહાસ
9 ઓગસ્ટ, 1942ના રોજ મહાત્મા ગાંધીના નેતૃત્વ હેઠળ ભારત છોડો આંદોલનની શરૂઆત થઈ હતી. 8 ઓગસ્ટ, 1942ના રોજ મુંબઈમાં મળેલી અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિની બેઠકમાં બ્રિટિશ શાસન સામે 'કરો અથવા મરો'નો નારો આપવામાં આવ્યો હતો.
સુંદર વિચાર સાથે કરો દિવસની સકારાત્મક શરૂઆત
"સમય અને સંજોગો ક્યારેય એકસરખા રહેતા નથી, તેથી ખરાબ સમયમાં ધીરજ રાખો અને સારા સમયમાં નમ્ર રહો."

