GSTV
Home » News » આજે જો તમને સવારે પાણીમાં હાથ નાખવાનું પણ મન ન થયું હોય તો નવાઈ નહીં, કારણકે પારો….

આજે જો તમને સવારે પાણીમાં હાથ નાખવાનું પણ મન ન થયું હોય તો નવાઈ નહીં, કારણકે પારો….

રાજ્યમાં બે દિવસ બાદ ફરીવાર કડકડતી ઠંડીની શરૂઆત થઈ છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં શિયાળાએ અસલ મિજાજ બતાવી રહ્યો છે. અમદાવાદમાં સીઝનની સૌથી વધુ ઠંડી આજે પડી છે. અમદાવાદમાં નવ ડિગ્રી, રાજરોટ 8.7 ડિગ્રી, વડોદરામાં 10.7 ડિગ્રી અને નલિયામાં સાત ડિગ્રી તાપમાન નોંધાયુ છે. આ ઉપરાંત ગાંધીનગરમાં 9.4 ડિગ્રી, દીવમાં 9.8 ડિગ્રી, વડોદરામાં 10.4 ડિગ્રી, ડીસામાં 10.6 ડિગ્રી અને કંડલામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ઠંડીના કારણે લોકો ગરમ કપડાનો સહારો લેવા મજબૂર બન્યા છે. બે દિવસ બાદ શરૂ થયેલી ઠંડીના કારણે રાજ્યના મહાનગરોમાં જનજીવન પર અસર પડી છે.

 • નલિયા ૭.૦૦
 • રાજકોટ ૮.૭
 • અમદાવાદ ૯.૩
 • ગાંધીનગર ૯.૪
 • દીવ ૯.૮
 • વડોદરા ૧૦.૪
 • ડીસા ૧૦.૬
 • કંડલા ૧૧
 • ભુજ ૧૨.૪
 • ભાવનગર ૧૨.૬
 • સુરેન્દ્રનગર ૧૧.૫

સતત ગગડી રહેલા પારાને કારણે ઉત્તર ભારતના ઘણાં રાજ્યો શીતલહેરની ઝપટમાં આવ્યા છે. ઉત્તરાખંડમાં શીતલહેરને કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો રાજધાની નવી દિલ્હીમાં એક સપ્તાહ સુધી શીતલહેર ચાલવાના આસાર છે. હવામાન વિભાગનું કહેવું છે કે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરાખંડ, ઉત્તર રાજસ્થાન, પશ્ચિમ ઉત્તરપ્રદેશ, પૂર્વ મધ્યપ્રદેશ શીતલહેરના લપેટામાં આવી ચુક્યા છે. મેદાની વિસ્તારોમાં અમૃતસર સૌથી વધુ ઠંડુગાર રહ્યું છે અને અહીં લઘુત્તમ તાપમાન 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં મુઝફ્ફરનગર સૌથી વધુ ઠંડુ શહેર રહ્યું છે. પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તરાખંડ અને તમિલનાડુમાં ગાઢ ધુમ્મસને કારણે ઘણાં સ્થાનો પર વિઝિબિલિટી 25 મીટરથી ઓછી નોંધાઈ છે.

પ્રદૂષણ અને ગાઢ ધુમ્મસને કારણે રાજધાની નવી દિલ્હીમાં એક સપ્તાહ સુધી શીતલહરના આસાર છે. હવામાન વિભાગનું કહેવું છે કે બુધવારે શરૂ થયેલી શીતલહેર 31 ડિસેમ્બર સુધી ચાલુ રહેવાના આસાર છે. શીતલહેરને કારણે તાપમાનમાં ઘટાડો થવાને કારણે લોકોને હાડ થિજાવતી ઠંડીનો સામનો કરવો પડશે. તો રાજધાની નવી દિલ્હીમાં સતત ચોથા દિવસે હવાની ગુણવત્તાની સ્થિતિ ગંભીર શ્રેણીમાં જ જોવા મળી છે. દિલ્હીમાં મંગળવારે પણ ગાઢ ધુમ્મસ જોવા મળી હતી અને સવારે આઠ વાગ્યે દ્રશ્યતાનું સ્તર સૌથી ઓછું જોવા મળ્યું હતું. તેના કારણે મંગળવારે દિલ્હીમાં વિમાન અને રેલવે સેવાઓ અસરગ્રસ્ત જોવા મળ્યા હતા.

