GSTV
GSTV લેખમાળા India News Trending ટોપ સ્ટોરી

World Lion Day / સિંહો વિશે ક્યારેય ન જાણી હોય એવી 17 ફેક્ટ્સ, વાંચો એક જ ક્લિકમાં

સિંહોના સંવર્ધન-જતન માટે દર વર્ષે 10મી ઓગસ્ટ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવાય છે. આફ્રિકા અને એશિયાના મર્યાદિત વિસ્તાર પુરતા જ હવે સિંહો બચ્યા હોવાથી તેનું જતન અનિવાર્ય છે. ખાસ તો આફ્રિકાના સિંહો પર અનેક પ્રકારની આફતો છે. એ આફતો સામે સિંહો પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે એ હેતુથી આ વર્ષથી ૧૦મી ઓગસ્ટને ‘વર્લ્ડ લાયન ડે’ તરીકે ઉજવવાનું ઠરાવ્યું છે. આફ્રિકાન લાયન એન્ડ એન્વાયર્નમેન્ટલ રિસર્સ ટ્રસ્ટ નામના સંગઠને આ ઉજવણી નક્કી કરી છે. એ નિમિત્તે સિંહો વિશે જાણીએ કેટલીક રસપ્રદ માહિતી..

1. ગીરમાં સિંહની વસતી વધી, આફ્રિકામાં ઘટી

૧૮૦૦ની સાલ આસપાસ દુનિયામાં એશિયાઈ, આફ્રિકન અને બીજા મળીને કુલ બારેક લાખ સિંહો હતાં. બેફામ થતાં શિકાર અને ઘટતાં જંગલોને પ્રતાપે એ સિંહોની સંખ્યા ઘટતી ગઈ. સિંહોની કેટલીક પ્રજાતિઓ તો પુરેપુરી પણ નાશ પામી અને છેવટે આફ્રિકન અને એશિયાઈ એમ બે જ જાતના સિંહો બાકી રહ્યાં. ૧૯મી સદીના મધ્યભાગ સુધીમાં આફ્રિકન સિંહો આફ્રિકા ખંડ પુરતાં મર્યાદિત થયા તો વળી એશિયામાં સિંહોનું રહેણાંક સંકોચાતા સંકોચાતા ગીર પુરતું સિમિત થઈ ગયું.

ગીરમાં રહેલા સિંહોની વસતીમાં કેટલાક અપવાદો બાદ કરતાં વૃદ્ધિ થતી રહી તો આફ્રિકામાં રહેતા સિંહોની સંખ્યા સતત ઘટતી ગઈ અને હજુ પણ ઘટી રહી છે. 3૦ વર્ષ પહેલા આફ્રિકામાં એક લાખ સિંહો હતાં જ્યારે હવે ૨૦ હજાર કરતાં વધારે નથી. બીજી તરફ ગીરના સિંહો વધતા વધતા સાતસો નજીક પહોંચ્યા છે.

2. ગીરના સિંહો ઉત્ક્રાંતિનો નિયમ જાણે છે!

અમરેલી-સારવરકુંડલા આસપાસ રહેતા સિંહો મોટે ભાગે શેત્રુંજી નદીના પટમાં અને ભેખડોમાં રહે છે. રાજુલા પાસેના સિંહો ધાતરવડી નદીના પટમાં રહે છે. પરંતુ ચોમાસામાં એ રહેણાંકો નષ્ટ થઈ જાય છે. નદીઓના વેગીલા પાણી વચ્ચે રહી શકાય એવી જગ્યા રહેતી નથી. સિંહોને અનુભવે એ સમજણ આવી ગઈ છે, કે ચોમાસામાં જીવ બચાવવો હોય તો ઊંચા સ્થળે જતું રહેવુ પડે. માટે હજુ તો ચોમાસાની શરૃઆત થઈ છે અને નદીઓ ધીમે ધીમે વહેવી શરૃ થઈ છે ત્યાં જ સિંહો સલામતી ખાતર પોતાની રીતે જ ટેકરીઓ પર ચડી જાય ગયા છે. સિંહોની આ હલચલ સાબિત કરે છે કે તેમની છઠ્ઠી ઈન્દ્રિય ઘણી સતર્ક છે. આવનારા જોખમોને પારખી લઈ સિંહોએ સલામત રસ્તો માપ્યો છે. ઉત્ક્રાંતિવાદ સિંહો સારી રીતે સમજી ગયા છે.

