લોકસભા ચૂંટણી પહેલા એક કાગળમાં તમારુ મંતવ્ય લખી રાખજો, ભાજપનો એક રથ આવી રહ્યો છે

લોકસભા ચૂંટણીને લઇને ભાજપે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ ચૂંટણી ઢંઢેરો બનાવવા માટે હવે લોકોના મંતવ્યો માંગવા જઇ રહી છે. આ માટે ભાજપે અનેક રથ તૈયાર કર્યા છે. તમામ લોકસભા વિસ્તારમાં આ રથ ફરશે અને પ્રજાજનો રથમાં રહેલી સૂચનપેટીમાં પોતના મંતવ્યો નાંખી શકશે. જો ભાજપની પૂર્ણ બહુમતવાળી સરકાર બનશે તો તે પૈકીના લોકોએ સુચવેલા મુદ્દાઓ પર અમલ કરવામાં આવશે. નહિં તો કોમન મીનીમમ પ્રોગ્રામ અમલમાં મુકાશે.

લોકસભા ચૂંટણીમાં ફરી પૂર્ણ બહુમતી મેળવવા ભાજપે કમર કસી છે. ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરામાં ક્યા મુદ્દાઓ સમાવવા તેના માટે ભારત કે મન કી બાત, મોદી કે સાથ. નામનો કાર્યક્રમ લોન્ચ કર્યો છે. જે અંતર્ગત દેશભરના તમામ લોકસભા વિસ્તારમાં ભાજપનો રથ ફરશે. આ રથમાં સૂચન પેટી હશે. જેમાં લોકો ચૂંટણી ઢંઢેરામાં ક્યા મુદ્દાઓ હોવા જોઇએ તે અંગે પોતાનું સૂચન આપી શકશે. ગુજરાતના તમામ 26 લોકસભા વિસ્તારમાં આ રથ ફરી વળશે અને લોકોના અભિપ્રાયો જાણશે. આ માટે એક હજાર લોકોની ખાસ ટીમ તૈયાર કરવામાં આવી છે. જે મુદ્દાઓને અલગ તારવશે અને તેનો ડેટા તૈયાર કરશે.

ભાજપ દ્વારા રથની સાથે 7 હજાર 500 જેટલી પેટીઓ તૈયાર કરાઇ છે. જે વિવિધ સ્થળો પર મુકવામાં આવશે. આ ઉપરાંત એક વેબસાઇટ તેમજ ફોનના માધ્યમથી પણ લોકો પોતના મંતવ્યો રજૂ કરી શકશે. મહત્વની વાત એ છે કે જો ભાજપની સરકાર બનશે તો જ લોકોએ સુચવેલા મુદ્દા પર ભાજપ અમલ કરશે. જો ગઠબંધનવાળી સરકાર બનશે તો કોમન મીનીમમ પ્રોગ્રામ હેઠળ સરકાર કામ કરશે. આમ ભાજપ આડતકરી રીતે એ પણ મેસેજ આપવા માંગે છે કે જો તમારા સૂચવેલા મંતવ્ય પર કામગીરી કરાવવી હોય તો ભાજપની પૂર્ણ બહુમત વાળી સરકાર બનાવો.

આમ તો ભાજપે 2014ની ચૂંટણીમાં પણ અનેક વાયદાઓ કર્યા હતા. પરંતુ તે પૈકીના અનેક વાયદાઓ ભાજપ પૂર્ણ કરી શકી નથી. ત્યારે જો પ્રજા હવે એ મુદ્દાઓ પર જવાબ માંગશે તો ભાજપ તેનો જવાબ કેવી રીતે આપશે એ જોવું રહ્યું.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter