Googleના ડંકા સામે OpenAIની ટક્કર: AI દુનિયામાં 1 અબજ યુઝર્સ સાથે કોણ આગળ?

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની દુનિયામાં OpenAI અને Google વચ્ચેનો મુકાબલો હવે એક નવા લેવલ પર પહોંચી ગયો છે. બંને કંપનીઓના AI ચેટબોટ ChatGPT અને Gemini એ 1 અબજ યુઝર્સનો મોટો આંકડો પાર કરી લીધો છે. ખાસ વાત એ છે કે Gemini એ આ આંકડા સુધી પહોંચીને Google પ્રોડક્ટ્સમાં સૌથી ઝડપથી ગ્રોથ કરનાર પ્રોડક્ટનો દરજ્જો મેળવી લીધો છે.
ChatGPT એ પહેલાં સ્પર્શ્યો 1 અબજનો આંકડો
ChatGPT એ Gemini કરતાં થોડા અઠવાડિયાં પહેલાં જ 1 અબજ યુઝર્સનો આંકડો પાર કરી લીધો હતો. OpenAI એ 6 ઓગસ્ટે એક બ્લોગ પોસ્ટમાં જણાવ્યું કે 1 અબજથી વધુ લોકો ChatGPT નો ઉપયોગ કરી રહ્યા છે. જોકે, કંપનીએ આ ઉપલબ્ધિને કોઈ મોટા એનાઉન્સમેન્ટને બદલે એક સામાન્ય બ્લોગ પોસ્ટના ભાગરૂપે શેર કરી હતી. બહારના આંકડા મુજબ ChatGPT જૂનમાં જ 1 અબજ મંથલી યુઝર્સના આંકડા સુધી પહોંચી ગયું હતું.
OpenAI ના જણાવ્યા અનુસાર ChatGPT જુલાઈમાં 1 અબજ વીકલી યુઝર્સ સુધી પણ પહોંચી ગયું. ફેબ્રુઆરી 2026માં કંપનીએ જણાવ્યું હતું કે ChatGPTના 900 મિલિયન વીકલી એક્ટિવ યુઝર્સ હતા. એટલે કે પાંચ મહિનામાં યુઝર બેઝ 1 અબજ સુધી પહોંચ્યો, પરંતુ શરૂઆતના તબક્કાની સરખામણીમાં તેની ગ્રોથની સ્પીડ ધીમી થઈ છે.
Geminiના ગ્રોથે ચોંકાવ્યા
Google નું Gemini પણ હવે 1 અબજ મંથલી એક્ટિવ યુઝર્સ ધરાવતું પ્લેટફોર્મ બની ગયું છે. Google CEO સુંદર પિચાઈએ આ અંગે માહિતી આપતાં કહ્યું કે Gemini કંપનીનું અત્યાર સુધીનું સૌથી ઝડપથી ગ્રોથ કરનાર પ્રોડક્ટ છે. Gemini એ આ આંકડો ઓગસ્ટ 2026ના પહેલા અઠવાડિયામાં મેળવ્યો અને Google એ તેના પછી આ અંગેની જાહેરાત કરી.
Gemini નો ગ્રોથ છેલ્લા કેટલાક મહિનાઓમાં ખાસ કરીને ખૂબ ઝડપી રહ્યો છે. ફેબ્રુઆરીમાં Google એ Gemini ના 750 મિલિયન મંથલી યુઝર્સ હોવાની માહિતી આપી હતી. જુલાઈના અંતમાં આ સંખ્યા વધીને 950 મિલિયન થઈ ગઈ અને તેના થોડા જ સમય બાદ Gemini એ 1 અબજનો આંકડો પાર કરી લીધો.
AI ની રેસમાં હવે માત્ર બે કંપનીઓ નથી
AIનો મુકાબલો હવે માત્ર ChatGPT અને Gemini સુધી સીમિત નથી રહ્યો. Anthropic નું Claude પણ ઝડપથી લોકપ્રિય થઈ રહ્યું છે, જોકે કંપની પોતાના યુઝર્સની સંખ્યા પબ્લિક કરતી નથી. આ સિવાય ચીન તરફથી આવતા AI મોડેલ્સ પણ આ કોમ્પિટિશનને વધુ ઝડપી બનાવી રહ્યા છે.
OpenAI અને Google પણ સતત પોતાના AI મોડેલ્સ અને સર્વિસિસને અપગ્રેડ કરી રહ્યા છે. એવામાં આવનારા સમયમાં માત્ર એ બાબત જ મહત્ત્વની નહીં રહે કે કયા AI પાસે વધુ યુઝર્સ છે, પરંતુ એ પણ એટલું જ મહત્ત્વનું રહેશે કે યુઝર્સ આ AI ટૂલ્સનો ઉપયોગ કઈ રીતે અને કેટલી વાર કરે છે.