શીતલહેરને કારણે દિલ્હીમાં પારો ગગડીને ત્રણ ડિગ્રી સેલ્સિયસ સુધી જવાની પણ શક્યતા છે. દિલ્હીમાં ગાઢ ધુમ્મસ અને ઠંડીને કારણે વાયુ પ્રદૂષણની સ્થિતિ પણ ચિંતાજનક બનેલી છે. જો કે સોમવારની સરખામણીએ હવાની ગુણવત્તામાં થોડો સુધારો જોવા મળ્યો છે. પરંતુ હજીપણ હવાની ગુણવત્તા ગંભીર સ્તર પર યથાવત છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પ્રમાણે. મંગળવારે દિવસભર હવાની સરેરાશ ગુણવત્તાનો સૂચકાંક 409 રહ્યો હતો. સોમવારે 448ના કરતા તે 39 અંક ઓછો હતો.

ઉત્તરાખંડમાં હવામાન વિભાગે આગેમી 24 કલાકમાં મેદાની વિસ્તારોમાં શીતલહેરને લઈને યલો એલર્ટ જાહેર કર્યું છે. બીજી તરફ દહેરાદૂનમાં લઘુત્તમ તાપમાન મંગળવારે સામાન્યથી બે ડિગ્રી ઓછંય 4.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિજ્ઞાન કેન્દ્રના નિદેશ બિક્રમસિંહે કહ્યુ છે કે આગામી 24 કલાક શીતલહેર યથાવત રહેશે. તેના કારણે મેદાની વિસ્તારોમાં કડકડતી ઠંડી પડશે. મંગળવારે મુક્તેશ્વરમાં લઘુત્તમ તાપમાન 1.7 ડિગ્રી, નવી ટિહરીમાં 2.6 ડિગ્રી, પંતનગરમાં 2.8 ડિગ્રી અને દહેરાદૂનમાં 4.2 ડિગ્રી નોંદાયું હતું. ગગડતા પારાને કારણે મુનસ્યારીમાં કુંડોના પાણી જામવા લાગ્યા છે. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવતું યલો એલર્ટ ખતરા પ્રત્યે સચેત રહેવાના નિર્દેશ આપે છે. તેનો અર્થ એલર્ટ જસ્ટ વોચનું સિગ્નલ છે.

યુપીના શહેરોમાં મુઝફ્ફરનગર સૌથી વધુ ઠંડુગાર રહ્યું છે. મુઝફ્ફરનગરમાં લઘુત્તમ તાપમાન 1.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. તો પ્રયાગરાજ, મેરઠ, ફૈઝાબાદ, લખનૌ, બરેલીમાં તાપમાન સામાન્યથી ઘણું નીચે જોવા મળ્યું છે. જ્યારે વારાણસી અને આગ્રામાં પણ ઠંડીને કારણે તાપમાન સામાન્યથી નીચે જોવા મળ્યું છે. હવામાન વિભાગે પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં ગાઢ ધુમ્મસ છવાયેલું રહેવાની શક્યતા વ્યક્ત કરી છે.

ઝારખંડમાં પણ શીતલહેર વધી રહી છે. રાંચીના કાંકેમાં લઘુત્તમ તાપમાન 3.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. હવામાન વિભાગે ક્હયુ છે કે ચાલુ સપ્તાહ દરમિયાન ઝારખંડમાં ઠંડી યથાવત રહેશે. ઠંડા પવનને કારણે રાત્રિના તાપમાનમાં ઘટાડો થવાની સંભાવના છે. હવાની ગતિ વધવાને કારણે શીતલહેરના પ્રકોપમાં વધારાની શક્યતા છે. બિહારના ગયામાં રાજ્યની સૌથી વધી ઠંડી નોંધાઈ હતી અને અહીં લઘુત્તમ તાપમાન 4.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

