GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

શ્રીદેવી: એક વખત MTV એ તેને બોલાવી અને જ્યારે તે પહોંચી ત્યારે અવાક થઈ ગઈ

એ વખતે ભારતમાં એમટીવી લોંન્ચ થવા જઈ રહ્યું હતું. મ્યુઝિકની દુનિયામાં એમટીવી એટલે ગાજતું નામ. ત્યારે બોલિવુડની આ ખ્યાતનામ અભિનેત્રી શ્રીદેવીને હોલિવુડનું ઘેલું ચડેલું. શ્રીદેવી વિચારતી હતી કે હું હોલિવુડની સેલિબ્રિટી જુલિયા રોબર્ટની માફક બનું. પણ તે શક્ય ન હતું. શ્રીદેવી ખુદ એવું વિચારતા કે, ક્યાં જુલિયા રોબર્ટ અને ક્યાં હું એક નાની એવી અભિનેત્રી, જેણે પોતાની કરિયરની શરૂઆત પણ રિજનલ ફિલ્મોથી કરી હોય. પણ શ્રીદેવીનું સપનું સાકાર થઈ ગયું. એમટીવીના કારણે. ઘટના એવી બની કે શ્રીદેવીને આ લોન્ચિંગ કાર્યક્રમમાં બોલાવવામાં આવી. શ્રીને લાગ્યું કે, હશે કંઈક… હું અભિનેત્રી છું. અત્યારની ભારતની પાવરફુલ અભિનેત્રી છું, તો આવા લોન્ચિંગ કાર્યક્રમમાં મને બોલાવવામાં આવે. શ્રી ત્યાં પહોંચી અને એનાઉન્સમેન્ટ થયું ત્યારે શ્રીદેવી હચમચી ગયા. ત્યાં એનાઉન્સરે શ્રીદેવીને જુલિયા રોબર્ટ્સ ઓફ ઈન્ડિયા કહીને નવાજી. શ્રીનું સપનું જ્યારે સાકાર થતું હોય તેવું લાગ્યું.

પણ હવે શ્રી આપણી વચ્ચે નથી. છેલ્લે તેમની ફિલ્મ ઈંગ્લીશ વિંગ્લીશમાં તેમની અભિનય પ્રતિભા દેખાય અને પછી મોમમાં. પણ આ બંન્ને ફિલ્મો પરથી આપણે તારણ કાઢી શકીએ કે, શ્રીદેવીમાં જે એનર્જી હતી, જે અત્યારે રણવીર સિંહમાં છે, તેવી આ બંન્ને ફિલ્મોમાં ન દેખાય. પણ ઈંગ્લીશ વિગ્લીશ મેસેજસભર ફિલ્મ હોવાના કારણે ચાલી ગઈ. જ્યારે તમિલ ફિલ્મ પુલીમાં તેની એનર્જી જોવા મળી. એક વિલન તરીકેની એનર્જી. આ ફિલ્મ પણ ફ્લોપ ગયેલી, પણ આપણને એનર્જીથી ખદબદતી રિયલ શ્રીદેવી ફરી બિગ સ્ક્રિન પર મળી ગઈ હોય તેવું લાગ્યું ખરૂ !

