આ ઠંડી તો હારુ કરજો ભૈસા’બ… હવે જાય તો સારું, ઠંડીએ હાલ કર્યા ‘બેહાલ’

આ વખતની ઠંડીએ ભલભલાને થથરાવી દીધા છે. શિયાળો પ્રારંભ થયો તે સમયે બધા ય મનભરીને શિયાળાને માણવાની ઓરતા સેવતા હતા. જેવો શિયાળાનો પ્રારંભ થયો કે બગીચામાં, જિમમાં, યોગ શિબિરોમાં સ્વીમીંગપુલમાં વગેરે સ્થળોએ સ્વાસ્થ્ય પ્રેમીઓનો જમાવડો થવા લાગ્યો. ઊંડા ઊંડા શ્વાસ લઈ શરીરને વધુ ચૂસ્ત કરવામાં સૌ કોઈ ઉત્સાહથી લાગી ગયા હતા. 12થી ડિગ્રીથી ઘટતી જતી ઠંડી ધીમે ધીમે 10, 9, 8 અને 7ના આંકડાના સ્પર્શતી ગઈ. ઠંડીએ જેવું તેનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું કે સ્વાસ્થ્ય પ્રેમીઓ ધીમે ધીમે રજાઈમાં સરી પડ્યા.

અમને મળેલા અહેવાલ અનુસાર આ કાતિલ ઠંડીએ વડીલોને સૌથી વધુ પરેશાન કર્યા છે. “ આ ઠંડી તો હારુ કરજો ભૈસા’બ… હવે જાય તો સારું…” વડીલોએ તેમની વ્યથા વર્ણવતા કહ્યું. સાંધાનો દુઃખાવો, માથુ દુઃખવું, શરદી થઈ જવી, કબજીયાત થઈ જવો વગેરે સમસ્યાથી ઉંમરલાયક વ્યક્તિઓ પીડાવા લાગ્યા છે. ભારે ઠંડીના કારણે પાણી પીવાની ઇચ્છા ઓછી થતી હોવાથી શરીરમાં પાણીની ઉણપ વર્તાઈ અને મળ ગંઠાઈ ગયો જેના પરિણામે વડીલો કબજીયાતની સમસ્યાથી પીડાવા લાગ્યા છે.

વહેલી સવારે ઊઠી અભ્યાસમાં પ્રવૃત્ત થઈ જનારા વિદ્યાર્થીઓને ઊઠવામાં આળસ વર્તાય છે અને રજાઈમાં હૂંફ લેવાની ઇચ્છા થાય છે. ગોટમોટ થઈ ધાબળામાં જ ગોઠવાઈ જાય છે. કેટલાક વિદ્યાર્થી વહેલા ઊઠી પણ જાય છે તો અભ્યાસ કરી નથી શકતા. ટેબલ પર બેઠાના થોડા સમયમાં જ રજાઈ ઓઢી ઝોકે ચઢી જતા હોય છે.

પોતાના સૌંદર્ય પ્રત્યે યુવક-યુવતીઓને હવે આ ઠંડી હવે અણમાનિતી થવા લાગી છે. ચામડી રૂક્ષ થઈ ગઈ છે, ચહેરા ઉપરની ચામડી થોડી તરડાઈ ગઈ છે, પગના વાઢીયા ફાટી ગયા છે. શિયાળાના પ્રારંભમાં સ્વેટર પ્રત્યે દુર્લક્ષ સેવ્યું માટે હવે કફ-ઉધરસની સમસ્યાથી પીડાવા લાગ્યા છે. માનસિક બિમારીથી પીડાતા વ્યક્તિઓ સૌથી વધુ હેરાન થઈ રહ્યા છે. મનમાં મૂંઝવણ થતી હોય તેવું તેમને લાગ્યા કરે છે. કોઈની સાથે હળવા-મળવાની ઇચ્છા થતી નથી. ઘરમાં એકલા હોય તો અતિશય ડર લાગવા માંડ્યો છે.

સમૂહમાં કાર્ય કરવાવાળા વ્યક્તિઓ તાવ-શરદી અને સ્વાઈન ફ્લૂની જેવી બિમારીનો શિકાર બનવા લાગ્યા છે. એક યુવા આઈટી પ્રોફેશનલ કહે છે મારા કાનમાં કોઈ સિસોટી બોલાવતું હોય તેવું મને સતત લાગ્યા કરે છે. વાહન ચલાવતા હોય ત્યારે સ્હેજ ચક્કર જેવો અહેસાસ થતો હોય તેવી ફરિયાદ પણ કેટલાક શહેરીજનો કરી રહ્યા છે. એક નવપરણિત યુગલે પોતાનું નામ ન આપવાની શરતે તો ત્યાં સુધી કહ્યું કે, ‘જો ઠંડી નહીં ઘટે તો અમારું હનીમૂન સફળ નહીં થાય. હીલ સ્ટેશનનો ખર્ચ પણ માથે પડશે. સ્નાયુ બધા જકડાઈ ગયા છે…(થોડામાં ઝાઝું સમજવું)’ આ બધું સાંભળી પેલી ઊક્તિ યાદ આવે છે… અતિ સર્વત્ર વર્જયેત…

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter