Google chrome: ગૂગલ ક્રોમના બ્રાઉઝરમાં ખામી, સિસ્ટમ હેક થતી બચાવવા તરત આ ઉપાય કરો

Google chrome: ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) દ્વારા ભારતના યુઝર્સને ગૂગલ ક્રોમને તરત જ અપડેટ કરવાની ચેતવણી આપી છે. ગૂગલ ક્રોમમાં ખામી હોવાથી હેકર્સ એનો ફાયદો ઉઠાવી પૂરી સિસ્ટમને હેક કરી રહ્યા છે. વિન્ડોઝ અને મેકના વર્ઝન 141.0.7390.122/.123 કરતાં જૂના વર્ઝનમાં અને લિનક્સના 141.0.7390.122 વર્ઝનમાં ખામી જોવા મળી રહી છે. આ ખામીનો ફાયદો ઉઠાવી હેકર્સ ઘણી સિસ્ટમને કોમ્પ્રોમાઇઝ કરે છે અને સર્વિસ પણ બંધ કરી દેવામાં આવે છે.
ક્રોમના V8 એન્જિનમાં છે સમસ્યા
ક્રોમના V8 એન્જિનમાં ખામી જોવા મળી છે જેના કારણે હેકર્સ સિસ્ટમને હેક કરી શકે છે. આ એન્જિન બ્રાઉઝરના મુખ્ય ભાગમાં આવેલું છે જેના કારણે જાવાસ્ક્રિપ્ટનો કોડ કામ કરે છે. આ ખામીનો ઉપયોગ કરીને હેકર્સ દ્વારા ખાસ વેબ રિક્વેસ્ટ મોકલવામાં આવે છે અને એના કારણે એક પ્રોગ્રામ શરૂ થાય છે અને સિસ્ટમને હેક કરી દેવામાં આવે છે. આ હેક બાદ હેકર્સ યુઝરની સિસ્ટમને સંપૂર્ણ રીતે ટેકઓવર કરી શકે છે અને એને ઇચ્છા થાય એ સર્વિસને બંધ પણ કરી શકે છે.
ક્રોમને તરત જ અપડેટ કરો
ઈન્ડિયન કમ્પ્યૂટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ દ્વારા યુઝર્સને ક્રોમના લેટેસ્ટ વર્ઝનને અપડેટ કરવાનું કહેવામાં આવ્યું છે. મોટાભાગે આ અપડેટ ઓટોમેટિક હોય છે, પરંતુ એ સિસ્ટમ પર લોડ આપતાં ઘણાં યુઝર્સ એને બંધ કરી દે છે. આ સમયે એને મેન્યુઅલી અપડેટ કરવી પડે છે. જે પણ યુઝરે આ અપડેટ બંધ કરી હોય તેમને ઓટોમેટિક ઓન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે. ગૂગલ દ્વારા એ વાતની પુષ્ટિ પણ આપવામાં આવી છે કે 21 ઓક્ટોબરે રિલીઝ કરવામાં આવેલી તેમની અપડેટમાં એની આ ખામીને સુધારી દેવામાં આવી છે.

