GSTV

સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સુષમા સ્વરાજનો દેહ પંચમહાભૂતમાં વિલિન

Last Updated on August 8, 2019 by Mayur

ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની બુધવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દિલ્હીના લોધી રોડ ઈલેક્ટ્રિક સ્મશાનગૃહ ખાતે અંતિમક્રિયા કરવામાં આવી હતી. પક્ષના મુખ્યાલયથી તિરંગામાં લપેટીને સુષમા સ્વરાજનો દેહ લોધી રોડ સ્મશાનગૃહ લવાયો હતો, જ્યાં તેમની પુત્રી બાંસુરી સ્વરાજે તેમને મુખાગ્ની આપ્યો હતો અને તેમના પતિ સ્વરાજ કૌશલ પુત્રી સાથે ઊભા હતા.

ભાજપના ૬૭ વર્ષના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું મંગળવારે રાતે હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું હતું. હૃદય રોગનો હુમલો થતાં તેમને એઈમ્સ ખસેડાયા હતા. જોકે, ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા. તેમના અચાનક નિધનના સમાચારથી સમગ્ર દેશમાં આધાતનું મોજું ફરીવળ્યું હતું.

બુધવારે તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે પક્ષના કાર્યાલય પર લાવવામાં આવ્યો હતો, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ, પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ,  સહિત હજારો લોકોઅ ર્તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. પક્ષીય રાજકારણથી ઉપર ઉઠી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિંહ, મુલાયમ સિંહ સહિત વિપક્ષના અનેક વરિષ્ઠ નેતાઓએ સુષમા સ્વરાજના અંતિમ દર્શન કર્યા હતા.

Sushma Swaraj

પક્ષના કાર્યાલયથી તિરંગામાં લપેટાયેલા તેમના દેહને લોધી રોડ ઈલેક્ટ્રિક સ્મશાનગૃહ ખાતે લવાયો હતો. તેમની અંતિમયાત્રામાં પીએમ મોદી, અડવાણી, વેંકૈયા નાયડુ સહિતના નેતાઓ ભાવુક થઈ ગયા હતા. રક્ષાબંધન નજીક આવી રહી છે ત્યારે વેંકૈયા નાયડૂએ કહ્યું કે હવે તેઓ કોની પાસે રાખડી બંધાવશે. સુષમા સ્વરાજે તેમને ભાઈ બનાવ્યા હતા અને તેમને કાયમ રાખડી બાંધતા હતા. તેમની અંતિમ ક્રિયા સમયે ભુટાનના વડાપ્રધાન ત્શેરિંગ તોબ્ગે, એનડીએ તેમજ વિપક્ષના અગ્રણી નેતાઓ હાજર હતા.

મોદી સરકારની પ્રથમ મુદતમાં વિદેશ મંત્રી તરીકે તેમણે વિદેશ મંત્રાલયની કામગીરીને માનવીય સ્પર્શ આપ્યો હતો. વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદે તેઓ હંમેશા રહેતા. તેઓ ટ્વીટર પર ખૂબ જ સક્રિય હતા. તેમની આ સક્રિયતાના કારણે જ અનેક ભારતીયોને તેમણે સહાય કરી હતી. જોકે, સ્વાસ્થ્યના કારણોસર તેમણે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવાનું ટાળ્યું હતું.

તેમના અંતિમ દર્શન માટે પક્ષના હજારો કાર્યકરો ઉમટી પડયા હતા. અનેક લોકોએ ભાજપના મુખ્યાલય પર સુષમા સ્વરાજની અંતિમ ઝાંખી પોતાના મોબાઈલમાં કેપ્ચર કરવા પ્રયાસ કર્યા હતા. ભાજપની મુખ્ય કારોબારીમાં પ્રવેશ કરનાર તેઓ સૌપ્રથમ મહિલા નેતા હતા.  તેઓે ઓક્ટોબર ૧૯૯૮માં બાવન દિવસ માટે દિલ્હીના પ્રથમ મહિલા મુખ્ય મંત્રી બન્યા હતા. સુષમા સ્વરાજ પોતાની પ્રતિભાના જોરે પક્ષમાં એકપછી એક ક્રમ ચઢતાં ટોચની હરોળમાં પહોંચ્યા હતા.

પક્ષના એક કાર્યકર નીતિ જૈને જણાવ્યું હતું કે સ્વરાજ રાજકારણમાં પ્રવેશ કરનાર બધી જ મહિલાઓ માટે પ્રેરણાદાયક વ્યક્તિત્વ ધરાવતા હતા. હું તેમને ૨૦૧૯ની લોકસભા ચૂંટણી દરમિયાન મળ્યો હતો. તે સમયે અમે ઓલ ઈન્ડિયા રેડિયો માટે તેમનો ઈન્ટર્વ્યૂ રેકોર્ડ કર્યો હતો. મારા માટે તે ક્ષણ જીવનની સૌથી મહત્વની ક્ષણ હતી. તેમની સાથે મારો ફોટો જોઈ મારા દાદા પણ ખૂબ ગૌરવ અનુભવતા હતા. તેમના ચમત્કારિક નેતૃત્વથી ત્રણેય પેઢીના લોકો આકર્ષાયેલા હતા.

READ ALSO

Related posts

Twitter: નવા આઇટી નિયમો હેઠળ ટ્વિટરે નિયુક્ત કર્યા અધિકારીઓ, કેન્દ્રએ આપી હાઇકોર્ટમાં જાણકારી

Pritesh Mehta

વ્હાઈટ હાઉસમાં પ્રેસિડેન્ટ બાયડેન સાથે પીએમ મોદીની મુલાકાત, ભારત-US માટે આ દશક મહત્વનું

Pritesh Mehta

Bravo / UPSC સિવિલ સર્વિસમાં ચમક્યો સુરતનો કાર્તિક, ગુજરાતમાં પ્રથમ તો દેશમાં મેળવ્યો 8મોં ક્રમ

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!