3. બે લાખ વર્ષ પહેલા સાડા પાંચ ફૂટ ઊંચા સિંહ જોવા મળતા હતા!

અત્યારે આફ્રિકા અને ભારતમાં જોવા મળતા સિંહ બહુ બહુ તો ચાર ફીટ સુધીની ઊંચાઈ ધરાવતા હોય છે. પરંતુ પૃથ્વી પર એક સમયે સાડા પાંચ ફીટની સરેરાશ ઊંચાઈ ધરાવતા કદાવર સિંહ જોવા મળતા હતા. આ સિંહનો સમયગાળો લગભગ બે લાખ વર્ષ પહેલાનો હતો. હોલિવૂડની ફિલ્મ સિરિઝ ‘નાર્નિયા’માં આવો કદાવર સિંહ જોવા મળે છે. અસલન નામનો એ સિંહ માણસના કદનો હોય છે. અલબત્ત, નાર્નિયાની વાર્તા તો કાલ્પનિક છે, પરંતુ હકીકતમાં એવા સિંહ પૃથ્વી પર જોવા મળતા હોવાનું હવે સાબિત થયું છે.

અત્યારના સિંહની ખોપરીની સરેરાશ લંબાઈ સાડા દસ ઈંચ જેટલી હોય છે. સૌથી મોટી ખોપરી ૧૨ ઈંચ લાંબી નોંધાઈ છે. જ્યારે કેન્યામાંથી મળી આવેલી ખોપરી ૧૫ ઈંચ લાબી છે. શરીરના હાડકાની લંબાઈ પરથી આખા શરીરના કદનો ખ્યાલ મેળવવો મુશ્કેલ નથી. અત્યારે જોવા મળતા સિંહોની સરેરાશ ઊંચાઈ ચાર ફીટની જોવા મળે છે. પરંતુ ત્યારના એટલે કે બે લાખ વર્ષ પહેલાના સિંહ સાડા પાંચ ફીટે પહોંચતા હતા. સિંહની ખોપરી અને અન્ય અવશેષોના કદ પરથી આખો વનરાજ કેવડો હશે તેનો સંશોધકોને ખ્યાલ આવ્યો છે. આ એ સમયની વાત છે, જ્યારે સિંહ આફ્રિકા-ભારત ઉપરાંત યુરોપ સહિતના પ્રાંતમાં જોવા મળતા હતા.

બીજા એક સંશોધન પ્રમાણે આફ્રિકામાં ૨થી ૨.૩ કરોડ વર્ષ પહેલા કદાવર સિંહ વસતા હતા. એ સિંહો ૧૫૦૦ કિલોગ્રામ સુધીનું વજન ધરાવતા હતા. તેનું કદ નાનકડા હાથી જેવું લાગતું હતુ. એટલે કે અત્યાર સુધીમાં જમીન પર નોંધાયેલા એ સૌથી મોટા શિકારી સજીવો હતા. વર્તમાન સમયમાં સૌથી મોટા શિકારી તરીકે ૫૦૦ કિલોગ્રામ સુધીનું વજન ધરાવતા ધુ્રવિય રીંછ (સફેદ પોલાર બિઅર)ની ગણતરી થાય છે.

4. એક એવુ જંગલ જ્યાં સિંહો એકલા રહેવાનું પસંદ કરે છે

કેન્યાનું સામ્બુરુ નેશનલ પાર્ક એવુ જંગલ છે, જ્યાં સિંહો એકલવાયું જીવન પસંદ કરે છે. આ પાર્કનો ઘણો વિસ્તાર સાવ સુક્કો ભઠ્ઠ છે. માટે અહીં સિંહ ટોળામાં રહે તો ખોરાક-પાણીની મુશ્કેલી સર્જાય છે. એટલે અહીંના સિંહો એકલા રહેવા ટેવાઈ ગયા છે. ખાસ તો અહીં સિંહણ એકલા હાથે બચ્ચાંને મોટા કરવાનું કપરું કામ કરી દેખાડે છે. સિંહ સંશોધકો માટે એટલે જ અહીંની સિંહણો અભ્યાસનો વિષય બની છે. ક્યારેક જરૃર પડે તો સિંહ-સંહણ થોડો સમય સાથે રહે છે, બાકી તો મેટિંગ પિરિયડ પુરો થયા પછી સિંહણ એકલી જ લડત આપતી રહે છે.