ત્રણ દાયકાઓ સુધી શ્રી દેવીએ પોતાનું સામ્રાજ્ય જમાવ્યું. ત્યારના મોસ્ટ ઓફ અભિનેતા સાથે તેણે કામ કર્યું. કોઈ હિરો સાથે કામ કરવાનું બાકી ન રાખ્યું. છેલ્લે નવાઝુદ્દીન સિદ્દીકી સાથે પણ કામ કરતી ગઈ. શ્રીદેવી કપૂરનું જન્મ સમયે નામ હતું અમ્મા યાંગેર અય્યપન. 13 ઓગસ્ટ 1963માં સિવાક્સીમાં શ્રીદેવીનો જન્મ થયો. પિતાનું નામ અય્યપન જે તમિલ ફેમિલીથી બિલોંગ કરતા હતા અને માતા રાજેશ્વરી જે તેલુગુ હતી. આજ કારણે સાઉથની બે મુશ્કેલ લાગતી ભાષાઓની ફિલ્મોમાં કામ કરવાનું તેને સાંપડ્યું. તમિલ અને તેલુગુ સિવાય કન્નડ અને મલયાલમમાં પણ શ્રીનો ચાઈલ્ડ આર્ટિસ્ટ તરીકે દબદબો રહ્યો. ચાર વર્ષની ઉંમરે થુનવિન નામની ફિલ્મમાં ડિરેક્ટર એમ.એ થીરૂમુગમ સાથે કામ કર્યું. આ ફિલ્મનું પોસ્ટર એકદમ ટિકિટ જેવું હતું. જેમાં વચ્ચે શ્રીદેવી દેખાતી હતી. નાનપણના આ પહેલા ફિલ્મી રોલમાં જ શ્રીદેવી પોસ્ટરમાં કેન્દ્ર સ્થાને ચમકી ગઈ. કંદન ક્રૂનાઈ, બાલા ભરતમ જેવી અઢળક ફિલ્મોમાં કામ કર્યા પછી શ્રીદેવી હવે મેચ્યોર થઈ રહી હતી. અભિનયની રીતે પણ અને બુદ્ધિની રીતે પણ. આટલી મોટી ચાઈલ્ડ આર્ટિસ્ટને બોલિવુડમાં શા માટે ન લે ? અને કે.સેત્તુમાધવનની જુલી ફિલ્મમાં તેનું કાસ્ટિંગ થઈ ગયું. જેમાં લીડ કેરેક્ટર પ્લે કરી રહેલી અભિનેત્રી લક્ષ્મી નારાયણ જુલીના કિરદારમાં હતી અને તેની બહેનના રોલમાં શ્રીદેવી. આ ફિલ્મ સિમ્પલ રહી. શ્રીદેવીનો અભિનય ચાલ્યો અને બધી સાઉથ એક્ટ્રેસ સાથે થાય છે, તેમ શ્રીદેવી ફરી તમિલ સિનેમામાં સ્થાયી થઈ ગઈ. પણ હવે તમિલમાં એક મોટું નામ હોવાના કારણે શ્રીદેવીનો હાથ કે.બાલાચંદરે પકડી લીધો. એ વખતે રજનીકાંતની પોપ્યુલારીટીનો દોર ચાલી રહ્યો હતો. શ્રીને પણ ભાવતુ ભોજન મળી ગયું. અને મોંદુરૂ મુદ્દીચમાં કામ કરવા માંડી.

શ્રીદેવીની કરિયરને બે રીતે જોવામાં આવે છે. નંબર એક શ્રીની સાઉથની કરિયર જે પૂરપાટ દોડી રહી હતી. અને નંબર બે બોલિવુડની કરિયર જેમાં તે ભાખોડિયા ભરી રહી હતી. હિન્દી સિનેમામાં એ સમયે જોવામાં આવે તો કોઈ એવી એક્ટ્રેસ ન હતી જે હિરો લોગોને ટક્કર આપી શકે. કારણ કે ઘણી અભિનેત્રીઓ જેમના નામ શીર્ષસ્થાને હતા, તે અમિતાભના માના રોલમાં આવી રહી હતી. 1979માં સોલવા સાલ નામની ફિલ્મથી તેણે ફરી બોલિવુડમાં કદમ મુક્યો. આ વખતે શ્રી માટે સૌથી ખાસ વાત એ હતી કે તે લીડ હિરોઈનના રોલમાં હતી. પણ આ ફિલ્મનું તમિલ કનેક્શન હતું. શ્રીની આ ફિલ્મ પથ્થીનારૂ વેલેયથીનીન જેવા જડબાતોડ નામની તમિલ રિમેક હતી. ઓરિજનલ હિટ ન હતી, ત્યાં રિમેકનું શું કરવું ? ઉંઘે કાંધ પછડાય. એ પછી શ્રીદેવીની હિન્દી કરિયરમાં ચાર વર્ષનો લાંબો પૂર્ણવિરામ આવ્યો. પણ બ્રેક કે બાદ ફરી કરિયર શરૂ થઈ.

આ સમયે હિરો હતા આપણ શ્રીમાન જીતેન્દ્ર. ફિલ્મ હતી હિમ્મતવાલા. નવી હિમ્મતવાલ ન ચાલેલી પણ જૂની હિમ્મતવાલામાં શ્રીદેવીએ પહેલીવાર પોતાની એનર્જી બતાવી. અને ગીતોના કારણે પોપ્યુલર થઈ. તાક્કી હો તાક્કી જેવું ગીત જ્યારે શ્રી માટે જ બન્યું હોય તેવું લાગ્યું. થીએટરમાં શ્રીદેવીનું ગીત જોવા લોકો જતા હતા. એ વખતે યુ ટ્યુબ ક્યાંથી હોય અને ટીવીની પણ એટલી ફેસિલીટી નહીં. પરિણામે શ્રીનો સિક્કો ચાલી ગયો. જો કે તાક્કી તાક્કી સિવાય કોઈ ગીત પોપ્યુલર થયું હોય તો એ હતું નેનો મેં સપના… સપનો મેં સજના.

