GSTV

Teachers’ Day / શિક્ષણવી વાત આવે તો ફિનલેન્ડ છે જગતમાં નંબર વન, તેનાં સર્વોત્તમ એજ્યુકેશનના 13 કારણો

ફિનલેન્ડ

આજે ટિચર્સ ડે-શિક્ષક દિન ઉજવાય છે. આજના શિક્ષક દિવસે વાત કરીએ સર્વોત્તમ શિક્ષણ આપતા દેશોની. બેસ્ટ એજ્યુકેશન પોલિસી ધરાવતા દેશોનું ગમે તે લિસ્ટ તૈયાર થાય તો પણ ફિનલેન્ડ એમાં પ્રથમ ક્રમે જ હોય છે. જાણીએ તેના 13 કારણો

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ સહિતની વૈશ્વિક સંસ્થાઓ નિયમિત રીતે શિક્ષણ અંગેનો રિપોર્ટ તૈયાર કરે છે. કોરોનાને કારણે હમણાં આવા રિપોર્ટ્સને બ્રેક લાગેલી છે. પણ 2018માં ભરાયેલી વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠકમાં જગતની શિક્ષણ વ્યવસ્થા અંગે અહેવાલ રજૂ થયો હતો. એ અહેવાલમાં ક્યાંની શિક્ષણ વ્યવસ્થા ઉત્તમ છે, તેનું લિસ્ટ આપવામાં આવ્યુ છે. એ લિસ્ટમાં પહેલો ક્રમ ફિનલેન્ડનો છે. ફિનલેન્ડ એજ્યુકેશનના મામલે પહેલા ક્રમે આવ્યું હોય એવુ આ પહેલું લિસ્ટ નથી. ઈન-ફેક્ટ દરેક આંતરરાષ્ટ્રીય લિસ્ટમાં ફિનલેન્ડ જ પ્રથમ ક્રમે આવે છે. કારણ કે,,

1. પ્રેરણા આપતી શિક્ષણનીતિ

ફિનલેન્ડે લગભગ ચાર દાયકા પહેલા નવી શિક્ષણ નીતિ અપનાવી. એ નીતિ પ્રમાણે વિદ્યાર્થીઓને બંધિયાર બનાવાનું પ્રમાણ સાવ મર્યાદિત કરી દીધું. ભણતર માથે મારવાને બદલે વિદ્યાર્થી ભણવા પ્રેરાય એ પ્રકારની જસિસ્ટમ વિકસાવી.

2. સાત વર્ષ પછી જ ભણતર

સાત વર્ષનું બાળક ન થાય ત્યાં સુધી સ્કૂલ શરૃ થતી નથી. એટલે બાળકને બાળપણના ભોગે ભણવાનું થતું નથી. રમવામાં પૂરતું ધ્યાન આપ્યા પછી જ તેનું શિક્ષણકાર્ય શરૃ થાય છે. બાળક ત્યાં સુધીમાં ભણવા માટે માનસિક પણ તૈયાર હોય છે. આપણે અઢી વર્ષથી એ શરૃઆત કરી બાળપણ અને શિક્ષણ બન્નેની હત્યા કરી નાખીએ છીએ.

3. પહેલી પરીક્ષા 16 વર્ષે

વિદ્યાર્થીની ઊંમર 16 વર્ષની ન થાય ત્યાં સુધી કોઈ પરીક્ષા ફરજિયાત આવતી નથી. પરીક્ષા આવે પણ આપવી ન આપવી એ વિદ્યાર્થીએ નક્કી કરવાનું. પરીક્ષાના આધારે આગલા ધોરણમાં ચડાવાની સિસ્ટમ પણ નથી. હાઈસ્કૂલ સમકક્ષની એ પરીક્ષા નેશનલ મેટ્રીક્યુલેશન એક્ઝામ તરીકે ઓળખાય છે.

4. ભણવા સાથે કામનો પણ વિકલ્પ

16 વર્ષે ત્રણ વિકલ્પ મળે, અપર સેકન્ડરી સ્કૂલ, વોકેશનલ એજ્યુકેશન અને સીધા કામે વળગી જવું. 5 ટકા કરતા ઓછા વિદ્યાર્થી એવા પણ છે, જે 16 વર્ષ પછી ભણવાને બદલે કામ શરૃ કરવાનું પસંદ કરે છે.

5. શિક્ષકો વારંવાર બદલાતા નથી

સતત છ વર્ષ સુધી બાળક એક જ શિક્ષક પાસેથી શિક્ષણ મેળવતું રહે છે. શિક્ષક સાથે તેનું ટ્યુનિંગ સારું બની જાય છે અને ભણતર એ બાળકને સજાને બદલે મજા લાગવા લાગે છે. એ પછી જરૃર પડે ત્યારે જ શિક્ષક બદલાય છે. શિક્ષણ પ્રથા એવી કે શિક્ષકોને પણ વિવિધ ધોરણના બાળકોને ભણાવવા અઘરાં નથી પડતાં.