5. ભારતમાં સિંહો ક્યાં ક્યાં સ્થળાંતરીત થઈ શકે એમ છે?

ગીરના સિંહોને મધ્ય પ્રદેશના કુનો પાલપુર અભયારણ્યમાં ખસેડવાનો પ્રોજેક્ટ દાયકાઓથી ચાલે છે. વડા પ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી ભાષણ કરતા પ્રોજેક્ટ ટાઈગરની માફક પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. એ પ્રોજેક્ટ અંતર્ગત સિંહોના સ્થળાંતર માટેના સંભવિત ૬ સ્થળો શોધી કાઢવામાં આવ્યા છે.

સિંહો માટેના સંભવિત છ રહેણાંક

  1. જેસોર-બાલારામ જંગલ, અંબાજી (ગુજરાત)
  2. સિતામાતા અભયારણ્ય (રાજસ્થાન)
  3. મુકુન્દ્રા ટાઈગર રિઝર્વ (રાજસ્થાન)
  4. કુંભલગઢ અભયારણ્ય (રાજસ્થાન)
  5. માધવ નેશનલ પાર્ક (મધ્ય પ્રદેશ)
  6. ગાંધી સાગર અભયારણ્ય (મધ્યપ્રદેશ)
  7. એક સમયે સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું

આઝાદી પચી ૧૯૫૨માં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી નક્કી કરવાની સ્થિતિ આવી ત્યારે સિંહ પર સહજ રીતે પસંદગી ઉતરી હતી. દરમિયાન વાઘની વસતી પણ સિંહની માફક ચોતરફ હતી. પરંતુ તેના પર સરકારનું ધ્યાન પડે એ પહેલાં શિકારીની નજર પડતી હતી. વળી રાજા રજવાડાઓ પણ વ્યાપકપણે શિકાર કરતાં હતાં. પરિણામે લાખેક વાઘની વસતી હતીએ ઘટતી ઘટતી હજાર-બે હજારે આવી પહોંચી. એ પછી મોડી મોડી સરકાર અચાનક જાગી. વાઘને કેમ બચાવવા? ચર્ચાઓ શરૃ થઈ. એમાં કોઈએ વળી સૂચવ્યું કે રાષ્ટ્રી પ્રાણી બનાવી દો. બનાવી દીધું. ૧૯૭૨માં સરકારે સિંહને પદભ્રષ્ટ કરી વાઘને રાષ્ટ્રી પ્રાણીનો દરજ્જો આપી દીધો. એ પછી વારંવાર ફરી સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની અપીલો થતી રહે છે

6. એક સમયે સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી હતું

આઝાદી પચી ૧૯૫૨માં ભારતનું રાષ્ટ્રીય પ્રાણી નક્કી કરવાની સ્થિતિ આવી ત્યારે સિંહ પર સહજ રીતે પસંદગી ઉતરી હતી. દરમિયાન વાઘની વસતી પણ સિંહની માફક ચોતરફ હતી. પરંતુ તેના પર સરકારનું ધ્યાન પડે એ પહેલાં શિકારીની નજર પડતી હતી. વળી રાજા રજવાડાઓ પણ વ્યાપકપણે શિકાર કરતાં હતાં. પરિણામે લાખેક વાઘની વસતી હતીએ ઘટતી ઘટતી હજાર-બે હજારે આવી પહોંચી. એ પછી મોડી મોડી સરકાર અચાનક જાગી. વાઘને કેમ બચાવવા? ચર્ચાઓ શરૃ થઈ. એમાં કોઈએ વળી સૂચવ્યું કે રાષ્ટ્રી પ્રાણી બનાવી દો. બનાવી દીધું. ૧૯૭૨માં સરકારે સિંહને પદભ્રષ્ટ કરી વાઘને રાષ્ટ્રી પ્રાણીનો દરજ્જો આપી દીધો. એ પછી વારંવાર ફરી સિંહને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવાની અપીલો થતી રહે છે.

7 .ગીરના સિંહોને હવે ખારું પાણી માફક આવી ગયું છે!

