GSTV
India News

આજે વિશ્વ સિંહ દિવસ : ગીરના કેસરીને એક નહીં અનેક ગિફ્ટ આપવાની જરૂર, સરકારની લાલિયાવાડી

10 ઓગસ્ટ એટલે વિશ્વ સિંહ દિવસ. વનવિભાગ મોટા ઉપાડે સિંહ દિવસની ઉજવણીમાં પડી ગયો છે પરંતુ સિંહો ટપોટપ મોતને ભેટી રહ્યા છે અને સિહો માથે રોગનું સંકટ વધતું જઈ રહ્યું છે ત્યારે સિંહ દિવસની ઉજવણી કરવાને બદલે મનોમંથન જરૂરી બન્યું છે. છેલ્લા 12 વર્ષમાં વાઘ માટે નવા 21 જેટલા વિસ્તારોને ટાઈગર રિઝર્વ તરીકે જાહેર કરવામાં આવ્યા છે પરંતુ 2008 પછી આજ સુધી સિંહ માટે એક ઈચ વિસ્તારને સરકારે રક્ષિત જાહેર કર્યો નથી.

સિંહ પ્રેમીઓની માંગ છે કે ભાવનગર અમરેલી વચ્ચેનો 109 ચોરસ કિલોમીટરના રિઝર્વ વિસ્તારની વર્ષો જૂની દરખાસ્તને મંજૂર કરી સિંહોને સિંહ દિવસ નિમિત્તે ગિફ્ટ આપવી જોઈએ. વાઘ માટે ચિંતિત મધ્યપ્રદેશ, બંગાળ તથા અન્ય રાજ્યોની સરકારની જેમ સિંહ માટે ગુજરાત અને કેન્દ્રની સરકારે ધ્યાન આપવું ઘટે. 19 રાજ્યમાં 2967 વાઘ માટે નવા 21 સહિત કુલ 50 ટાઈગર રીઝર્વ એરિયા, જ્યારે એશિયાભરમાં એકમાત્ર રાજ્ય ગુજરાત ખાતે ૬૭૪ સિંહ છતાં સરકારે 12 વર્ષમાં એક ઈંચ અભયારણ્ય પણ નથી વધાર્યું – ભાવનગર-અમરેલી વચ્ચે 109 કિ.મી. રીઝર્વ વિસ્તારની વર્ષોથી દરખાસ્ત ટલ્લે ચડી રહી છે.

 ૨૦૧૮માં વનમંત્રીએ મોટા ઉપાડે આપેલી ખાતરીનું સૂરસૂરીયું થઈ ગયું છે. વનવિભાગ દ્વારા  દર વર્ષે પાંચ જિલ્લાઓની તમામ શાળા ના લાખો વિદ્યાર્થીઓ ની રેલી કાઢી સિંહ દિવસનું સેલિબ્રેશન કરવામાં આવે છે પરંતુ આ વખતે કોરોનાની મહામારીમાં સોશિયલ મીડિયાના થકી વનવિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ સિંહ પ્રેમીઓની લાગણી છે કે આ વર્ષે મોટી સંખ્યામાં સિંહોના મોત થયા હોવાથી સિંહ દિવસની ઉજવણી ટાળીને વનતંત્રએ નક્કર મનોમંથન કરવું જોઈએ, મૃતક સિંહોના આત્માના શાંતિ માટે સિંહ દિવસની ઉજવણી મોકૂફ રાખી સિંહોના માનમાં શોક સભા અને મૌન રાખી સિંહોને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ.

