GSTV
GSTV લેખમાળા India News Trending

ભારતે આજે લોન્ચ કરેલું રોકેટ Vikram-S શા માટે છે અનોખું?, 60 વર્ષે સર્જાયો છે નવો ઈતિહાસ

ભારતના સ્પેસપોર્ટ શ્રીહરિકોટા ખાતેથી આજે સવારે 11-30 કલાકે વિક્રમ-એસ નામનું એક રોકેટ લોન્ચ કરવામાં આવ્યું હતું. રોકેટ લોન્ચિંગની ભારત માટે કોઈ નવાઈ નથી. ઈસરો નિયમિત રીતે રોકેટ લોન્ચ કરે છે. પરંતુ આજે લોન્ચ થયેલા રોકેટે ભારતના અવકાશ સંશોધન ક્ષેત્રે નવું પ્રકરણ લખ્યું છે. કેમ કે વિક્રમ-એસ એ ભારતનું પ્રથમ ખાનગી રોકેટ છે. અત્યાર સુધી ભારતે જે એસએલવી, પીએસએલવી અને જીએસએલવી સિરિઝના રોકેટ લોન્ચ કર્યા એ બધા રોકેટ ઈસરોના એટલે કે સરકારી હતા. ભારતે અવકાસ સંશોધનમાં ખાનગી ક્ષેત્રને ખાસ પ્રવેશ આપ્યો ન હતો. પરંતુ હવે સરકારે સ્પેસ એક્સ્પ્લોકેશનમાં ખાનગી કંપનીઓની ભાગીદારી વધારવાનો નિર્ણય લીધો છે. એ માટે અમદાવાદમાં ઈસરોની સહયોગી સંસ્થા ઈનસ્પેસ (IN-SPACe)ની પણ આ વર્ષે જ શરૃઆત કરવામાં આવી છે. રસપ્રદ યોગાનુયોગ છે કે ભારતે 59 વર્ષ પહેલા નવેમ્બર 1963માં દેશનું પ્રથમ રોકેટ લોન્ચ કર્યું હતું. એ રોકેટ સાઉન્ડિંગ એટલે કે હવામાનના અભ્યાસ માટેનું હતું. તેના 6 દાયકા પછી ભારતનું પ્રથમ ખાનગી રોકેટ લોન્ચ થયું છે. રોકેટ બોય્ઝ નામની વેબ સિરિઝ જોઈ હશે એમને ભારતે કેવા સંજોગોમાં પહેલુ રોકેટ લોન્ચ કર્યું હતું એ સંઘર્ષ પણ જોવા મળ્યો હશે.


આજે લોન્ચ થયેલું રોકેટ વિક્રમ એસ ભારતીય સ્પેસ કંપની સ્કાયરૂટ દ્વારા વિકસાવાયુ છે. સ્કાયરૃટ એ ભારતમાં અવકાશ ક્ષેત્રે શરૃ થયેલું સ્ટાર્ટઅપ છે. ઈસરોના જ બે પૂર્વ એન્જિનિયરો પવન કુમાર ચંદાના અને નાગા ભરત ડેકાએ મળીને તેલંગાણાના કોંડાપુર ખાતે આ સ્ટાર્ટઅપની સ્થાપના કરી હતી. આ સ્ટાર્ટઅપને અત્યાર સુધીમાં 5.24 અબજ રૃપિયા ફંડ પણ મળી ગયું છે. એટલે કે અવકાશ વિજ્ઞાનમાં રોકાણ કરવા માંગતા માંધાતાઓએ આ સ્ટાર્ટઅપમાં વિશ્વાસ મુક્યો છે. ઈસરો અને ઈનસ્પેસ દ્વારા આ સ્ટાર્ટઅપને જરૃરી સહકાર આપવામાં આવ્યો હતો. ભારતીય અવકાશ વિજ્ઞાનના ભીષ્મ પિતામહ વિક્રમ સારાભાઈના સન્માનમાં આ રોકેટને વિક્રમ-એસ નામ આપવામાં આવ્યું છે.

