GSTV
Home » News » જ્યોતિષમાં માનવું કે ન માનવું ? ભાગ-1

જ્યોતિષમાં માનવું કે ન માનવું ? ભાગ-1

જુદા અનેક સંપ્રદાય, અનેક ધર્મો, અનેક દેવીદેવતાઓ, અનેક માનસિકતાથી પ્રેરિત અસંખ્ય માનવ સમુદાય આ સંસારમાં રહે છે. પાશ્ચાત્ય દેશોમાં અંકશાસ્ત્ર આધારિત ભાવિનું નિર્ધારણ કરવાની પદ્ધતિ છે. મુસ્લિમ દેશોમાં મૌલવીઓ, નજૂમીઓ મુસ્લિમ બિરાદરોને શુભ કાર્ય માટે શુભ સમય આપતા હોય છે, કેટલાક મુસ્લિમ સમુદાય તેમજ ખ્રિસ્તી સમુદાયના વળી, હિંદુ સમુદાયના વ્યક્તિઓ ચોક્કસ ધર્મસ્થળની મુલાકાત લઈને દર્શન કરીને, પ્રાર્થના કરીને પોતાના મહત્ત્વના કાર્યોનો પ્રારંભ કરતા હોય છે. આ સિવાય પણ જાણી-અજાણી કેટલીય વાતો હશે જેને આધારીત ચોક્કસ સમુદાયના વ્યક્તિઓની માન્યતા સજ્જડ રીતે જોડાયેલી હશે.


હું એક જ્યોતિષાચાર્ય તરીકે જુદા જુદા સમાજના અનેક વ્યક્તિઓ સાથે નિત્ય સંપર્કમાં આવતો હોઉં છું. ક્યારેક કેટલાક વ્યક્તિઓ પોતાની નામરજી પણ વ્યક્ત કરે છે જેમ કે, ‘હું ધર્મમાં નથી માનતો, હું ગુરૂ પરંપરામાં નથી માનતો, અધ્યાત્મમાર્ગમાં ગુરૂની આવશ્યકતા નથી, ભગવાનને કોણે જોયા છે ? અમેરિકામાં શું બધા હનુમાનજીને પૂજે છે ? ગમે તેટલું ભગવાને ભજશો તો પણ જે થવાનું હશે તે જ થશે. જ્યોતિષશાસ્ત્રમાં હું નથી માનતો. મનુષ્ય પોતે જ પોતાનો ઘડવૈયો છે… જેવું વાવશો તેવું લણશો…’ અરે ! કેટલાક વ્યક્તિઓ એવું પણ કહે છે- શિક્ષણ લેવાની કોઈ જરૂર નથી, કોઠાસૂઝ હોવી જોઈએ, કેટલાક વળી, ડોક્ટર પાસે જવામાં અણગમો વ્યક્ત કરે છે. પરિવારમાં કોઈ સ્વજન બિમાર પડ્યું હોય અને તેને કહેવામાં આવે કે, ડોક્ટર પાસે ચેક-અપ કરાવી આવો… તો કહેશે કે ડોક્ટર તો લૂંટવા બેઠા છે, તેમની પાસે ન જવાય વગેરે વગેરે વગેરે… માન્યતા જોવા-સાંભળવા મળશે.


અશિક્ષિત, ગ્રામ્યજીવન જીવતા, પછાત વિસ્તારમાં રહેતા કે પછી, અતિ શિક્ષિત, સાધન-સુવિધાથી સજ્જ, સફળ વ્યક્તિઓ કે પછી દુનિયા જોઈને આવેલી વ્યક્તિઓ પૂરતા જ ઉપરોક્ત વિચારો મર્યાદિત નથી, પણ આ વિચારો જુદા જુદા જનમાનસમાં રોપાયેલા જોવા મળે છે.
ઉપરોક્ત બધી માન્યતામાં એક વાક્ય મને અવારનવાર સાંભળવા મળે છે કે– ‘ભાઈ ! હું તો કર્મમાં માનું છું… ગીતામાં પણ કહ્યું છે, કર્મ કરવું… જ્યોતિષીઓ પાસે જઈને સમય બગાડવો નહીં.’