હિમ્મતવાલા વર્ષની સર્વશ્રેષ્ઠ ફિલ્મ બની. ફિલ્મફેરના કવરપેજ પર શ્રીદેવી ચમકી અને નામ મળ્યું અનક્વેશ્ચનેબલ NO.1 પણ પછી એક સરખી ફિલ્મોમાં કામ કરવું તેને પસંદ ન હતું. શ્રીએ આજુબાજુ નજર ફેરવી ત્યારે સ્મિતા પાટીલ અને શબાના આઝમી જેવી અદાકારાઓ અભિનયમાં કાઠુ કાઢી રહી હતી. એટલે શ્રીએ એક અલગ પ્રકારની ફિલ્મ કરી જેનું નામ હતું સદમા. આ પણ તમિલ રિમેક હતી. જિંદગીમાં રિસ્ક ફેક્ટર હોવું જરૂરી છે. તે શ્રીમાંથી શીખ્યા જેવું છે. આપણે પણ… અને સાઉથની એક્ટ્રેસ જે બોલિવુડમાં ડેબ્યુ કરે છે, તેના માટે પણ. તમિલ રિમેક સોલવા સાલ હિટ ન ગઈ તેનો અર્થ એ નથી કે સદમા પણ ન જાય. સદમા ચાલી નહીં દોડી. અને આજે પણ મોસ્ટવોચેબલ ટોપ-10 ફિલ્મોની લિસ્ટમાં સદમાને સ્થાન આપવામાં આવ્યું છે.

ભારતના ફિલ્મ ક્રિટિકો કહે છે કે, ‘સદમા નથી જોઈ, તો કંઈ નથી જોયું.’ બાલુ મહેન્દ્રની સદમામાં આમ તો કમલ હસન જ હિરો તરીકે ઉભરતા હતા. પણ શ્રીદેવી વિના કમલનું શું કામ ? ટ્રેનની સિક્વન્સનો સિન કમલ હસને પ્લે કર્યો ત્યારે ભારતભરના ફિલ્મરસીયા આહ…. પોકારી ગયેલા. પણ આ ફિલ્મમાં શ્રીદેવીના એક્સપ્રેશન જોયા હતા ? જાણે કોઈ છોકરી એ છોકરા સાથે વર્ષો સુધી રહ્યા બાદ તેને ઓળખતી ન હોય અને સાચે જ પાગલપનમાંથી બહાર નીકળીને તેને ભૂલી જ ગઈ હોય તેવું લાગે. મીડ-ડે દ્વારા શ્રીદેવીના આ રોલને અત્યાર સુધીનો કોઈ મહિલા દ્વારા પ્લે કરવામાં આવેલો ચેલેન્જીંગ રોલ કહ્યો હતો. જ્યારે ઈંગ્લીશ વીંગ્લીશ આવી ત્યારે શ્રીદેવીના કોસ્ટાર આદિલ હુસૈને એવું કહેલું કે, ‘સદમા જોયા પછી, હું વર્ષોથી શ્રીદેવી સાથે કામ કરવા માગતો હતો.’ 2012માં CNN દ્વારા શ્રીદેવી અને કમલહસનને સદમા માટે વિશ્વની રોમેન્ટીક જોડીઓમાં મુકવામાં આવ્યા.

