GSTV

જળશક્તિ / દુનિયાભરમાં Hydropower દ્વારા ઊર્જા મેળવવાના પ્રોજેક્ટ કેમ નિષ્ફળ જઈ રહ્યા છે? સંશોધકો માટે ચિંતાનો વિષય…

hydropower

Last Updated on September 18, 2021 by Lalit Khambhayata

સ્વચ્છ ઊર્જાના વિકલ્પ તરીકે વર્ષોથી હાઇડ્રોપાવર/Hydropowerના ઉપયોગને લઈને એવી માન્યતા છે કે, પ્લાન્ટ એકવાર ઊભો કર્યા બાદ તે વિશ્વસનિય રીતે વીજળી પેદા કરવા માટે સક્ષમ છે. 2019ની સાલના આંકડા દર્શાવે છે કે દુનિયાની અડધાથી વધારે રિન્યુએબલ ઊર્જા હાઇડ્રોપાવરથી મેળવવામાં આવી છે, પરંતુ ક્લાઈમેટમાં થતા પરિવર્તનના કારણે પાણીમાંથી મળનારી આ ઊર્જાની શક્તિ પણ ઘટતી દેખાઈ રહી છે. આ વર્ષે તાપમાનના વધારાના કારણે દુષ્કાળની માત્રામાં વધારો થયો છે. અને તેના કારણે જળવિદ્યુત ઉત્પાદનમાં દાયકાનો સૌથી મોટો ઘટાડો આવ્યો છે.

વિશ્વભરમાં વીજ ઉત્પાદનમાં ઘટાડો

અમેરિકાના શહેર લાસ વેગાસ નજિક આવેલી કોલોરાડો નદીના પાણીનો ઉપયોગ હૂવર ડેમના બાંધકામમાં થાય છે. હૂવર ડેમના કારણે રચાયેલા તળાવનું નામ લેક મીડ છે. 14 કરોડ લોકોને આ જ બંધ દ્વારા પાણી પહોંચે છે, પરંતુ આ વખતે વિશાળ તળાવનો ત્રીજા ભાગ જ ભરાયેલો છે. તળાવના પાણીના સ્તરમાં ઘટાડાના કારણે ગત જુલાઈ મહિનામાં અગાઉ કરતા 25 ટકા ઓછી વીજળી જનરેટ થઈ શકી છે. આના કારણે યુએસની ફેડરલ સરકારને જાન્યુઆરી, 2022થી ડેમના નીચાણવાળા વિસ્તારમાં આવેલા શહેરોમાં વૉટર સપ્લાયમાં કાપ મૂકવાનું જાહેર કરવું પડ્યું. દક્ષિણ અમેરિકામાં પણ આવી જ પરિસ્થિતિ છે. બ્રેઝિલ, પરાગ્વે અને અર્જેન્ટિનાના તળાવોમાં પાણીનું સ્તર પાછલા 20 વર્ષની સરખામણીમાં સરેરાશ અડધાથી ઓછું થઈ ગયું છે. બ્રેઝિલમાં 60 ટકા વીજળી ડેમમાંથી ઉત્પન્ન થાય છે, પરંતુ સુકાઈ રહેલા તળાવોએ આ વખતે નીલ ઇલેક્ટ્રિસિટીની શક્યતા સામે લાવી દીધી છે.

ફૉસિલ બળતણ તરફ ઘર વાપસી

આ સમસ્યા અટકાવવા માટે બ્રેઝિલના સત્તાવાળાઓએ કુદરતી ગેસથી ચાલતા પાવર પ્લાન્ટ્સને ફરી ઍક્ટિવ કરવાનું શરૂ કર્યું છે. તેના કારણે વીજળીના ભાવ વધ્યા છે અને ગ્રીનહાઉસ વાયુઓના ઉત્સર્જનમાં પણ વધારો થવા લાગ્યો છે. અમેરિકાના હાલ પણ કંઈક આવા જ છે. દુષ્કાળગ્રસ્ત કેલિફોર્નિયામાં રાજ્ય સરકારે ઉદ્યોગો અને જહાજોને વીજળી માટે ડિઝલ જનરેટર ચલાવવાની મંજૂરી આપી દીધી છે. નેચરલ ગેસ પાવર પ્લાન્ટ્સને પણ ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન કરવા માટે વધુ ગેસ બાળવાની મંજૂરી આપી દેવાઈ છે. જોકે, જળ વિદ્યુતના ઉત્પાદનમાં થનારા ઘટાળા પાછળ માત્ર દુષ્કાળ જ કારણભૂત નથી. ભારે વરસાદ અને પૂરની સમસ્યાઓ પણ વધી ગઈ છે. 2019ના માર્ચ મહિનામાં વેસ્ટ આફ્રિકામાં તબાહી મચાવનારા ઇડાઈ વાવાઝોડા બાદ આવેલા પૂરમાં બે મોટા ડેમને નુક્શાન પહોંચ્યું હતું. કેટલાય દિવસો સુધી દેશના ઘણા ભાગોમાં વીજળી નહોતી આવી.