અમરેલી જિલ્લાનો કેટલોક વિસ્તાર ખારોપાટ છે અને ત્યાં સિંહોની નોંધપાત્ર કહી શકાય એવી વસતી છે. અહીંના સિંહો ઉત્ક્રાંતિના સિદ્ધાંત પ્રમાણે ખારું પાણી પીતાં અને પછી પચાવતા શીખી ગયા છે. માટે હવે એ સિંહો માટે મીઠાં પાણીના પોઈન્ટ ઉભા કરવામાં આવે તો પણ સિંહો તેમની અવગણના કરે છે. સાવરકુંડલા આસપાસના એ ખારાપાટમાં સિંહોની વસતી બે દાયકાથી છે. બે દાયકા પહેલાં એક સિંહ યુગલ અહીં આવી ચડયુ હતું અને પછી ધીમે ધીમે તેનો વંશ-વેલો વધ્યો છે. બીજા સિંહો પણ આ તરફ સ્થળાંતરીત થયા છે. એ બધાની મળીને સંખ્યા ૩૦-૩૫ થવા જાય છે. આ બધા સિંહોને કોઈ કારણોસર ખારું પાણી માફક આવી ગયું છે. પરંતુ આ ખારાશ સિંહોના સ્વાસ્થય માટે નુકસાનકારક છે કે કેમ એ ગુજરાતના વન વિભાગ અને સિંહોના નિષ્ણાતો માટે સંશોધનનો વિષય છે.

8. લ્યો બોલો, સિંહનું મંદિર પણ છે!

થોડા વર્ષો પહેલા રાજુલા તાલુકાના ભેરાઈ ગામ નજીક ટ્રેન નીચે સિંહો કપાઈ મરવાનો આઘાતજનક બનાવ બન્યો હતો. રેલવે લાઈન ક્રોસ કરતી વખતે બે સિંહણો માટે માલગાડી ફરી વળી હતી. એ બે સિંહણ પૈકી એક તો ગર્ભવતી હતી, જેના ગર્ભમાં રહેલાં ૩ સિંહબાળ પણ જન્મતાં પહેલા જ કમોતને ભેટયા હતાં. એ દુર્ઘટના પછી નેચર ફાઉન્ડેશન ખાંભાના ભીખુભાઈ બાંટા તથા રાજુલાના અમરીશભાઈ ડેરે મળીને અહીં સ્મારક બનાવ્યુ છે. જ્યાં સિંહોના અકસ્માતે મોત થયા હતાં ત્યાં જ સ્મારક જેવી ઓરડી તૈયાર કરી છે. ઓરડીમાં સિંહોના કમોતની વિગતો આપતી તકતી મારવામાં આવી છે અને સાથે અન્ય દેવી-દેવતાઓના ફોટા પણ છે. દરમિયાન આ મંદિર બન્યુ ત્યાં જ કેટલાક પ્રકૃત્તિ પ્રેમીઓ તથા સિંહ ચાહકોએ ત્યાં નાળિયેર વધેરવા સહિતની માનતાઓ પણ શરૃ કરી દીધી છે.

9. તો બીજી તરફ સિંહોના ટોળાં પણ હોય છે

આફ્રિકાના સિંહો તો પહેલેથી જ ટોળામાં રહેવા ટેવાયેલા છે, જ્યારે ગીરના સિંહો છેલ્લા એકાદ દાયકાથી મોટી સંખ્યામાં જુથબંધી રચી ફરતાં થયા છે. 2011ના એપ્રિલ મહિનામાં જૂનાગઢથી દેલવાડા જતી ટ્રેનને કાસિયાનેસ પાસે સિંહોને કારણે બ્રેક મારવી પડી હતી. રેલવે ટ્રેક પર આવી ચડેલા ચાર સિંહો પર ડ્રાઈવરની સમયસર નજર પડી જતાં ટ્રેનને બ્રેક મારવાનું શક્ય બન્યુ હતું, જ્યારે ટ્રેનના મુસાફરોને સિંહ-દર્શન થઈ ગયા હતાં. માર્ચ-૨૦૧૨ના એક કિસ્સામાં સિંહોએ અમરેલીના લાસા ગામને કબજે લીધુ હતું. રાતે ગામમાં પ્રવેશેલા ૮ સિંહોએ આખી રાત ગામને ઉજાગરો કરાવ્યો હતો. અનેક ઘરોમાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો અને બેઠા ઘાટના કેટલાક મકાનો પર ચડીને અમુક સિંહોએ નળીયા પણ ઊંચકાવી જોયા હતાં. સવાર સુધી કોઈ ખાસ શિકાર ન મળતા અંતે એક નધણિયાતી ગાયનો શિકાર કરી સિંહ-સેના સવારે રવાના થઈ હતાં.

