‘કોહલી જેવો છે, તેવો જ રહે’ : આલોચનાનો સામનો કરી રહેલા વિરાટના સમર્થનમાં આવ્યાં આ પૂર્વ ભારતીય ક્રિકેટર્સ

આજકાલ જેની સૌથી વધુ ચર્ચા થઇ રહી છે તેવા ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીના સમર્થનમાં પૂર્વ ફાસ્ટ બોલર ઝહીર ખાન અને પ્રવીણ કુમાર આવ્યા છે. મેદાન પર પોતાના વ્યવહારના કારણે ઓટ્રેલિયન દિગ્ગજોની આલોચનાનો સામનો કરી રહેલા ભારતીય કેપ્ટન વિરાટ કોહલીનો બચાવ કરતાં તેમણે કહ્યું કે કોહલી જેવો છે તેણે તેવું જ રહેવું જોઇએ.

એલન બૉર્ડર માઇક હસી મિચેલ જૉનસન અને પૂર્વ ભારતીય ક્રિકેટર સંજય માંજરેકરે કોહલીના મેદાન પરના વ્યવહાર પર નારાજગી વ્યક્ત કરી હતી. ઝહીરે જણાવ્યું કે, હું કોહલીને તે જ કહીશ કે જો તેને આ યોગ્ય લાગતું હોય તો તે તેના પર કાયમ રહે.

તેમણે વધુમાં જણાવ્યું કે તમને જેમાં સફળતા મળતી હોય તેના પર કાયમ રહો. તમને સફળતાના પોતાના ફોર્મ્યુલા પરથી પીછેહઠ ન કરવી જોઇએ. તે મહત્વનું નથી કે અન્ય લોકો શું કહે છે. ઓસ્ટ્રેલિયામાં સિરિઝ હંમેશા આ પ્રકારની મુશ્કેલ જ હોય છે.


તેવામાં પ્રવીણે કહ્યું કે, કોહલી અંડર 19 અને રણજી ટ્રોફીના સ્તરથી જ આક્રમકતા સાથે રમે છે. જો તે ભારત તરફથી રમીને તે જ આક્રમકતા દર્શાવે તો આ કોઇ મુદ્દો નથી. હું તેની સાથે ઘણી મેચ રમ્યો છે. હું કહી શકું છું કે તે આક્રમકતા વિના પોતાની સર્વશ્રેષ્ઠ ક્રિકેટ ન રમી શકે.

જણાવી દઇએ કે ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને રન મશીન તરીકે જાણીતા વિરાટ કોહલી આજકાલ કોઇને કોઇ કારણોસર ચર્ચામાં છે. તાજેતરમાં જ બોલીવુડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે પણ કોહલીને ઘમંડી કહ્યો હતો તેવામાં હવે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન ટિમ પેને પણ કોહલી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. હકીકતમાં પર્થ ટેસ્ટ દરમિયાન કેપ્ટન કોહલી અને ટિમ પેન વચ્ચે તૂતૂ-મેમે થઇ ગઇ હતી. જો કે અંતમાં બંને કેપ્ટને હાથ મિલાવીને આ વિવાદનો મેદાન પર જ અંત લાવી દીધો હતો.

તેવામાં હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર મિચેલ જૉનસને ભારતીય કેપ્ટન પર આકરા પ્રહાર કર્યા છે. જૉનસને કોહલીને આડે હાથે લેતાં કહ્યું કે પર્થ ટેસ્ટમાં કોહલીએ જે કહ્યું તેમાં તે અસભ્ય અને મૂર્ખ વ્યક્તિ તરીકે નજરે પડ્યો. જૉનસને એક અખબારમાં પોતાની કોલમમાં લખ્યું કે, મેચ પૂરી થયા બાદ તમે એકબીજા સાથે નજર મેળવી શકો અને હાથ મિલાવીને કહો કે મુકાબલો ટક્કરનો હતો. વિરાટ કોહલીએ પેન સાથે હાથ મિલાવ્યો પરંતુ તેની સામે નજર ન મેળવી શક્યો, જે મારી નજરમાં અસભ્ય વર્તણૂક છે.

તેમણે વધુમાં લખ્યું કે, કોહલી અન્ય ક્રિકેટર્સ કરતાં ઘણો અલગ છે. તેનું પ્રદર્શન તેને અન્ય ક્રિકેટરોથી ભિન્ન બનાવે છે. પરંતુ તેણે ટેસ્ટમાં જે કર્યુ તેનાથી તે મૂર્ખ લાગ્યો. જણાવી દઇએ કે પર્થ ટેસ્ટમાં ભારતીય અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાએ 146 રને મેચ જીતી હતી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter