Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ઓટો-ટેક : Meta's magical glasses launch, IMAX theatre experience at home,

VIDEO: Metaના જાદુઈ ચશ્મા લોન્ચ, ઘરમાં બેઠા મળશે IMAX થિયેટરનો અનુભવ, વીડિયો કોલમાં સામે દેખાશે વ્યક્તિનું હોલોગ્રામ

Timeછેલ્લું અપડેટ : 24 Sept 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : gstv

Metaએ વર્ચ્યુઅલ રિયાલિટી (Virtual Reality)ની દુનિયામાં નવી ટેક્નોલોજી સાથે પોતાના નવા Meta VR Glasses રજૂ કર્યા છે. કંપનીનો દાવો છે કે આ ચશ્માં પરંપરાગત ભારે-ભરખમ VR હેડસેટની સરખામણીમાં હળવા અને રોજિંદા ઉપયોગ માટે વધુ અનુકૂળ છે. તેનું વજન લગભગ 100 ગ્રામ છે, જ્યારે તેની કિંમત 1,299.99 ડોલર એટલે કે આશરે રૂ.1.25 લાખ રાખવામાં આવી છે. અમેરિકામાં તેનું વેચાણ 2027ની વસંત ઋતુથી શરૂ થશે.

App Store

માત્ર 100 ગ્રામનું છે Meta VR Glasses

Meta VR Glassesનું વજન લગભગ 100 ગ્રામ છે. કંપનીના CEO માર્ક ઝકરબર્ગે જણાવ્યું છે કે તેનું વજન Meta Quest 3ના પાંચમા ભાગ કરતાં પણ ઓછું છે. ઓછા વજન પાછળ કંપનીનું સ્પ્લિટ આર્કિટેક્ચર (Split Architecture) મુખ્ય કારણ છે.

ચશ્માંમાં પ્રોસેસર, બેટરી અને સ્ટોરેજ જેવા કમ્પ્યુટિંગ ઘટકો સીધા ફ્રેમમાં મૂકવાને બદલે અલગ નાના રેક્ટેન્ગ્યુલર બોક્સમાં રાખવામાં આવ્યા છે. આ બોક્સને યુઝર ખિસ્સા કે બેગ સાથે ક્લિપ કરી શકે છે. ચશ્માં અને આ બોક્સ વચ્ચે ઓપ્ટિકલ ટેથર કનેક્શન આપવામાં આવ્યું છે.

5K ડિસ્પ્લેથી મળશે હાઈ-રેઝોલ્યુશન અનુભવ

Meta VR Glassesમાં 5K Infinite Display આપવામાં આવ્યું છે, જે માઇક્રો-OLED પેનલ પર આધારિત છે. તેમાં 37 પિક્સલ પ્રતિ ડિગ્રીનો સપોર્ટ છે. કંપનીના જણાવ્યા મુજબ, આ ડિસ્પ્લેને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું છે કે યુઝર નાનું લખાણ અને બારીક વિગતો પણ સ્પષ્ટ રીતે જોઈ શકે.

આ ચશ્માંમાં કોમ્પેક્ટ ઓપ્ટિકલ સિસ્ટમ માટે પેનકેક લેન્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત Dolby Vision અને Dolby Atmos સ્પેશિયલ ઑડિયોનો સપોર્ટ પણ મળશે. એટલે યુઝરને માત્ર મોટી સ્ક્રીન જ નહીં, પરંતુ સિનેમા જેવો ઑડિયો અનુભવ પણ મળી શકે છે.

આસપાસની દુનિયા પણ દેખાતી રહેશે

પરંપરાગત VR હેડસેટથી અલગ Meta VR Glassesમાં સાઇડ ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો છે અને તેમાં પાસથ્રૂ કેમેરા આપવામાં આવ્યા છે. એટલે ચશ્માં પહેર્યા બાદ યુઝર સંપૂર્ણપણે વર્ચ્યુઅલ દુનિયામાં બંધ નહીં થઈ જાય.

યુઝર વર્ચ્યુઅલ કન્ટેન્ટ જોવાની સાથે આસપાસના ભૌતિક વાતાવરણથી પણ માહિતગાર રહી શકશે. વિમાનમાં મુસાફરી દરમિયાન મોટી વર્ચ્યુઅલ સ્ક્રીન પર ફિલ્મ જોવી, અનેક સ્ક્રીન પર કામ કરવું અથવા ગેમ રમવી જેવી સુવિધાઓનો ઉપયોગ કરી શકાશે.