10. ભારે કરી જ્યાં સિંહો નષ્ટ થયાનું મનાતુ હતું ત્યાંથી આખી નવી વસાહત મળી

આફ્રિકા ખંડના દેશ ઈથિયોપિયામાંથી સિંહોની નવી વસાહત મળી આવી છે. આફ્રિકામાં સિંહોની વસતી વિવિધ દેશોમાં છે અને એમાં ઈથિયોપિયાના સિંહો અલગ ઓળખ ધરાવે છે. આ સિંહો ઈથિયોપિયન લાયન તરીકે જાણીતા છે. અલતાશ નેશનલ પાર્કમાં સિંહોની હાજરી અચાનક મળી આવતા સંશોધકોને જાણે જેકપોટ લાગ્યો છે.

ઈથિયોપિયાના જંગલોમાંથી સિંહો ૨૧મી સદીમાં જ નષ્ટ થઈ ગયા હોવાનું મનાતુ હતું. એ પછીથી ત્યાં પ્રવાસીઓ અને સંશોધકોએ જવાનું જ બંધ કરી દીધુ હતું. પરિણામે ત્યાં મર્યાદિત વિસ્તારમાં રહેતા સિંહો જગતના ધ્યાન બહાર રહ્યા હતા. ઓક્સફર્ડ યુનિવર્સિટીના સંશોધકોએ આ સિંહો શોધી કાઢ્યા હતા. સિંહોનો વિસ્તાર અને ત્યાં રહેતા અન્ય સજીવોની સંખ્યા જોતા અહીં ૧૦૦થી ૨૦૦ સિંહો હોવાનો અંદાજ લગાવાયો છે. એક્ઝેટ ગણતરી હજુ બાકી છે.

11. જ્યારે ૧૭ દિવસની રાહ પછી ૯ સિંહ મળ્યાં

૧૯૭૩-૭૪માં દુષ્કાળ જેવી સ્થિતિ હતી. સિંહો પાણીની શોધમાં જંગલની બહાર ખુલ્લા વિસ્તારમાં નીકળવા લાગ્યા હતા. એ વખતે જ સાસણમાંથી પસાર થતી હિરણ નદીના પટમાં સુલેમાન પટેલ અને તેમના ફોરેસ્ટ ગાર્ડ મિત્ર રખડપટ્ટી કરતા હતા. અહીં સિંહ પાણી પીવા ક્યારેક તો આવશે જ એ પટેલને ખાતરી હતી. આમેય સિંહ કે ગમે તે જંગલી પ્રાણી જોવું હોય કે ફોટો પાડવો હોય તો જળાશય નજીક રાહ જોવી સૌથી ઉત્તમ વિકલ્પ છે.

સુલેમાન પટેલ સત્તર દિવસથી આ વિસ્તારમાં હર-ફર કરી રહ્યા હતા. સિંહના ઘણા ફોટા પણ પાડયા હતા. પરંતુ હજુ વધુ સારા ફોટોગ્રાફ્સ મળે તેની રાહ હતી. અઢારમાં દિવસે આખરે એ રાહ પુરી થઈ. સુલેમાન અને તેમના મિત્ર નદીથી થોડે દૂર વૃક્ષની આડશમાં હતા. સાંજ ઢળવાનો સમય હતો. બાજુની ઝાડીમાંથી એક પછી એક નવ સિંહો નીકળીને પાણી પી રહ્યાં હતા. ફોટો પાછળથી પાડે તો બધા સિંહોની પીઠનો જ ભાગ આવે. આગળથી પાડવા માટે નદીની સામે પાર જવું પડે. એટલી બધી વાર સિંહ થોડા રાહ જુએ… તો?

નદીમાં ઉતરવાના જોખમી વિકલ્પ પર સુલેમાન પટેલે પસંદગી ઉતારી. સિંહો પાણી પીતાં હતા તેનાથી થોડે દૂર જઈ પાણીમાં હળવાં પગલે આગળ વધ્યાં. પાણીમાં એ ખલેલ પણ સિંહોના ટોળાંને વિખેરી શકે એમ હતી. સિંહ આક્રમણ કરે કે સિંહ ત્યાંથી જતાં રહે.. બન્નેમાંથી કોઈ પણ સ્થિતિ સુલેમાન પટેલ માટે તો નુકસાનકારક જ હતી. વળી આ સિંહોમાં બાળ ઓછા અને પાટડા એટલે કે જુવાનીમાં પ્રવેશી રહેલા નર-નારી વધારે હતા. એમને આક્રમક સ્વરૃપ ધારણ કરતાં વાર ન લાગે.

