સુપરકમ્પ્યુટરનું કામ સેકન્ડમાં લાખો-કરોડો ગણતરી કરવાનું હોય છે. દુનિયાના દેશો વચ્ચે સૌથી ઝડપી સુપરકમ્પ્યુટર તૈયાર કરવાની સ્પર્ધા ચાલતી રહે છે. આ અંગેનું લિસ્ટ top500.org દ્વારા દર વર્ષે કરવામાં આવે છે. લેટેસ્ટ લિસ્ટ મુજબ અમેરિકાનું Frontier સૌથી જડપી સુપરકમ્પ્યુટર સાબિત થયું છે. આ કમ્પ્યુટર દર સેકન્ડે 1 ક્લિન્ટિલિયન જેટલી ગણતરી કરી શકે છે. એટલે કે દર સેકન્ડે 1,000,000,000,000,000,000 (1 પાછળ 18 મીંડા) ગણતરી કરી શકે છે. 1 ક્લિન્ટિયલ ગણતરીને કમ્પ્યુટિંગની ભાષામાં એક્સાફ્લોપ કહેવામાં આવે છે. ફ્રન્ટિયર જગતનું પ્રથમ સુપરકમ્પ્યુટર છે, જે એક્સાફ્લોપ (એક્સાસ્કેલ) ગણતરી કરી શકે છે. અમેરિકાનો ઊર્જા વિભાગ 2019થી આ કમ્પ્યુટર ડેવલપ કરવા માટે પ્રયત્નશીલ હતો. અમેરિકાની બહુ જાણીતી ઓક રિજ નેશનલ લેબોરેટરીમાં આ કમ્પ્યુટર કાર્યરત કરવામાં આવ્યું છે.
ફેક્ટફાઈલ
- આવુ સુપર કમ્પ્યુટર કોઈ એક જગ્યામાં સમાઈ શકતું નથી. ફ્રન્ટિયર માટે 74 કેબિન ફાળવવામાં આવી છે.
- સીપીયુની સંખ્યા 9400 છે.
- કમ્પ્યુટરને ઠંડુ રાખવા દર મીનિટે 25 હજાર લિટર પાણીની જરૃર પડે છે.
- આખા જગતના દરેક વ્યક્તિ પાસે 1-1 કમ્પ્યુટર હોય અને એ ગણતરી શરૃ કરે તો 4 વર્ષમાં જે ગણતરી થાય એ ફ્રન્ટિયર 1 સેકન્ડમાં કરી શકે છે.
- કમ્પ્યુટર સંચાલન માટે 40 મેગાવોટ વીજળી જોઈએ. આટલી વીજળી વડે અમેરિકાના 30 હજાર ઘરોની ઊર્જા જરૃરિયાત પુરી થઈ શકે છે.
એસ્ટ્રોનોમી, મેડિસિન, ન્યુક્લિયર સાયન્સ વગેરેમાં અતિશય વધારે અને કોમ્પલેક્સ ગણતરી કરવાની થતી હોય છે. આ ગણતરી સામાન્ય કમ્પ્યુટરો દ્વારા થતી નથી. એ માટે સુપરકમ્પ્યુટર કામે લગાડવા પડે છે. સામાન્ય કમ્પ્યુટરને જે ગણતરી કરવામાં મહિનાઓ લાગે એ કામ સુપરકમ્પ્યુટર સેકન્ડ કે તેનાથી ઓછા સમયમાં કરી નાખે છે.
દુનિયાના દેશો વચ્ચે ઝડપી સુપરકમ્પ્યુટર બનાવવાની સ્પર્ધા ચાલતી રહે છે. માટે વર્ષમાં બે વખત ટોપ-500નું લિસ્ટ જાહેર થતું રહે છે. આ લિસ્ટ FLOPS એટલે કે ફ્લોટિંગ પોઈન્ટ ઓપરેશન પર સેકન્ડના આધારે તૈયાર થાય છે. 1 ફ્લોપ્સનો અર્થ એમ થાય કે 1 સેકન્ડમાં એક પ્રોબ્લેમ સોલ્વ કરી શકે છે.

જગતના સૌથી ફાસ્ટ ટોપ-10 કમ્પ્યુટર
- ફ્રન્ટિયર – અમેરિકા
- ફાકુગા – જાપાન
- લુમી – ફિનલેન્ડ
- સમીટ – અમેરિકા
- સિએરા – અમેરિકા
- સનવે ટિહલાઈટ – ચીન
- પર્લમટર – અમેરિકા
- સેલેન – અમેરિકા
- ટિઆન્હે-2એ – ચીન
- અડાસ્ટ્રા – ફ્રાન્સ
ટોપ-500 સુપરકમ્પ્યુટરમાં ભારતના કમ્પ્યુટરોનો પણ સમાવેશ થયો છે. એવા સુપરકમ્પ્યુટર આ મુજબ છે
- 111. પરમ સિદ્ધ-એઆઈ
- 132. પ્રત્યુશ
- 249. મિહિર
આ ઉપરાંત પણ ભારત પાસે ઘણા સુપરકમ્પ્યુટરો છે. પરંતુ તેનો સમાવેશ ગ્લોબલ ટોપ-500 લિસ્ટમાં થતો નથી.

ક્યા દેશ પાસે કેટલા સુપરકમ્પ્યુટર છે?
ટોપ-500 સુપરકમ્પ્યુટરમાં સૌથી વધારે કમ્પ્યુટરો અમેરિકા પાસે નહીં પરંતુ ચીન પાસે છે.
- ચીન-173
- અમેરિકા – 128
- જાપાન – 33
- જર્મની – 31
- ફ્રાન્સ – 22
- કેનેડા – 14
- યુ.કે. – 12
- રશિયા – 7
- ઈટાલી – 6
- નેધરલેન્ડ – 6
હાઈ-પર્ફોર્મન્સ સુપર કમ્પ્યુટર (HPC)ના ઉત્પાદકો
આ કમપ્યુટરો સ્વાભાવિક રીતે ટેકનોલોજી કંપનીઓ દ્વારા જ બનતા હોય છે. સૌથી વધારે HPC લિનોવોએ બનાવ્યા છે, જેની સંખ્યા 161 છે.
- Lenovo – 161
- HPE 96
- Inspur 50
- Atos 42
- Sugon 36
- DELL EMC 17
- Nvidia 14
- Fujitsu 13
- NEC 10
- Huawei Technologies Co., Ltd. 7