રોકેટ ફેક્ટ્સ

  • વજન – 545 કિલોગ્રામ
  • હાંસલ કરેલી ઊંચાઈ – 89.5 કિલોમીટર
  • વ્યાસ – 0.375 મીટર (1.24 ફીટ)
  • લંબાઈ – 6 મીટર
  • મહત્તમ ઝડપ – માચ 5 (6000થી વધારે કિલોમીટર)

કંપનીના દાવા મુજબ 83 કિલોગ્રામનો સામાન 100 કિલોમીટરની ઊંચાઈ સુધી આ રોકેટ લઈ જઈ શકે છે. સામાન્ય રીતે કોઈ રોકેટ 80 કિલોમીટર કે તેનાથી વધારે ઊંચે ગયુ હોય તો એ ખરેખર રોકેટ ગણાય અને આકાશમાં પહોંચ્યુ એમ માની શકાય. વિક્રમ-એસ રોકેટે એ સીમા રેખા પાર કરી દેખાડી હતી. લોન્ચ થયાની પાંચ મિનિટ પછી રોકેટ બંગાળના અખાતમાં 116 કિલોમીટર દૂર ખાબક્યુ હતુ. રોકેટમાં લોન્ચિંગ વખતે 3 સ્વદેશી પે-લોડ (ઉપકરણ) પણ ગોઠવવામાં આવ્યા હતા.


સ્કાયરૃટના બન્ને સંચાલકોએ જણાવ્યુ હતુ કે અમારો ઈરાદો ઓછા ખર્ચ વાળું અને 72 કલાકમાં જ એસેમ્બલ થઈ જાય એવુ રોકેટ તૈયાર કરવા તરફ છે. આ રોકેટ માટેની કેટલીક સામગ્રી તો થ્રી-ડી પ્રિન્ટર દ્વારા તૈયાર કરવામાં આવી હતી.
લોન્ચિંગ વખતે ઈસરોના શ્રીહરિકોટા મથક ખાતે કેન્દ્રિય વિજ્ઞાન-ટેકનોલોજી મંત્રી જિતેન્દ્ર પ્રધાન, ઈસરોના અધ્યક્ષ સહિતના વિજ્ઞાનીઓ અને સ્કાયરૃટના સંચાલકો હાજર રહ્યા હતા. વડા પ્રધાને સફળ લોન્ચિંગ પછી અભિનંદન આપ્યા હતા. કંપનીનો એવો પણ દાવો છે કે આ કેટેગરીનું આખા જગતમાં આ સૌથી સસ્તું રોકેટ છે. અને 200 એન્જિનિયરોએ માત્ર 2 વર્ષમાં જ તેને તૈયાર કરી દેખાડ્યું છે.

અવકાશ વિજ્ઞાન સતત વિસ્તરી રહ્યું છે. માત્ર સરકારી સંસ્થાઓ જ રોકેટ મોકલ્યા કરે તો માર્કેટની જરૃરિયાત પહોંચી ન વળાય. માટે અમેરિકા અને યુરોપના દેશોએ તો વર્ષોથી ખાનગી કંપનીઓ માટે સ્પેસ સેક્ટર ખોલી નાખ્યું છે. ભારતે પણ હવે તેની શરૃઆત કરી દીધી છે. આ સફળતાથી અવકાશમાં ખેડાણ કરવા માંગતી અન્ય ખાનગી કંપનીઓને પણ પ્રોત્સાહન મળશે. ભારતમાં અત્યારે 150 જેટલા સ્ટાર્ટઅપ છે, જે અવકાશ વિજ્ઞાનમાં નવાં નવાં પ્રયોગો કરી દેખાડવા ઉત્સુક છે.

READ ALSO

Related posts

બલુચીસ્તાન/ પાક. સલામતી દળો અને આતંકીઓ વચ્ચે ઘમાસાણ : 10 બલુચીયોના મોત

Padma Patel

2021-22માં ભાજપ-કોંગ્રેસ-આપને મળ્યું કરોડો રૂપિયાનું ફંડ, આંકડો જાણીને ચોંકી જશો તમે

Kaushal Pancholi

કરન્સી બજારમાં રૂપિયો અને યુઆન ઉંચકાયો : ઉછળ્યો સ્પેન તથા જર્મનીમાં ફુગાવો હળવો

Padma Patel
GSTV