આફ્રિકામાં હાઇડ્રોપાવરના અચ્છે દિન પુરા થઈ ગયા?!

ઇન્ટરનૅશનલ એનર્જી એજન્સી (IEA) મુજબ ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ કોંગો, ઇથિયોપિયા, મલાવી અને મોઝામ્બિક જેવા આફ્રિકાના દેશોમાં 80 ટકાથી વધારે વીજળી ઉત્પન્ન હાઇડ્રોપાવર દ્વારા થાય છે. 2019ના અંત સુધીમાં આફ્રિકા ખંડમાં એકદંરે 17 ટકા વીજળી હાઇડ્રોપાવર દ્વારા ઉત્પન્ન થઈ હતી. 2040 સુધીમાં તે વધીને 23 ટકાથી વધુ થવાની ધારણા છે. જોકે, IEA મુજબ આફ્રિકામાં હાઇડ્રોપાવર પ્લાન્ટ્સ માટેની મોટાભાગની નવી યોજનાઓ ક્લાયમેટ ચેન્જ તથા તેનાથી સંભવિત જોખમોને ધ્યાનમાં લઈને તૈયાર નથી કરાઈ. અને જો તેને ધ્યાનમાં રાખીને યોજનાઓ ગોઠવે તો પણ તેનું યોગ્ય મૂલ્યાંકન કરતા નથી.

હાઇડ્રોપાવરનું આયુષ્ય કેટલું?!

દુનિયાભરમાં ઍક્ટિવ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ અન્ય એક સમસ્યા સામે લડી રહ્યા છે. અને તે છે તેમનું આયુષ્ય! યૂનાઇટેડ નેશન્સ યૂનિવર્સિટીના અભ્યાસ મુજબ ડેમનું આયુષ્ય 50થી 100 વર્ષ સુધીનું હોય છે. એટલે કે આટલા વર્ષો ડેમનો ઉપયોગ થઈ શકે છે. સ્ટડી મુજબ તે જેટલા પુરાણા છે તેટલા જ નબળા સાબિત થાય છે. તેની પ્લાન્ટ માટે કામ ન આવવાની શક્યતા વધી જાય છે. સ્ટડીનું કહેવું છે કે 25-30 વર્ષ બાદ ડેમની જાળવણી માટેનો ખર્ચ વધતો જાય છે. કાઉન્ટર કરેન્ટ નામના એક જર્મન એનજીઓ સાથે જોડાયેલા થિલો પાપાએક મીડિયા સાથેની વાતચીતમાં જણાવે છે કે, વધતા ખર્ચને નજર સામે રાખીએ તો ફૉસિલ ફ્યુઅલને બદલે હાઇડ્રોપાવર પ્લાન્ટમાં રોકાણ કરવું વિનાશક સાબિત થઈ શકે છે.

થિલો પાપાએક જણાવે છે કે, હાઇડ્રોપાવર પ્લાન્ટ માત્ર આસપાસના ઇકોસિસ્ટમને નુક્શાન નથી પહોંચાડતા, બલ્કે તે લોકો માટે પણ જોખમકારક સાબિત થઈ શકે છે. કેમ કે, તે નીચાણવાળા વિસ્તારમાં થતા કાંપને અટકાવે છે. તેઓ કહે છે, અમુક નદીના કિનારે કાંપવાળી જમીન નથી હોતી. એવામાં તે નદી ડેમની પાછળના ભાગને ઊંડો ખોદી નાખે છે અને પાણી ત્યાં જમા થાય છે. ભારે વરસાદ પડતા, જ્યારે તળાવમાંથી પાણી છોડવામાં આવે છે, ત્યારે આ નદી ધક્કાથી બહાર આવે છે. આના કારણે નજિકના વિસ્તોરામાં પૂરનું જોખમ વધી જાય છે.

મોટા બંધનો વિકલ્પ

ફ્રેન્કફર્ટની ગોએઠે યૂનિવર્સિટીમાં ઈકોસિસ્ટમ સાયન્સના પ્રોફેસર તથા સેન્કેનબર્ગ સોસાયટી ફૉર નેચર રિસર્ચના ડિરેક્ટર જનરલ ક્લેમેટ ટોક્નર જણાવે છે કે, એ સાચું છે કે ભવિષ્યમાં હાઇડ્રોપાવર વિના આપણે ટકી શકીશું નહીં, પરંતુ પ્રશ્ન એ છે કે, આપણે બંધ ક્યાં બનાવીશું? કેવી રીતે બનાવીશું અને તેને ઑપરેટ કઈ રીતે કરીશું?