સુલેમાન પટેલ નદીમાં પહોંચ્યા એ પહેલા મિત્રને કહેતા ગયા હતા, મને કંઈ થાય તો હું કેમેરાનો ઘા કરીશ. એ કેમેરો લઈ લેજો.. સદ્ભાગ્યે સિંહોને ફોટોગ્રાફર સામે વાંધો ન પડયો. ફોટા પડી ગયા અને પછી તો જગ-વિખ્યાત પણ થયા. બાદમાં ખબર પડી કે ફોટામાં રહેલા બધા સિંહોના નામ પણ હતા.. લાસો, ભક્તો, ગોવિંદ, ભુરિયો, ઉભડો, ભિલિયો, બાંડિયો, ભુપતો, હેલિકોપ્ટર.. વગેરે.. આ બધા નામો તેની લાક્ષણિકતાના આધારે પડયા હોય. કેમ જે પૂંછડી હેલિકોપ્ટરની જેમ ફેરવ્યા કરે એનું નામ હેલિકોપ્ટર. ગીરમાં હજુ સિંહોને નામથી જ બોલાવવાની પ્રથા છે.

12. સિંહોને ભરખી જતો રોગચાળો

૧૯૯૪માં આફ્રિકા ખંડના ટાન્ઝાનિયામાં આવેલા સેરેંગટી નેશનલ પાર્કમાં સિંહોના કમોતનો ભારે મોટો બનાવ બન્યો હતો. પાર્કના કુલ પૈકીના ૩૦ ટકા સિંહો ટૂંકા ગાળામાં કમોતે મર્યા હતા. એ પછી તપાસ કરી ત્યારે ખબર પડી હતી કે કેનાઈન ડિસ્ટેમ્પર નામના ઘાતક રોગચાળાએ વનરાજોનો જીવ લીધો હતો. એ વખતે પાર્કમાં સિંહોની વસતી અંદાજે એક હજાર જેટલી હતી. એમાંથી ૩૦૦થી વધારે સિંહ એક જ જટકે મૃત્યુ પામ્યા હતા. એ વખતે સેરેંગટી પાર્કના અધિકારીઓ એવી ગફલતમાં હતા કે આવો કોઈ રોગચાળો સિંહને લાગુ પડી શકે નહીં. ત્યાં સુધી એમ પણ માનવામાં આવતુ હતું કે કેનાઈન એ માત્ર કુતરાંઓમાં ફેલાતો વાઈરસ છે. એ વાઈરસ કોઈ રીતે કુતરાંમાંથી સિંહો સુધી પહોંચ્યો હતો અને પછી રાતોરાત ફેલાયો હતો. સેરેંગટીની દુર્ઘટના પછી બધા દેશોની સરકાર સક્રિય થઈ હતી અને ત્યારથી સિંહોને આ રોગચાળાની પ્રતિકારક રસી પણ આપવામાં આવે છે