પંજાબ અને હરિયાણામાં બે સપ્તાહથી સામાન્યથી નીચે જોવા મળેલા તાપમાનમાં ફરીથી ઘટાડો જોવા મળ્યો છે. મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું તાપમાન અમૃતસર અને આદમપુરમાં નોંધાયું છે. અહીં લઘુત્તમ તાપમાન 0.4 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. અમૃતસરમાં આ શિયાળાની અત્યાર સુધીની સૌથી ઠંડી રાત્રિ નોંધાઈ છે. જ્યારે હરિયાણાના નારનૌલમાં અઢી ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું છે. હરિયાણામાં નારનૌલમાં સૌથી ઓછું તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના અધિકારીએ જણાવ્યુ છે કે પંજાબ અને હરિયાણામાં આગામી કેટલાક દિવસ સુધી શીતલહેર ચાલુ રહેશે. જ્યારે રાજસ્થાનમાં લઘુત્તમ તાપમાનમાં ઉતાર-ચઢાવ વચ્ચે રાજ્યના અનેક વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ જોવા મળ્યું છે.

કાશ્મીરમાં ચાલી રહેલી ચિલ્લઈ કલાં દરમિયાન રાજધાની શ્રીનગરમાં ગત અગિયાર વર્ષની સૌથી ઠંડી રાત્રિ જોવા મળી છે. શ્રીનગરમાં તાપમાન શૂન્યથી 6.8 ડિગ્રી નીચે નોંધાયું હતું. સતત ઘટી રહેલા પારાની વચ્ચે શ્રીનગરમાં ઘણાં સ્થાનો પર પાણી જામી ગયા હતા અને ડલ લેકની સપાટી પર બરફ જામવા લાગ્યો છે. કાશ્મીર ખીણમાં કાજીગુંડમાં પારો શૂન્યથી 5.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયો છે. જ્યારે લડાખ વિસ્તારને કાશ્મીર સાથે જોડનારો નેશનલ હાઈવે અને ઐતિહાસિક મુઘલ રોડ મંગળવારે બરફવર્ષાને કારણે ફરીથી બંધ કરવામાં આવ્યો હતો.

હિમાચલ પ્રદેશમાં ક્રિસમસ પર શીતલહેરનો પ્રકોપ વધ્યો છે. કેલાંગમાં તાપમાન શૂન્યથી 9.4 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. જ્યારે વિખ્યાત પર્યટન સ્થળ મનાલીમાં તાપમાન શૂન્યથી 3.2 ડિગ્રી સેલ્સિયસ નીચે રહ્યું છે. લાહૌલ અને સ્પીતિ જિલ્લાનું પ્રશાસનિક કેન્દ્ર કેલાંગ હિમાચલ પ્રદેશનું સૌથી ઠંડુ સ્થળ રહ્યું છે.

મધ્યપ્રદેશના પૂર્વીય વિસ્તારોમાં એક ડઝનથી વધુ શહેરો શીતલહેરની ઝડપમાં આવી ગયા છે. મધ્યપ્રદેશના પૂર્વ વિસ્તારમાં આવેલા રીવા, સીધી, સિંગરૌલી, સતના, છતરપુર, દતિયા અને ગ્વાલિયરમાં હાલના દિવસોમાં શીતલહેરની જનજીવન પર ઘણી મોટી અસર જોવા મળી છે.

Read Also

Related posts

લગ્નની જાન આવતા પહેલા પોલીસ આવી પહોંચી, પછી થયું એવું કે…

pratik shah

મર્ડર કેસનો આરોપી ફરાર થઈ જતા સાત પોલીસકર્મી સામે ફરિયાદ નોંધાય

Nilesh Jethva

મનપાના આસિસ્ટન્ટ કમિશનર ડેન્ગ્યુની ઝપટમાં આવતા આરોગ્ય વિભાગની પોલ ખુલી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!