NEWS AFTERNOON: "હું તે ઇચ્છતો ન હતો..." ખામેનીનો મોટો દાવો, રાંચી RSS કાર્યાલય હુમલામાં સામે આવ્યું પાકિસ્તાની કનેક્શન, પાવાગઢમાં મોટી દુર્ઘટના! 2 લોકોના મોત
BRICS બેઠક: વાંગ યી ભારતની મુલાકાતે
ચીનના વિદેશ મંત્રી વાંગ યી 22-23 જૂને ભારતની મુલાકાતે આવશે. NSA અજિત ડોભાલના આમંત્રણ પર તેઓ દિલ્હીમાં 16મી બ્રિક્સ NSA બેઠકમાં ભાગ લેશે. આ ઉચ્ચ સ્તરીય બેઠકથી ભારત અને ચીન વચ્ચેના સંબંધો વધુ સુધરે તેવી શક્યતા જોવાઈ રહી છે.
"હું તે ઇચ્છતો ન હતો...": ખામેનીનો મોટો દાવો
અમેરિકા-ઈરાન શાંતિ કરાર પર ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનીએ ચોંકાવનારું નિવેદન આપ્યું છે. તેમણે દાવો કર્યો કે ટ્રમ્પ કરાર માટે ઉત્સુક હતા અને આ ડીલ અમેરિકાની મજબૂરી હતી. જોકે, ઈરાનના હિતોની રક્ષાની શરતે જ તેમણે આ કરારને મંજૂરી આપી છે.
રાંચી RSS કાર્યાલય હુમલામાં સામે આવ્યું પાકિસ્તાની કનેક્શન
રાંચીમાં RSS કાર્યાલય પર થયેલા પેટ્રોલ બોમ્બ હુમલામાં મોટો ખુલાસો થયો છે. પોલીસે પાકિસ્તાની હેન્ડલર સાથે જોડાયેલા ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. આ હુમલાનું કાવતરું દુબઈમાં ઘડાયું હતું અને હુમલાનો વીડિયો પાકિસ્તાન મોકલવામાં આવ્યો હતો.
SCનો મોટો આદેશ: નકલી વકીલો પર સકંજો!
દેશમાં દર 3માંથી 1 વકીલ નકલી હોવાના અહેવાલ બાદ સુપ્રીમ કોર્ટે મોટું પગલું ભર્યું છે. કોર્ટે વકીલો માટે 'નેશનલ ડિજિટલ રજીસ્ટ્રી' બનાવવાની અરજી પર કેન્દ્ર અને BCI પાસે જવાબ માંગ્યો છે. હવે દરેક સાચા વકીલને યુનિક આઈડી અપાશે.
મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે કડક કાર્યવાહી
સરકારી મેડિકલ કોલેજમાં રેગિંગ મામલે એન્ટી રેગિંગ કમિટીએ કડક કાર્યવાહી કરી છે. 18 જૂને સાંજે 5 વાગ્યાથી વહેલી સવારના 2 વાગ્યા સુધી ચાલેલી બેઠક બાદ ઓર્થોપેડિકના 4 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાંથી બરતરફ કરાયા છે, જ્યારે 2 વિદ્યાર્થીઓને 6 મહિના માટે કોલેજમાંથી સસ્પેન્ડ કરી હોસ્પિટલ પ્રવેશ પર પ્રતિબંધ મુકાયો છે.
પાવાગઢમાં મોટી દુર્ઘટના: પાટિયા પુલ પાસે ભૂસ્ખલન
પંચમહાલના પાવાગઢ ડુંગર પર પાટિયા પુલ પાસે ભૂસ્ખલનની મોટી ઘટના સામે આવી છે. ઊંચાઈ પરથી મહાકાય શિલાઓ પગથિયાં પર ધસી આવતા 15 શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત થયા છે, જ્યારે બે યાત્રિકોના મોત નીપજ્યા છે અને તેમના મૃતદેહ બહાર કાઢી લેવામાં આવ્યા છે.
રાજકોટના જસદણમાં ખાનગી બસ પલટી
રાજકોટના જસદણ રેલવે સ્ટેશન નજીક વહેલી સવારે ચાર વાગ્યે સુરતથી આવતી એક ખાનગી બસ પલટી મારી ગઈ છે. બસમાં સવાર 22 મુસાફરોમાંથી અગિયાર લોકો ઈજાગ્રસ્ત થતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે. મુસાફરોએ ડ્રાઈવરની બેદરકારીને અકસ્માત માટે જવાબદાર ગણાવી છે.
હળવદ: અંબાજી માતાનું નિર્માણાધીન મંદિર ધરાશાયી
હળવદ તાલુકાના ટીકર ગામે જૈન સમાજ દ્વારા નિર્માણ પામી રહેલું અંબાજી માતાનું મંદિર મધરાતે અચાનક ધરાશાયી થયું છે. રાત્રે 12 વાગ્યે સર્જાયેલી આ દુર્ઘટના સમયે બાંધકામ સ્થળે કોઈ હાજર ન હોવાથી સદનસીબે મોટી જાનહાનિ ટળી છે.