13. સિંહ કરતાં અઘરા સિંહબાળ

આમ તો સિંહને સાચવવો મુશ્કેલ છે, પરંતુ સિંહબાળને સાચવવાના થાય તો એવુ લાગી શકે કે આના કરતાં તો સિંહને સાચવવો સહેલો! સિંહબાળો નટખટ હોવાથી ગમે તે દિશામાં ભાગતા રહેતા હોય છે. એ મોટા થઈ જાય ત્યાં સુધી વનખાતાના સ્ટાફે સતત તેની દેખરેખ રાખવી પડતી હોય છે. વળી બચ્ચાવાળી સિંહણ હોય એટલે અમુક અંતર કરતા વધારે નજીક પણ ન જઈ શકાય. સિંહબાળો ખાસ તો ખુલ્લા કુવામાં ન પડી જાય કે પછી કોઈ આક્રમક સિંહનો શિકાર ન થઈ જાય તેનુ ધ્યાન રાખવુ પડતું હોય છે. ઘણી વખત સિંહબાળ માતા-પિતાથી વિખુટા પડી દૂર પહોંચી જતાં હોય છે. ત્યારે વળી મુશ્કેલી ઓર વધી જાય. ૨૦૧૧માં મધરાતે એક સિંહબાળ તાલાલા તાલુકાના મંડોરણા ગીર ગામે એક ઘરમાં પહોંચી ગયુ હતું. વનવિભાગે આવી એ બાળને પકડીને જંગલમાં પહોંચાડયુ ત્યારે ગામ શાંતિથી સુઈ શક્યુ હતું. તો વળી ૨૦૧૧માં જ ઊના પાસેના ઝુડવડલી ગામે એક સિંહણ બચ્ચાં સાથે આવી પહોંચતા ગામલોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતાં. પાંજરામાં સિંહણ આવે તો બચ્ચાં આવતા ન હતાં અને બચ્ચાં આવે તો સિંહણ દૂર રહેતી હતી. માટે વનવિભાગે સિંહણ સાથેના ૩ બચ્ચાંને ત્યાંથી કેમ ખસેડવા એ મુશ્કેલી થઈ પડી હતી. આખરે બેભાન કરીને તેમને દૂર કરવામાં આવ્યા હતાં.

14. જંગલમાં મંગલ કરતાં યુગલ પર સિંહનો હુમલો..

ઝિમ્બાબ્વેના ઉત્તરી શહેર કારીબા પાસેના જંગલ વિસ્તારમાં માર્ચ 2013માં સંભોગરત એક યુગલ પૈકી યુવતીની સિંહણે હત્યા કરી નાખી હતી. જંગલકાંઠાના એક ગામડાની સિમમાં એક યુવક અને યુવતી અંગત પળો માણી રહ્યાં હતા ત્યારે એક સિંહણ ત્રાટકી હતી. સિંહણના હુમલા વખતે યુવક ભાગી જવામાં સફળ રહ્યો હતો, જ્યારે યુવતી તેનો શિકાર બની હતી. સિંહણ તેનાં બે બચ્ચાં સાથે નજીકના ઘાસમાં જ છૂપાયેલી હતી. યુવક-યુવતીની હરકતો પર તેની નજર હતી અને જેવી તક મળી કે તુરંત તેણે તરાપ મારી દીધી હતી. યુવતી કોની સાથે સંભોગ કરી રહી હતી એ જાણવામાં સફળતા મળી ન હતી, કેમ કે યુવક ત્યાંથી ભાગી ગયો હતો. જોકે યુવકના કપડાં ત્યાં જ પડેલાં મળી આવ્યા હતા. એટલે તે નગ્નાવસ્થામાં જ ભાગ્યો હશે.

15. ઈથિયોપિયાના જંગલમાં કાળી કેશવાળી ધરાવતો દુર્લભ સિંહ જોવા મળ્યો

નેશનલ જ્યોગ્રાફિકના સંશોધક કાગેન સ્કેર્સીગ્લુને 2017ના ફેબ્રુઆરીમાં ઈથિયોપિયાના જંગલમાં અત્યંત દુર્લભ કહી શકાય એવો કાળી કેશવાળી ધરાવતો પૂર્ણ વિકસિત સિંહ જોવા મળ્યો હતો. સામાન્ય રીતે સિંહની કેશવાળીનો કલર કેસરી હોય છે. ઉંમરમાં ફેરફાર સાથે કેશવાળીનો કલર થોડો ઘણો ફેરફાર પામતો હોય છે. પરંતુ મોટા ભાગની કેશવાળી કાળી હોય એવા સિંહો જોવા મળવા મુશ્કેલ છે. જ્યાં સિંહ જોવા મળ્યો એ વિસ્તાર બેલ માઉન્ટેન નેશનલ પાર્ક તરીકે ઓળખાય છે. અત્યંત ગરીબ દેશ ઇથિયોપિયાના જંગલો અન્ય દેશોના નેશનલ પાર્ક જેવા ભવ્ય નથી. માટે ત્યાં વીજળી, પાણી, સડક એવી કોઈ સગવડો નથી. પરિણામે અહીં ભાગ્યે જ કોઈ પ્રવાસીઓ આવે છે. એટલે અહીંના સિંહો પણ મુક્ત રીતે વિચરી રહ્યાં છે. સામાન્ય રીતે આફ્રિકા ખંડમાં જોવા મળતા સિંહોની કેશવાળીનો કલર આવો હોતો નથી. સિંહના અભ્યાસીઓ માટે કાળી કેશવાળી ધરાવતો સિંહ જોવા મળ્યો એ ઘટના મહત્ત્વની છે.

