Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : What parts of old vehicles will go bad with E20 petrol? A big revelation in research and Minister Gadkari's statement!

E20 પેટ્રોલથી જૂના વાહનોના કયા પાર્ટ્સ થશે ખરાબ? રિસર્ચ અને મંત્રી ગડકરીના નિવેદનમાં થયો મોટો ખુલાસો!

Timeછેલ્લું અપડેટ : 30 Jul 2026
લાઇવ ટીવીGoogle News
E20 પેટ્રોલથી જૂના વાહનોના કયા પાર્ટ્સ થશે ખરાબ? રિસર્ચ અને મંત્રી ગડકરીના નિવેદનમાં થયો મોટો ખુલાસો!
સોર્સ : gstv

દેશમાં E20 ફ્યુઅલ (એથેનોલ મિશ્રિત પેટ્રોલ)ને લઈને ચારેકોર ચર્ચા થઈ રહી છે. આ અંગે સરકાર, ગ્રાહકો અને ઓટો નિષ્ણાતોના અલગ-અલગ તર્કો સામે આવી રહ્યા છે. ખાસ કરીને ગાડીનું માઇલેજ અને એન્જિન સાથે જોડાયેલી ખરાબીને લઈને સતત આશંકાઓ સેવાઈ રહી છે. સરકારનું અત્યાર સુધી એવું જ કહેવું હતું કે E20થી વાહનોને કોઈ નુકસાન થતું નથી. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ એન્જિન ખરાબ થવાની ચિંતાઓને વારંવાર ફગાવી દીધી હતી. જોકે, હવે ગડકરીએ સ્વીકાર્યું છે કે E20 પેટ્રોલનો ઉપયોગ કરવાથી કેટલાક જૂના વાહનોના પાર્ટ્સ બદલવાની જરૂર પડી શકે છે.

App Store

ગડકરીના જણાવ્યા અનુસાર, 1 એપ્રિલ 2005 પછી રજૂ કરાયેલા અને 2016 પહેલાં બનેલા કેટલાક BS-III વાહનોમાં રબરના પાર્ટ્સ અને ગૅસ્કેટ (Gaskets) બદલવાની જરૂર પડી શકે છે. તેમણે ઉમેર્યું કે રેગ્યુલર સર્વિસિંગ દરમિયાન આ પાર્ટ્સ સરળતાથી બદલી શકાય છે. E20ના પક્ષમાં સરકારના અગાઉના દાવોને જોતાં આ એક મહત્વપૂર્ણ વળાંક માનવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા પર વધી રહેલી ટીકાઓ વચ્ચે ગડકરીએ અગાઉ કહ્યું હતું કે E20થી વાહનોને મોટા પાયે નુકસાન થવાના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી અને તેમણે આલોચકો પાસે એવા નક્કર પુરાવા પણ માંગ્યા હતા.

અનેક સર્વે અને સ્ટડીઝમાં શું આવ્યું સામે?

ગડકરીના આ નવા નિવેદનનો અર્થ એવો નથી કે E20થી એન્જિન ફેલ થઈ જાય છે કે મોટું નુકસાન થાય છે. જોકે, જૂના વાહનોમાં રબરના કેટલાક પાર્ટ્સ અને ગૅસ્કેટ બદલવાની વાત સ્વીકારવી એ સરકારના અગાઉના વલણથી થોડું અલગ છે. ગડકરીએ ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL), ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ પેટ્રોલીયમ (IIP), સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) અને ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI)ના અભ્યાસોનો હવાલો આપ્યો હતો.

સરકારના જણાવ્યા મુજબ, આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે E20ના ઉપયોગ માટે કાર અને ટુ-વ્હીલરના એન્જિનમાં કોઈ મોટા ફેરફારની જરૂર નથી. જૂના વાહનો પર કરવામાં આવેલા ટેસ્ટિંગમાં પણ પર્ફોર્મન્સમાં કોઈ ખાસ ઘટાડો કે અસામાન્ય ઘસારો જોવા મળ્યો નહોતો. ગાડી ચલાવવાની સરળતા, સ્ટાર્ટ થવાની ક્ષમતા, મેટલ અને પ્લાસ્ટિક સાથે વાહનની સુસંગતતા જેવા પેરામીટર્સની ચકાસણી કરવામાં આવી હતી. તાજેતરમાં સરકારે આ ચિંતાઓને દૂર કરવા માટે ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી અને ટેસ્ટિંગ એક્સપર્ટ્સ સાથે એક પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી, જેમાં દાવો કરાયો હતો કે દેશભરમાં અમલમાં મુકતા પહેલા E20નું વ્યાપક ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું.

સરકાર અને ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી દ્વારા વારંવાર સ્પષ્ટતા કરવામાં આવી હોવા છતાં, વાહન માલિકો E20ને લઈને ચિંતિત છે. ખાસ કરીને માઇલેજ ઘટી જવું અને જૂની કાર તેમજ મોટરસાઇકલ સાથે તેની સુસંગતતાને લઈને લોકોના મનમાં સવાલો છે. ખુદ નીતિન ગડકરીને પણ આ પોલિસી લાગુ કરવા બદલ સોશિયલ મીડિયા પર ઘણો વિરોધ સહન કરવો પડ્યો છે. તાજેતરમાં જ, એક કન્ઝ્યુમર કમિશને મારૂતિ ગ્રાન્ડ વિટારા ગાડી બદલી આપવાનો આદેશ આપ્યો હતો, કારણ કે તે ગાડી E20 ફ્યુઅલને સપોર્ટ કરતી નહોતી.

માઇલેજ અને વોરંટીનું શું?

વાહન માલિકો માટે માઇલેજ એ સૌથી મોટી ચિંતાનો વિષય છે. ગડકરીએ જણાવ્યું કે ઓટોમોબાઈલ ઉત્પાદક કંપનીઓ અને ટેસ્ટિંગ એજન્સીઓએ સ્પષ્ટ કર્યું છે કે ફ્યુઅલ ઈકોનોમી (માઇલેજ) ઘણી બધી બાબતો પર નિર્ભર કરે છે અને તેમાં થતા ઘટાડા માટે માત્ર E20ને જવાબદાર ઠેરવી શકાય નહીં. સરકારે એવું પણ આશ્વાસન આપ્યું છે કે ઉત્પાદક કંપનીઓ E20 પેટ્રોલથી ચાલતા વાહનો પર લાગુ પડતી વોરંટી ક્લેમ માન્ય રાખશે. જોકે, હવે જ્યારે જૂના વાહનોના પાર્ટ્સમાં ખરાબી આવશે, તો તેને વોરંટી હેઠળ કેવી રીતે બદલી આપવામાં આવશે, તે હજુ પણ એક મોટો પ્રશ્ન બનેલો છે.

ટોપિક્સ:GSTV NewsGujarati News