અવાજ, આંખો અને હાથના ઇશારાથી થશે કંટ્રોલ

Metaએ પોતાના Meta AI એજન્ટને સીધા ડિવાઇસની ઓપરેટિંગ સિસ્ટમમાં ઇન્ટિગ્રેટ કર્યો છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, યુઝર અવાજ, આંખોની હિલચાલ અને કુદરતી હેન્ડ જેસ્ચર (Hand Gestures) દ્વારા ચશ્માંને કંટ્રોલ કરી શકશે.

આની મદદથી એપ્લિકેશન શરૂ કરવી, ફિલ્મ ચલાવવી, વર્કસ્પેસ બદલવો અને ઇન્ટરનેટ પર માહિતી શોધવા જેવા કામ ફિઝિકલ કંટ્રોલર વિના કરી શકાશે.

ડિવાઇસમાં Qualcomm Snapdragon Reality Elite પ્રોસેસર આપવામાં આવ્યું છે. બહારના પેકમાં રહેલી બેટરી હાઈ-રેઝોલ્યુશન મીડિયા પ્લેબેક દરમિયાન ત્રણ કલાક સુધી બેકઅપ આપી શકે છે. તેમાં 45W ફાસ્ટ ચાર્જિંગની સુવિધા પણ મળશે.

IMAX અને Disneyનું ખાસ 3D કન્ટેન્ટ

Meta VR Glassesમાં એન્ટરટેઇનમેન્ટ પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ પહેલું IMAX Enhanced-certified VR ડિવાઇસ હશે, જેમાં પસંદગીની ફિલ્મોને IMAXના વિસ્તૃત આસ્પેક્ટ રેશિયો (Aspect Ratio)માં જોઈ શકાશે.

Metaએ Disney સાથે પણ ભાગીદારીની જાહેરાત કરી છે. સપોર્ટેડ માર્કેટ્સમાં Disney+ના સબસ્ક્રાઇબર્સને પસંદગીની 3D ફિલ્મો જોવાની સુવિધા મળશે. આ ઉપરાંત Star Wars, Marvel અને Monsters, Inc. જેવી લોકપ્રિય ફ્રેન્ચાઇઝીથી પ્રેરિત ઇમર્સિવ એન્વાયરમેન્ટ પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

કંપની VR Enhanced Cinema નામનું નવું ફોર્મેટ પણ લાવી રહી છે. તેમાં ફિલ્મ જોતી વખતે યુઝરની આસપાસનું વર્ચ્યુઅલ એન્વાયરમેન્ટ પણ ફિલ્મનો એક ભાગ બની જશે. Avengers: Infinity War અને Star Wars: A New Hope જેવી ફિલ્મોના આ ફોર્મેટ માટે ખાસ વર્ઝન તૈયાર કરવામાં આવશે.

Prime Videoથી YouTube સુધી અનેક પ્લેટફોર્મનો સપોર્ટ

Meta VR Glassesના એન્ટરટેઇનમેન્ટ ઇકોસિસ્ટમમાં Amazon Prime Video, YouTube, DIRECTV, AMC+, Crunchyroll, Plex અને Tubi જેવી સર્વિસનો સમાવેશ થશે. Peacock, HBO Max અને Paramount+ પણ પોતાના 3D કન્ટેન્ટ કેટલોગને આ પ્લેટફોર્મ પર લાવવાની તૈયારીમાં છે.

Metaના જણાવ્યા પ્રમાણે, VR Glasses લોન્ચ થયા બાદ દર વર્ષે 100થી વધુ ઇમર્સિવ લાઇવ સ્પોર્ટ્સ ઇવેન્ટ્સનું આયોજન કરવામાં આવશે. એટલે દર્શક ટીવી પર મેચ જોવાને બદલે વર્ચ્યુઅલ કોર્ટસાઇડ અથવા સ્ટેડિયમ પોઝિશન પરથી મેચ જોવાનો અનુભવ મેળવી શકશે.