ક્લેમેટ ટોક્નરનું માનવું છે કે હાલના સંરક્ષિત વિસ્તારોમાં, જ્યાં નદીઓ મુક્તપણે વહે છે ત્યાં, ડેમ ન બાંધવા જોઈએ. અને ડેમ દ્વારા ઇકોસિસ્ટમ પર પડતા નકારાત્મક અસરની ભરપાઈ તથા પર્યાવરણ સંતુલન પણ જાળવી રાખવાની પૂરતી કોશિશ કરવી જોઈએ. જેમ કે, અવરોધરૂપ જળમાર્ગને ફરી બનાવવા અને ત્યાંના બંધને દૂર કરવા. નવા બંધ એ રીતે બનાવવા જોઈએ કે ત્યાંની નદી પારદર્શક અને ચોખ્ખી રહે. જેથી નીચાણવાળા વિસ્તાર બાજુ માછલીઓ તરી શકે અને કાંપ સરળતાથી વહી શકે. અને પૂર દરમ્યાન મોટા પ્રમાણમાં પાણી છોડી શકાય.

ઇન્ટરનૅશનલ વૉટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુટ (IWMI)ના હાઇડ્રોલોજિસ્ટ સ્ટેફન ઉહલેનબ્રુક એક મીડિયાને જણાવે છે કે, આનો અર્થ એ થયો કે પાણીના પ્રવાહની ગતિને અસર ન થવી જોઈએ અને નદી પાસે પૂરતા પ્રમાણમાં પાણી અને પૂર અસરગ્રસ્ત જમીન હોવા જોઈએ. જરૂરી હોય તો કાંપને યાંત્રિક રીતે પણ પાછા નદીના માર્ગમાં નાખી દેવા જોઈએ.

માત્ર ટેક્નોલૉજીથી કંઈ નહીં થાય

મોટા બંધના ભવિષ્યને લઈને આટલા પ્રશ્નો છે તો સામે તેના વિકલ્પો પણ છે. જેમ કે, નદીની વચ્ચે ઇનસ્ટ્રીમ ટર્બાઈન ગોઠવવામાં આવે છે અને તેના દ્વારા વીજળી પેદા કરવામાં આવે છે. આમ કરવા માટે મોટાપાયે બાંધકામની આવશ્યકતા નથી રહેતી અને પાણીનું સ્તરે ઘટે તો પણ કામ ચાલુ રાખી શકાય છે. જોકે, આવા ટર્બાઇન દુરના વિસ્તાર માટે વધુ યોગ્ય છે, પરંતુ મહાનગરોમાં પાણી નથી પહોંચાડી શક્તા. બીજું ઉદાહરણ મ્યુનિખની ટેક્નિકલ યૂનિવર્સિટી ખાતે આવેલું શાફ્ટ હાઇડ્રોપાવર પ્લાન્ટનું છે. પૂર સામે રક્ષણ મળે તથા લાંબા સમય સુધી દમખમ રહે એ હેતુથી તેને બાંધવામાં આવ્યો હતો. જર્મનીના બાવરિયા વિસ્તારમાં પાયલટ પ્લાન્ટ ઊભો કરાયો છે જેના દ્વારા 800 ઘરમાં વીજળી પહોંચી રહી છે, પરંતુ આ બધી ભલે ટેક્નોલૉજી નવી હોય, તે એકલી લાંબા સમય સુધી ચાલનારા દુષ્કાળથી થતા નુક્શાનને રોકી શક્તી નથી.

શું છે ઉપાય?

ઈકોસિસ્ટમ સાયન્ટિસ્ટ ટોક્નર જણાવે છે કે, આપણે જમીનનો અલગ રીતે ઉપયોગ કરીને દુષ્કાળની અસર ઓછી કરી શકીએ છીએ. અર્ધ-પ્રાકૃતિક જંગલ અને વેટલેન્ડ પાણીનો સંગ્રહ કરે છે, જે દુષ્કાળના સમયમાં છોડે છે. આપણે તે જોવું પડશે કે નેચર ફ્રેન્ડલી પગલા દ્વારા આપણે કઈ રીતે દુષ્કાળ અને પુરની પરિસ્થિતીને અવરોધી શકીએ છીએ. તેઓ સાથે એ પણ ઉમેરે છે કે, વાતાવરણમાં સિઝનલ ફેરફારો અત્યંત અને એક્સ્ટ્રીમ થાય છે. માટે હાઇડ્રોપાવરના લાંબા સમય સુધી ઊર્જાનો વિશ્વસનીય સ્ત્રોત નહીં રહી શકે.

Related posts

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!