અત્યારે નાગ-નાગણીઓની જે સિરીયલો ચાલે છે, તે એરા લાવનાર શ્રીદેવી હતા. નગીનામાં ઈચ્છાધારી નાગીન બનેલી શ્રીદેવીનો ડાન્સ, મેં તેરી દુશ્મન દુશ્મન તુ મેરા…. અને થીએટરમાં ચીચીયારીઓ પડવા માંડે. સ્ટારગોલ્ડની ટીઆરપી વધારવામાં આ ફિલ્મનો સૌથી મોટો હાથ હતો, સુર્યવંશમ તો પછી આવી. શ્રીદેવી ટોપ ટેન માટે જ કેમ બની હોય તેમ નગીનાને હિન્દી સિનેમા દ્વારા સાપ પર આધારિત ટોપ -10 ફિલ્મોમાં સ્થાન મળ્યું. એ પછી શ્રીએ તમિલ સિનેમા સામે ન જોયું, સુભાષ ઘાઈની મલ્ટીસ્ટારર કર્મા અને જજબામાં કામ કર્યું. અને શેખર કપૂરની આઈકોનિક ફિલ્મ મિસ્ટર ઈન્ડિયામાં જર્નાલિસ્ટનો રોલ પ્લે કર્યો. આ ફિલ્મના પ્રોડ્યુસર બોની કપૂર હતા. બોની શ્રીદેવીની સાથે વાતો કરવા માટે નવા નવા પ્રેમી પ્રયોગો કર્યા કરતો. અને ત્યાં ઘટસ્ફોટ થયો. ખબરો આવી કે મીથુન ચક્રવર્તી અને શ્રીદેવીએ લગ્ન કરી લીધા છે. તેનું કારણ મીથુનદાએ એક મેગેઝિનમાં મેરેજ સર્ટિફિકેટ બતાવી દીધેલું. અને શ્રીદેવી ઉપર મીડિયા (પ્રિન્ટ મીડિયા) ત્રાસ વર્તાવા લાગી. શું આ હકિકત હતી. પણ પાછળથી બોની સાથે 1996માં શ્રીદેવીએ વિવાહ કરી લીધા. આ સમયે શ્રીદેવીના પેટમાં સાત મહિનાની જ્હાન્વી હતી. બોનીનું આ બીજુ વૈવિશાળ હતું. એવું પણ માનવામાં આવતું કે શ્રીદેવી બોની સાથે લગ્ન કરવા તૈયાર ન હતા, પણ સંજોગો અને પરિસ્થિતિની આગળ ઘૂંટણીયે પડીને તેમણે લગ્ન કરવાનું મન બનાવી લીધેલું. પણ હવે વાત સેક્સ સિમ્બોલની કરવામાં આવે તો શ્રીદેવી મિસ્ટર ઈન્ડિયાના સોંગ કાંટે નહીં કટતે યે દિન યે રાતથી સૌની ફેવરિટ બની ગઈ. તેની આછી સાડી અને ડાન્સે સૌને ઘેલા કરી દીધા. NDTV દ્વારા શ્રીના આ ગીતને આઈકોનિક રેઈન સોંગમાં સ્થાન મળેલું.

શ્રીની સ્પર્ધા હવે તેની ડુપ્લિકેટ લાગતી જયાપ્રદા અને મીનાક્ષી શેષાદ્રી સાથે હતી. સાડીમાં આ ત્રણે અભિનેત્રીઓ સુંદર લાગતી હતી. પણ ચાલબાઝમાં તેના ડબલ રોલે બીજી અભિનેત્રીઓની કરિયરને ટ્રબલમાં મુકી દીધી. એવું લાગે કે શ્રીદેવીની દરેક ફિલ્મો હિટ જવા પાછળનું રિજન તેના ગીતો હતા. આ જુઓ ચાલબાઝમાં પણ કિસી કે હાથ ના આયેગી યે લડકી જેવું ગીત હતું. ચાંદનીનું રંગ ભરે બાદલ સે… ચાંદનીનું જ ટોપ વેડિંગ સોંગ, મેરે હાથો મેં નો નો ચુડીયા હૈ… જરાં ઠહેરો સજન મજબૂરીયા હૈ… ખુદા ગવાહનું તુ મુજે કબુલ…. પણ કરિયર એ વ્યક્તિની સાથે જ લથડી જેની સાથે તેણે સુપરહિટ ફિલ્મ મિસ્ટર ઈન્ડિયા કરી હતી. એટલે કે અનિલ કપૂરની રૂપ કી રાની ચોરો કા રાજા… કારણ કે તેની સામે શાહરૂખની બાઝીગર રિલીઝ થયેલી. બાઝીગરની પહેલી ઓફર શ્રીદેવીને મળેલી. અને જો શ્રી આ ફિલ્મ સ્વીકારી લેત તો શાહરૂખ સાથે તે શિલ્પા અને કાજોલના ડબલ કિરદારને પોતે જ ન્યાય આપવાની હતી. એટલે બાઝીગરનો ઈતિહાસ અલગ હોત.. ! શાહરૂખ માટે પણ !