આજે આ જ માન્યતા ઉપર હું મારું મનોમંથન વ્યક્ત કરીશ. મારા મનોમંથનમાં મારો અનુભવ પણ ભળેલો છે. કારણ કે, જ્યોતિષાચાર્ય તરીકે અનેક લોકોની કુંડળીનો અભ્યાસ કરવાનો મને અવસર મળે છે. વળી જ્યારે, મારી પાસે આવનાર વ્યક્તિને શ્રદ્ધા ઉજાગર થાય ત્યારે તે તેના જીવનની અતિ ગુપ્ત અને અજાણી વાતો કરીને ગ્રહો આધારીત માર્ગદર્શન મેળવે છે.
ઉપર જણાવેલી જુદી જુદી માન્યતાઓ ઉપર મુદ્દાસર ખુલાસા કરીશ તો દિવસોના દિવસો વિતી જાય. પણ, એક સર્વસામાન્ય ઊક્તિ ઉપર મારે આજે ખુલાસો કરવો છે. જેમ મેં ઉપર જણાવ્યું કે, ‘હું તો કર્મમાં માનું છું, જ્યોતિષમાં માનતો નથી…’


સૌ પ્રથમ તો હું પ્રત્યેક વ્યક્તિને એ વિનંતી કરું છું કે, કૃપા કરીને કોઈની ય વાત ઉપર આંખો મિંચીને વિશ્વાસ ન કરતા. આ સલાહ હું આપને બેઉ પાસાને ધ્યાનમાં રાખીને આપું છું. જ્યોતિષશાસ્ત્રમાં અતિ શ્રદ્ધા રાખનાર વ્યક્તિ મળે તો પણ અને જ્યોતિષશાસ્ત્રમાં વિશ્વાસ ન રાખનાર વ્યક્તિ મળે તો પણ.


આપણું શરીર પંચમહાભૂતથી બનેલું છે. અગ્નિ, પૃથ્વી, વાયુ, જળ અને આકાશ આ પાંચેય તત્ત્વ આપણા માનવદેહમાં સમાયેલા છે. એટલે કે આપણે આ બ્રહ્માંડનો અવિભાજ્ય ભાગ છીએ. આ બ્રહ્માંડ પણ આ પાંચ તત્ત્વથી જ બનેલું છે. આપણા માનવ શરીર ઉપર પાંચ તત્ત્વની અસર કેવી અને કેટલી છે તે સમજીએ.


અગ્નિ તત્ત્વ –

અગ્નિ તત્ત્વ એટલે સૂર્યદેવ અને ઊર્જા. આપણા માનવ શરીરમાં આપણા હૃદયમાં અગ્નિતત્વ સમાયેલું છે, આપણું હૃદયને ધબકતું રાખવાની ઊર્જા અગ્નિતત્ત્વ દ્વારા પ્રાપ્ત થાય છે. આપણો જઠરાગ્નિ અગ્નિતત્ત્વ દ્વારા પ્રદિપ્ત થાય છે. જો જઠરામાં અગ્નિતત્ત્વ સમાયેલું ન હોત તો આપણને ભૂખ પણ ન લાગત અને આપણે ગ્રહણ કરેલા ભોજનનું પાચન પણ શક્ય ન બની શક્યું હોત. ઊર્જાથી જ ભૂખ લાગે, ઊર્જાથી જ ભોજનનું પાચન થાય અને ઊર્જાના સહયોગથી જ પાચન થયેલા ભોજનમાંથી મહત્ત્વના તત્ત્વો છૂટા પડે છે, જેનાથી આપણને શક્તિ એટલે કે ઊર્જા પ્રાપ્ત થાય છે. આ પ્રકારે આપણા શરીરમાં ઊર્જાનું ચક્રપૂર્ણ થાય છે.
(વધુ આવતીકાલે…)

  • અમિત ત્રિવેદી (જ્યોતિષાચાર્ય), (મો) 7069998609

Read Also

Related posts

લંડનની વેસ્ટમિસ્ટર મેજિસ્ટ્રેટ કોર્ટે નીરવ મોદીને ફરી ઝટકો આપ્યો, 13,400 કરોડ રૂપિયાનો કર્યો છે ગોટાળો

Mayur

અમદાવાદ પૂર્વમાં ગેંગરેપનો ભોગ બનનાર યુવતીનું મોત, આરોપીઓને છાવરતી પોલીસ

Mayur

હું રાજકારણમાં આવ્યો તો મારી પત્ની મને છોડીને જતી રહેશેઃ પૂર્વ RBI ગર્વનર

Mansi Patel