Auto News : GST 2.0ના લીધે આ 5 બાઇક થઈ સસ્તી, જાણો ભાવમાં કેટલા થયો ઘટાડો

ભારત સરકારે તાજેતરમાં નવા GST દરોની જાહેરાત કરી છે, જેમાં 350cc સુધીની મોટરસાઇકલ પરનો ટેક્સ 28% થી ઘટાડીને 18% કરવામાં આવ્યો છે. આ નિર્ણયની સીધી અસર રોયલ એનફિલ્ડની 350cc રેન્જની મોટરસાઇકલ પર પડી છે. કંપનીની સૌથી વધુ વેચાતી મોટરસાઇકલ હવે વધુ સસ્તી બની ગઈ છે. આમાં ક્લાસિક 350, બુલેટ 350, હન્ટર 350, મીટીઓર 350 અને નવી ગોઆન ક્લાસિક 350નો સમાવેશ થાય છે. અહીં જાણો આ બાઇકની નવી કિંમતો...
Royal Enfield Goan Classic 350
રોયલ એનફિલ્ડ ગોઆન ક્લાસિક 350 એ કંપનીની લેટેસ્ટ અને સૌથી સ્ટાઇલિશ મોટરસાઇકલ છે. તે ખાસ કરીને યુવાનોને આકર્ષિત કરે તેવો બોબર-સ્ટાઇલ લુક આપવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. આ બાઇકની કિંમતમાં આશરે 20,000 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે.
Royal Enfield Classic 350
કંપનીની સૌથી લોકપ્રિય બાઇક, ક્લાસિક 350 હવે વધુ સસ્તી થઈ ગઈ છે. તેના ટોપ-એન્ડ એમેરાલ્ડ ગ્રીન શેડની કિંમતમાં 19,000 રૂપિયાથી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. 349cc એન્જિન દ્વારા સંચાલિત આ બાઇક તેની આરામદાયક સવારી અને શક્તિશાળી થમ્પ માટે જાણીતી છે. નવી કિંમતો સાથે તે હવે વધું વેલ્યૂ ફોર મની સાબિત થઈ રહી છે.
Royal Enfield Bullet 350
આ કિંમત ઘટાડામાં રોયલ એનફિલ્ડની સિગ્નેચર બુલેટ 350 પણ સામેલ છે. તેના ટોપ-સ્પેસિફિકેશન બ્લેક ગોલ્ડ વેરિઅન્ટની કિંમતમાં 18,000થી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. બુલેટ 350 હંમેશા તેની ક્લાસિક સ્ટાઇલ, સિગ્નેચર થમ્પ અને આરામદાયક સવારી મુદ્રાને કારણે લોકપ્રિય રહી છે.
Royal Enfield Meteor 350
ક્રુઝર સેગમેન્ટમાં લોકપ્રિય, મીટિઅર 350, તેના લાંબા અંતરની મુસાફરી માટે જાણીતી છે. તેના ટોપ-ઓફ-ધ-લાઇન સુપરનોવા ટ્રીમની કિંમતમાં 16,000થી વધુનો ઘટાડો કરવામાં આવ્યો છે. તાજેતરના 2025 અપડેટમાં નવા રંગો અને સુવિધાઓ પણ લાવવામાં આવી છે. કિંમતમાં ઘટાડો તેને હાઇવે રાઇડર્સ માટે એક આકર્ષક વિકલ્પ બનાવે છે.
Royal Enfield Hunter 350
આ લાઇનઅપમાં સૌથી કોમ્પેક્ટ અને બજેટ-ફ્રેન્ડલી બાઇક હન્ટર 350 છે. તેની કિંમતમાં આશરે 15,000નો ઘટાડો કરવામાં આવ્યો છે. આ બાઇક જે પહેલાથી જ એક સસ્તું વિકલ્પ માનવામાં આવે છે, હવે ગ્રાહકો માટે વધુ સુલભ બની ગઈ છે. ખાસ કરીને શહેરોમાં યુવા રાઇડર્સમાં તેની માંગ વધવાની અપેક્ષા છે.