એ પછી કરિયરને સીધે પાટે ચઢાવવાની અભિનેત્રીએ ભરપૂર નિરર્થક કોશિશો કરી. પણ ઈંગ્લીશ વિંગ્લીશ સિવાય છેલ્લે કંઈ હાથ ન લાગ્યું. શ્રીદેવી એવા અભિનેત્રી હતા જે એ જમાનામાં અને મોર્ડન યુગમાં પણ આમિરની સત્યમેવ જયતે શૉમાં ખુલ્લમખુલ્લા સેક્સ અને ચાઈલ્ડ એબ્યુઝીંગ ઉપર બોલી શકતા હતા. શ્રીદેવીએ જ્યારે બોલિવુડમાં પોતાની શરૂઆત કરેલી ત્યારે તે સાઉથ એક્ટ્રેસની માફક હિન્દી બોલી ન હતી શકતી. એટલે નાજ નામની ડબીંગ આર્ટિસ્ટ દ્વારા તેની ફિલ્મો ડબ કરવામાં આવતી. આખરી રાસ્તા તો તેમની એવી ફિલ્મ હતી, જેમાં રેખાએ ડબીંગ કર્યું હતું. રૂપ કી રાની ચોરો કા રાજા ભલે ફ્લોપ નીવડેલી, પણ આ ફિલ્મના ગીત દુશ્મન દિલ કા વોમાં શ્રીદેવીએ સતત 15 દિવસ સુધી 25 કિલોનો ડ્રેસ પહેરી રાખ્યો હતો. બાળપણથી ચિત્રકલાનો તેને ખૂબ શોખ. ચિત્રો દોરતી અને તેના ચિત્રો સલમાન અને મનીષ મલ્હોત્રાના ઘરની દિવાલો પર પણ લાગેલા છે. એક એવી અભિનેત્રી જે 90ના દશકમાં એક કરોડ ફી લેતી હતી. ત્યારે ઠાઠમાઠ શ્રીદેવીના જ ચાલતા. કોઈ પણ ડિરેક્ટરની ફિલ્મ હોય એટલે તેમાં શ્રીદેવીના મનપસંદ આર્ટિસ્ટ જ કામ કરતા. જેમ કે કોરિયોગ્રાફર સરોજ ખાન, ડિઝાઈનર નીતા લુલ્લા અને મનીષ મલ્હોત્રા, ફોટોગ્રાફર રાકેશ શ્રેષ્ઠા, ગૌતમ રાજધ્યક્ષ (આપકી અદાલતમાં શાહરૂખનો પહેલો ઈન્ટરવ્યૂ આવેલો ત્યારે જજ ગૌતમ હતા) મેક અપ મેન મીની ઠેકેદાર રહેતી.

શ્રીદેવીએ કરિયરની હિટ ફિલ્મો આપી, પણ કોઈ દિવસ પ્રથમ ઓપ્શનમાં પસંદ ન કરવામાં આવ્યા. ચાંદની માટે પહેલી પસંદ રેખા, નગીના માટે જયાપ્રદા અને સદમા માટે ડિમ્પલ કાપડિયા હતી. જે એ સમયની શ્રીદેવીની રાઈવલ અભિનેત્રીઓ ગણાતી. એટલે શ્રીદેવી હેઠા રોલ કરતી કરતી બોલિવુડમાં આગળ વધી છે. તેમને બિલાડીઓથી ખૂબ ડર લાગતો હતો. સિને બ્લિટઝ નામના મેગેઝિનમાં શ્રીદેવીને ચમકવાનું હતું, ત્યારે શ્રીને બીલાડી સાથે પોઝ આપવાનો હતો. શ્રીદેવી ડરી ગયા. પણ અભિનેત્રી હતા એટલે સ્માઈલ આપી બિલાડી સાથે ફોટોશૂટ કરાવી નાખ્યું. લમ્હેના શૂટિંગ દરમ્યાન પિતાનું, જુદાઈના શૂટિંગ દરમ્યાન માતાનું નિધન થયું. લાડલા ફિલ્મ તેને એટલે મળી કે દિવ્યા ભારતીએ સ્યુસાઈડ કરી લીધેલું હતું. પણ એક રસપ્રદ વાત. શ્રીને હંમેશા સફેદ કપડાં પહેરવા ગમતા અને મૃત્યુ સમયે પણ તેમને સફેદ કપડાં જ મળ્યા !!!

READ ALSO

Related posts

વર્લ્ડ કપ 2019: સચિનના આ દિવાના ફેનને મળશે ગ્લોબલ સ્પોર્ટ્સ ફેન અવોર્ડ

GSTV Web News Desk

મહિલાઓથી સંલગ્ન એ 5 ફિલ્મો જેને તેના વિષયના કારણે બેન કરી દેવામાં આવી

Mayur

ટેક્નોલોજીની દુનિયામાં 9 મહિલા કે જેના વગર ન તો એપ્પલ બન્યો ન સેમસંગ

GSTV Web News Desk
Do NOT follow this link or you will be banned from the site!