6. ભણવાનો સમય ઓછો, શીખવાનું વધુ

સ્કૂલિંગ સિસ્ટમાં દરેક વાત ઓછી રાખવાનું મહત્ત્વ છે. જેમ કે ભણવાનો સમય ઓછો એટલે કે સવારે 9થી 10 વચ્ચે શરૃ થાય બપોરે 2થી 3 વચ્ચ પૂરી થાય. એ દરમિયાન વચ્ચે 75 મિનિટની રિશેષ આવે. આખો દિવસમાં ચારથી વધુ પિરિયડ લેવામાં ન આવે. એક ક્લાસમાં 16થી વધુ વિદ્યાર્થી નહીં, એટલે ખોટી ભીડ ન થાય. સાવ ઓછુ હોમવર્ક આપવામાં આવે, જેથી ઘરે ગયા પછી વિદ્યાર્થી પર ભણતરનો ભાર ન રહે. આમ કરો, તેમ કરો એવી સૂચના આપવાને બદલે પ્રેક્ટિકલ કામગીરી પર વધુ સમય આપવામાં આવે, સૂચના આપવા પાછળ ઓછો. હોવર્કમાં પણ કંઈ લખીને લાવવાને બદલે કંઈ કરીને એટલે કે પ્રેક્ટિકલ કામગીરી પર વધુ ફોકસ કરવામાં આવે છે. ઘણા બધા વિષય એક સાથે ભણાવવાને બદલે ઓછા વિષય પણ ઊંડાણપૂર્વક ભણાવામાં આવે.

7. કોઈ ખાનગી શાળાઓ નહીં

આપણે ત્યાં શિક્ષણ સિસ્ટમ ખાનગી હાથોમાં છે, શિક્ષણ વિભાગ અને મંત્રાલયની હાલત કઠપૂતળી જેવી ગઈ છે. ફિનલેન્ડમાં આખી શિક્ષણ સિસ્ટમ સરકારી છે, કોઈ ખાનગી શાળા નથી. માટે ખાનગી શાળાના આગમન સાથે આવતા દૂષણોને પ્રવેશ મળ્યો નથી. સ્પર્ધા, અમારા વિદ્યાર્થી બેસ્ટ, તમારા નબળા, અમારી સ્કૂલ ઈન્ટરનેશનલ વગેરે ભ્રમ અહીં ફેલાવાતો નથી.

8. બધા વિદ્યાર્થી એક સમાન

શિક્ષણ શરૃ થયા પછી પહેલા છ વર્ષ સુધી વિદ્યાર્થીઓને કોઈ રીતે ચડિયાતા કે ઉતરતા એવા લેબલ આપવામાં આવતા નથી. બધા સમાન છે, એમ માનીને જ ચાલવામાં આવે છે. સ્પર્ધાનું તત્વ ઘૂસાડીને ભણતર બગાડવામાં નથી આવતું. સ્પર્ધા જરૃરી છે, જે 16 વર્ષ પછી પ્રવેશે છે. એ પહેલા કોઈ જાતના રેન્કિંગ, સ્કૂલના રેન્કિંગ, બેસ્ટ ટિચર્સ એવા કોઈ ભાગ પડતાં નથી.

9. ભાષાનું મહત્વ

પ્રથમ 3 વર્ષ શુધી ફિનિશ ભાષામાં શીક્ષણ મળે છે. 10મા વર્ષ પછી ફિનલેન્ડની બીજી સત્તાવાર ભાષા સ્વીડિશ શીખવાય છે. 13 વર્ષ પછી વિદ્યાર્થીને ત્રીજી એટલે કે અંગ્રેજી ભાષા શીખવાય છે. આગળના શીક્ષણ માટે પ્રથમ બે ભાષાની જ ટેસ્ટ લેવાય છે.

10. શિક્ષકોને ઊંચો પગાર અને દરજ્જો

શિક્ષકો ઉત્તમ બની રહે એટલા માટે તેમને ક્લાસમાં 4 કલાક પસાર કરવાના, બે કલાક બહાર રહી પોતાની આવડત વધે એ માટે અભ્યાસ કરવાનો. અહીં દરેક શિક્ષક કોલેજના બેસ્ટ ગ્રેજ્યુએટમાંથી પસંદ કરવામાં આવે છે. માસ્ટર ડીગ્રી વગર શિક્ષક બની શકાતું નથી. શિક્ષકોને ડોક્ટર અને એન્જિનિયરની સમકક્ષ ગણવામાં આવે છે. વર્ષે 30 હજાર ડોલર જેવુ માતબર વળતર પણ શિક્ષકોને મળે છે. ભારતમાં શિક્ષકો છાશવારે વિવિધ પ્રકારના આંદોલનો કરતા રહે છે. દરેક વખતે શિક્ષકો સાચા હોય એવુંય નથી. પણ ભારતમાં મોટા ભાગના યુવક-યુવતીઓને શિક્ષક બનીને ભણાવવા કરતાં નોકરી કરવામાં વધુ રસ હોય છે.