ગત ગણતરીની સરખામણીએ માત્ર ૧.૬૨ ટકાનો વસ્તી વધારો

૨૦૧0માં થયેલી સિંહોની વસ્તીગણતરીમાં ગણતરીની સરખામણીએ ૪.૬૯ ટકા, બાદ ૨૦૧૫ બાદ થયેલી સિંહોની વસતિ ગણતરીમાં ૧૨.૭૬ ટકા નો વધારો થયો હતો જ્યારે વનવિભાગે છેલ્લુ સિંહનું અવલોકન જાહેર કરેલ તે મુજબ માત્ર ૧.૬૨ ટકા નો જ વધારો ગત ગણતરીના તફાવત કરતા વધારો થયો છે જે પણ ચિંતાજનક છે.  તાજેતરમાં થયેલી વાઘની ગણતરીમાં ૧૯ જેટલા રાજ્યોમાં ૨,૯૬૭ વાઘ નોંધાયા હતા તેના માટે ૫૦ જેટલા અલગ અલગ રાજ્યના વિસ્તારોને ટાઈગર રિઝર્વ તરીકે સરકારે જાહેર કર્યા છે જેમાં હજુ પણ સતત વધારો થઈ રહ્યો છે પરંતુ  આખા એશિયામાં માત્ર એક જ રાજ્ય અને તેના પણ માત્ર  અમુક જિલ્લામાં જ ૬૭૪ જેટલા સિંહો  વસવાટ કરી રહ્યા છે. સિંહ દિવસ નિમિત્તે સેલિબ્રેશન કરવાને બદલે  સિંહોને  કંઈક ગિફ્ટ આપવી જોઈએ તેના બદલે સિંહોનો જે વિસ્તાર છે ત્યાં પણ હોટલોને મંજૂરી આપી તેનો વિસ્તાર છે, તેને પણ છીનવવાનો પ્રયાસો થઈ રહ્યા છે.  છેલ્લે ગિરનાર, પાણીયા, મીતયાણાને અભ્યારણ જાહેર કર્યા બાદ ભાવનગર અને અમરેલી જિલ્લામાં આવતાં જેસર, હિપાવડલીની આસપાસના ૧૦૯ કિ.મી.ના વિસ્તારને સિંહો માટે આરક્ષિત જાહેર કરવાની દરખાસ્ત વર્ષોથી સરકારમાં ધૂળ ખાઈ રહી છે.

વાઘ પણ બેનમૂન પ્રાણી છે અને તેના સંવર્ધન માટે જે કાંઈ પણ પગલાં લેવાય તેનો વિરોધ હોઈ શકે જ નહીં પરંતુ પ્રશ્ન એ છે કે સિંહો તરફ સરકારની અનદેખી કેમ? ચાલુ વર્ષે દર માસે ૧૭ સિંહોના મોતનો આવ્યો છે રેશીયો. વર્ષ ૨૦૧૮માં ધારી ગીર વિસ્તારમાં સી ડી વી નામના વાયરસ બાદ વન મંત્રી ની ગીર મુલાકાત સમયે ખુદ વનમંત્રીએ જાહેરાત કરી હતી કે આગામી ગણતરીના દિવસોમાં જ ૧૦૯ કિ.મી.ના વિસ્તારને રિઝર્વ જાહેર કરવાની પેન્ડિંગ દરખાસ્તને મંજૂર કરી દેવામાં આવશે પરંતુ એ વાતને પણ આજે બે વર્ષ જેટલો સમય થવા છતાં હજુ સુધી તેનો ઉકેલ આવ્યો નથી.

શેત્રુંજી નવું ડિવિઝન બનાવવાની જાહેરાત કરી હતી પરંતુ ડિવિઝન બનાવી દેવામાં આવ્યું છે. ત્યાં હજુ સુધી સિંહો માટેનો પૂરતો સ્ટાફ વાહનો સહિતની કોઈ વ્યવસ્થા પૂરતી નથી. આ વિસ્તારોમાં સો જેટલા સિંહોનો કાયમી વસવાટ પણ છે, જેથી સિંહ દિવસ ની ઉજવણી કરવાને બદલે આવા અનેક મુદ્દાઓ પર સરકાર અને વન વિભાગે મનોમંથન કરવાની જરૂર છે. વર્ષ ૨૦૧૮માં ૧૧૩ સિંહોના મોત થયા હતા તે મુજબ એક માસમાં ૯થી ૧૦ સિંહોના મોતનો રેશીયો આવે છે. વર્ષ ૨૦૧૯માં ૧૪૮ સિંહોના મોત થયા હતા. જેમાં બારથી તેર સિંહનો માસિક મોતનો રેશિયો આવે છે. જ્યારે વર્ષ ૨૦૨૦ના માત્ર પાંચ માસમાં ૮૫ સિંહોના મોતનો આંકડો હોવાથી એક માસમાં ૧૭ સિંહોના મોતનો રેશીયો આવ્યો છે. આમ, સિંહોના મોતનો સિલસિલો વધતો જઈ રહ્યો છે.

MUST READ:

Related posts

ભારત જોડો યાત્રા / ભારે વરસાદ વચ્ચે પણ રાહુલ ગાંધીનું ભાષણ જારી, અમને કોઈ નહીં રોકી શકે

Hardik Hingu

શું 51 વર્ષ બાદ કોંગ્રેસને દલિત અધ્યક્ષ મળશે ?

Hemal Vegda

મલ્લિકાર્જુન ખડગેના રાજીનામા બાદ રાજ્યસભામાં નેતા બનવા કોંગ્રેસમાં ખેંચતાણ શરૂ

GSTV Web Desk
GSTV