આંગળીના ઇશારે રૂપિયાની આપલે – આ શબ્દો અગાઉ જેટલા રોમાંચક લાગતા હતા એટલા જ હવે, ઘણા લોકોને ડરામણા લાગે છે. અખબારોમાં આપણે લગભગ રોજેરોજ લોકોએ સાયબર ફ્રોડનો ભોગ બનીને અમુક હજાર કે લાખ રૂપિયા ગુમાવ્યા હોવાના સમાચાર વાંચીએ છીએ. ઠગનો શિકાર બનતા લોકોમાં ઉચ્ચ અધિકારીઓ, ડોક્ટર, પ્રોફેસર જેવા લોકો પણ સામેલ હોય છે.
આ જ કારણે, જે ખરેખર સૌને ઉપયોગી સગવડ છે એને હવે સૌ શંકાની નજરે જોવા લાગ્યા છે. આજના સમયમાં, કોન્ટેક્ટલેસ પેમેન્ટ અનિવાર્ય બન્યું છે, પાણીપુરીના ખૂમચાથી શરૂ કરીને બધી જગ્યાએ ઓનલાઇન પેમેન્ટ કરવા માટે ક્યુઆર કોડનાં પાટિયાં દેખાવા લાગ્યાં છે, એટલે લોકોએ પણ તેનો ઉપયોગ શરૂ તો કર્યો છે, પણ તેની બારીક આંટીઘૂંટીઓ હજી સૌ સમજ્યા નથી.

બીજી તરફ, ઝારખંડ, બિહાર, રાજસ્થાન જેવાં ઘણાં રાજ્યોમાં સાયબર ફ્રોડ કરીને લોકોને લૂંટવા એ જાણે ગૃહ ઉદ્યોગ બની ગયો છે. આમ જુઓ તો આ લોકોની મોડસ ઓપરેન્ડી લગભગ એક સરખી છે – કોઈ ને કોઈ રીતે આપણને ડરાવવા કે લલચાવવા, પછી ગાફેલ બનાવવા ને પછી આપણા ખાતામાંથી રકમ સેરવી લેવી. લોકો ઓનલાઇન પેમેન્ટ એપ્સના ઉપયોગમાં રાખવી જોઈતી સાવધાનીની કેટલીક પાયાની બાબતો જાણતા નથી એનો ઠગ લોકો પૂરો ગેરલાભ લે છે. અજાણી વ્યક્તિના કહેવાથી આપણે ક્યારેય પોતાના ફોનમાં કોઈ એપ ઇન્સ્ટોલ ન કરવી જોઈએ, પણ લોકો કરે છે. અજાણી વ્યક્તિના કહેવાથી આપણે ક્યારેય કોઈ જગ્યાએ (પોતાના ખાતામાં પણ નહીં) ટ્રાન્ઝેક્શન ન કરવું જોઈએ, છતાં લોકો કરે છે. પોતે રકમ મેળવવી હોય તો પોતાની પિન આપવાની શી જરૂર એવી સાદી વાત પણ લોકો ભૂલી જાય છે.
આવું કેમ થાય છે? સાયબર ફ્રોડનો ભોગ બનેલી લગભગ દરેક વ્યક્તિ કબૂલે છે કે ઠગ તેમને વાતચીતમાં એવા પરોવી લે છે કે એ સમયે જાણે મતિ ફરી જાય છે! હકીકત એ છે કે ઠગ આપણી નબળાઈઓ જાણે છે, એટલા આપણે ઠગની તરકીબો જાણતા નથી. આવા ઘણા લોકોનો અનુભવ છે કે એક વાર સાયબર ફ્રોડનો ભોગ બનીએ એ પછી ગુમાવેલા રૂપિયા પરત મેળવવા એ મુશ્કેલ, બહુ લાંબી અને ઘણા કિસ્સામાં અશક્ય પ્રક્રિયા બની જાય છે.

એટલે જ, અકસ્માતની જેમ જ અહીં પણ સાવચેતીમાં જ સલામતી છે. અહીં નીચે, અત્યારના સમયમાં રૂપિયાને સંબંધિત ઓનલાઇન ફ્રોડ કરવા માટે ઠગ લોકો જે સામાન્ય તરકીબો અજમાવે છે તેની વાત કરી છે. કેટલાક લોકોને આ બધી બિલકુલ પ્રાથમિક વાત લાગશે, તો કેટલાકને થશે કે આ પહેલાં વાંચ્યું હોત તો સારું હતું!
આ વિષય બહુ ગંભીર છે અને દરેક પાસામાં ખાસ્સા ઊંડા ઊતરી શકાય તેવું છે, અત્યારે માત્ર સામાન્ય રીતે શું થાય છે અને તેનાથી બચવા માટે શું ધ્યાન રાખવું જરૂરી છે એટલા પર ફોકસ કર્યું છે. તમે આ બધું જાણતા હો તો બહુ સારી વાત છે, ફક્ત એટલી વિનંતી કે તમારા પરિવારના અન્ય સભ્યોને, ખાસ કરીને, પેમેન્ટ એપ્સનો ઉપયોગ કરતા પણ તેની બારીકીઓ ન જાણતા લોકોને પણ આ જાણકારી આપો.
Read Also
- જાણવા જેવું/ શું તમને ખબર છે કે વિશ્વના કેટલાંક દેશોમાં ભારતીય ડ્રાઇવિંગ લાયસન્સથી પણ તમે કાર ચલાવી શકો છો!
- આસામ વિધાનસભા ચૂંટણી: ભાજપ અને તેના સહયોગીઓ વચ્ચે થઈ બેઠકોની વહેંચણી, ભાજપના ખાતામાં આવી આટલી સીટો
- અમદાવાદમાં હવસખોરે જાહેર રસ્તા પર જ 16 વર્ષની સગીરાને કિસ કરી લેતા ઓહાપોહ
- જો તમે પણ LICની પોલિસી ધરાવતા હોવ તો ફટાફટ આ કામ પતાવી દો, નહીં તો થશે લાખોનું નુકસાન
- બર્ડ ફ્લૂની દહેશત: અમદાવાદના મરઘા ફાર્મમાં પક્ષીનો રિપોર્ટ પોઝિટિવ, ઈંડા સહિત ખાદ્ય પદાર્થોનો નાશ કરવા આદેશ