11. શિક્ષકો નક્કી કરે એ શિક્ષણ

શિક્ષણ પ્રથા છે, પણ શિક્ષકને મન પડે તો એ પ્રથાને પડતી મૂકી પોતાની રીતે ભણાવી શકે. એ માટે સરકારનું કોઈ દબાણ નથી. વિદ્યાર્થીના હિતમાં હોય એ રીતે જ શિક્ષણ ચાલવુ જોઈએ એ એક જ નિયમ છે. બાકીના બધા નિયમ તોડવાની છૂટ છે. હકીકતે ફિનિશ એજ્યુકેશન સિસ્ટમ નિયમ તોડીને આગળ વધવા પર જ ભાર આપે છે. શિક્ષકો પ્રયોગશાળા તૈયાર કરવા માંગતા હોય તો પણ સરકાર તુરંત મદદ કરે છે.

12. કોલેજ શિક્ષણ મફત

કોલેજમાં શિક્ષણ માટે ઊંચી કે નીચી કોઈ પ્રકારની ફી ભરવાની થતી નથી. સરકાર જ એ બધો ખર્ચો મેનેજ કરે છે. ભારતમાં તો કોલેજની ફી રાત-દિવસ વધતી જાય છે. એટલે લોનના બોજ તળે દબાવાની સ્થિતિ ઉભી થઈ ગઈ છે. અહીં શિક્ષણ એ માનવાધિકાર ગણવામાં આવ્યો છે.  

13. સ્કૂલમાં જ સુવિધાઓ

વિદ્યાર્થીઓને સ્કૂલમાં જ ભોજન આપવામાં આવે છે. બાળકોને બહારથી કંઈ લઈને ખાવાની જરૃર નથી. બાળકોને જરૃરી આરોગ્ય સેવા ત્યાં જ મળી રહે છે. સાયકોલોજિકલ કાઉન્સેલિંગ કરવામાં આવે છે. દરેક બાળકને તેની જરૃરિયાત પ્રમાણે વ્યક્તિગત માર્ગદર્શન મળે છે. તો વળી યુરોપના ઉત્તર ભાગમાં આવેલો નાનકડો દેશ ફિનલેન્ડ માત્ર અમદાવાદ જેટલી એટલે કે 55 લાખની જ વસતી ધરાવે છે. સફળ શિક્ષણનું એક કારણ મર્યાદિત વસતી છે.   

આવી સર્વગ્રાહી નીતિ અને સરકારના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને કારણે ફિનલેન્ડનું શિક્ષણ જગતમાં પ્રથમ ક્રમે રહે છે. આપણે ત્યાં શિક્ષણના નામે કેવાં કેવાં ધુપ્પલ ચાલે છે  સૌ જાણે છે. શિક્ષણમાં પરંપરાગત ભારતીય રમતો અને રમતના મેદાનોને બદલે મોટા બિલ્ડિંગોને મહત્વ અપાય છે. માતૃભાષાને બદલે પાછળ ઈન્ટરનેશનલ છોગા ધરાવતી સ્કૂલો વાલીઓને વધારે મહત્વની છે. બાળકના માર્ક કે ગ્રેડ એ મળે એ માતા-પિતા માટે સંતોષને બદલે સ્ટેટ દેખાડવાનો વિષય બને છે. એ સંજોગોમાં આપણી શિક્ષણ પ્રથા ન વિકસે એમાં શી નવાઈ?

Related posts

કામની વાત/ LPG સિલિન્ડરમાં કોઇ સમસ્યા હોય તો મળશે પૂરા 50 લાખનો ફાયદો! ફટાફટ જાણો કેવી રીતે

Bansari

ખુશખબર/ હવે આ મહિલા કર્મચારીઓને મળશે 2 દિવસની Period Leave, અહીં જાણો તમામ જાણકારી

Damini Patel

છેલ્લાં કેટલાંય વર્ષોથી ગ્રંથપાલની ભરતી ન થતા ડિગ્રીધારકોની સ્થિતિ કફોડી, વારંવાર રજૂઆત કરતા બેરોજગારો અકળાયાં

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!