ફિલ્મો ઉપરાંત કામ માટે પણ ઉપયોગી

Meta VR Glassesને માત્ર મનોરંજન માટેનું ડિવાઇસ બનાવવામાં આવ્યું નથી. યુઝર પોતાની જરૂરિયાત પ્રમાણે એક મોટી વર્ચ્યુઅલ સ્ક્રીન અથવા એકસાથે અનેક સ્ક્રીન બનાવી શકે છે.

ચશ્માંને Mac અથવા Windows PC સાથે વાયરલેસ રીતે અથવા USB-C કનેક્શન દ્વારા જોડીને પ્રાઇવેટ વર્ચ્યુઅલ વર્કસ્પેસ બનાવી શકાય છે. ડિવાઇસ ટેબલ અથવા ડેસ્કને વર્ચ્યુઅલ કીબોર્ડ અને ટચપેડની જેમ ઉપયોગ કરવાની સુવિધા પણ આપે છે.

75થી વધુ ગેમ્સમાં હેન્ડ જેસ્ચર કંટ્રોલ

ગેમિંગ પણ Meta VR Glassesનું મહત્વનું ફીચર છે. લોન્ચ સમયે 75થી વધુ ગેમ્સમાં હેન્ડ જેસ્ચર કંટ્રોલનો સપોર્ટ આપવામાં આવશે. આ ઉપરાંત યુઝરને Meta Questના મોટા ગેમ કેટલોગનો ઍક્સેસ મળશે અને Touch Plus કંટ્રોલર્સનું સપોર્ટ પણ ચાલુ રહેશે.

Xbox Cloud Gamingની મદદથી Bluetooth કંટ્રોલર દ્વારા સીધા ચશ્માં પર ગેમ્સ સ્ટ્રીમ કરી શકાશે. આ રીતે VR ગેમિંગ માટે અલગ-અલગ ઉપકરણોની જરૂરિયાત ઘટી શકે છે.

વીડિયો કોલમાં સામે દેખાશે રિયલિસ્ટિક હોલોગ્રામ

Metaએ VR Glassesમાં પોતાની હોલોગ્રામ ટેક્નોલોજી પણ સામેલ કરી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે, આ ટેક્નોલોજી યુઝરનું ફોટો-રિયાલિસ્ટિક ડિજિટલ રિપ્રેઝન્ટેશન તૈયાર કરી શકે છે.

આ હોલોગ્રામમાં ચહેરાના હાવભાવ અને પ્રતિક્રિયાઓ પણ સામેલ હશે. વીડિયો કોલ દરમિયાન આ ડિજિટલ અવતાર અન્ય VR Glasses યુઝરની સામે દેખાઈ શકે છે. સ્પેશિયલ ઑડિયોની મદદથી અવાજ પણ વર્ચ્યુઅલ સ્પેસમાં યોગ્ય દિશામાંથી આવતો હોય તેવો અનુભવ આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

જો સામેની વ્યક્તિ સામાન્ય ફોન અથવા કમ્પ્યુટર પરથી વીડિયો કોલમાં જોડાયેલી હોય તો તેને સ્ક્રીન પર આ હોલોગ્રામ જોવા મળશે. કંપનીના જણાવ્યા પ્રમાણે આ ટેક્નોલોજી WhatsApp અને Zoom સહિત અનેક કોલિંગ સર્વિસ પર કામ કરશે.

2027માં અમેરિકામાં વેચાણ શરૂ થશે

Metaનું કહેવું છે કે VR ટેક્નોલોજીનું આગામી તબક્કું માત્ર વધુ શક્તિશાળી હેડસેટ બનાવવાનું નથી, પરંતુ તેને રોજિંદા જીવનમાં વધુ હળવું, સરળ અને આરામદાયક બનાવવાનું છે. નવા Meta VR Glassesની અમેરિકામાં વેચાણ પ્રક્રિયા 2027ની વસંત ઋતુથી શરૂ થશે.

હાલમાં ભારત સહિત અન્ય માર્કેટ્સમાં આ ચશ્માં ક્યારે ઉપલબ્ધ થશે તેની માહિતી કંપનીએ જાહેર કરી નથી. લગભગ રૂ.1.25 લાખની કિંમત સાથે આ ડિવાઇસ પ્રીમિયમ VR માર્કેટમાં રજૂ કરવામાં આવ્યું છે.