16. ઇરાકમાંથી ૩ હજાર વર્ષ જૂનું સિંહનું શિલ્પ મળી આવ્યું!

પુરાતત્ત્વવિજ્ઞાનીઓને ઇરાકમાંથી અતિ દુર્લભ કહી શકાય એવુ એરિસિયન સામ્રાજ્યના વખતનું શિલ્પ મળી આવ્યું છે. ઈરાક અને ઈટાલિના પુરાત્ત્વશાસ્ત્રીઓ ઘણા વખતથી ઇરાકના ઉત્તર ભાગમાં ફીદાહ શહેર પાસે આવેલી પુરાતત્ત્વિય સાઈટોમાં સંશોધન કરતાં હતા. એ દરમિયાન તેમને આ ભીંતચિત્ર પ્રકારનું શિલ્પ મળી આવ્યું હતું. તેમાં સિંહ ઉપરાંત એરિસિયન દેવતા, ડ્રેગન તથા અન્ય સજીવો પણ કોતરાયેલા છે. એક સમયે મધ્ય એશિયાના ઘણા દેશોમાં સિંહ હતા. માટે ક્યારેક આવા પુરાતન અવશેષોમાં સિંહની હાજરી જોવા મળતી રહે છે. સામાન્ય રીતે આવા શિલ્પો મહેલ જેવા અવશેષોમાં મળે પરંતુ આ શિલ્પ એક પ્રાચીન કેનાલના ઉત્ખન્ન વખતે તેની દીવાલમાં જોવા મળ્યું એ વધુ મોટુ અચરજ છે. જે કેનાલ મળી આવી એ પણ અંદાજે પોણા ત્રણ-ત્રણ હજાર વર્ષ પ્રાચીન છે. તેના પરાથી એ રણ વિસ્તારમાં ગોઠવાયેલી જળ-વ્યવસૃથાપન સિસ્ટમનો પણ ખ્યાલ આવે છે.

17. સિંહોની વસતી જ સિંહોને નડશે?

ગીરમાં સિંહોની વસ્તી વધી છે, એ આનંદની વાત છે. પણ એ આનંદ પાછળ ભયસ્થાનો પણ છૂપાયેલા છે. જે પોષતું તે મારતું એ કુદરતી ક્રમ પ્રમાણે વધેલી વસતી જ સિંહો માટે ઘાતક સાબિત થવાની શક્યતા નિષ્ણાતોએ વ્યક્ત કરી છે. એશિયાટીક સિંહોના આંતરરાષ્ટ્રીય નિષ્ણાત રવી ચેલમે કહ્યું હતું કે વધેલી વસતી પૈકીના મોટા ભાગના સિંહો ગીરના જંગલ બહાર છે. એ તેમના માટે સૌથી મોટો ખતરો છે. છેલ્લી ગણતરીમાં સિંહો 30 હજાર ચોરસ કિલોમીટર વિસ્તારમાં વિચરતા હોવાનું નોંધાયુ છે. જ્યારે ગીરનો ખરેખર વિસ્તાર તો ૧૪૧૨ ચોરસ કિલોમીટર જેટલો જ છે. એનો સીધો જ મતલબ એવો થાય કે ઘણા ખરા સિંહોએ કાયમી ધોરણે તડીપાર હાલતમાં ગીરની બહાર રહેવું પડે છે, જ્યાં તેમને અને તેમને સામે મળતા અન્ય સજીવોની સલામતી નથી.

Read Also

Related posts

આ ખાસ હેતુ માટે હજારો લોકો નેકેડ અવસ્થામાં પહોંચ્યા સિડનીના બીચ પર, જુઓ વીડિયો

Padma Patel

ડિસેમ્બરમાં ગ્રહોના પરિવર્તનથી આ 4 રાશિના લોકોને સૌથી વધુ ફાયદો થશે

Kaushal Pancholi

‘રઘુરાજે મારી સાથે વિશ્વાસઘાત કર્યો, ઈલાજ કરાવવા જાઉં છું કહી ભાજપમાં જોડાઈ ગયા’: શિવપાલ

Kaushal Pancholi
GSTV