GSTV
GSTV લેખમાળા Trending

લેખમાળા / CRPCની કલમ 151 મુજબ અટકાયત, પોલીસની મનસ્વી સત્તાનું ધારદાર હથિયાર બૂમરેંગ કેમ બનતું નથી?

કનુભાઈ બી રાઠોડ ( નિવૃત્ત એડિશ્નલ ડિસ્ટ્રિક્ટ જજ ) : ક્રિમિનલ પ્રોસીજર કોડ નામના કાયદામાં આ કલમની વાત કરવામાં આવી છે. આ કલમ હેઠળ પોલીસ અધિકારીને કોઇ પણ વ્યક્તિની ધરપકડ કરી 24 કલાક અટકાયતમાં રાખવાની સતા આપવામાં આવી છે.

કલમ 151નો અર્થ એવો થાય છે કે કોઈ પોલીસ અધિકારીને કોગ્નીઝેબલ ગુનો બનવાની જાણ હોય અને એમ જણાય કે આવો ગુનો  કરનારને બીજી રીતે અટકાવી શકાય તેમ નથી તો જે તે ગુનો કરવાની યોજના કરનારની ધરપકડ કરી શકે છે. ધરપકડ કરતા પહેલા પોલીસને મેજીસ્ટ્રેટના હુકમની કે વોરંટની જરુર નથી. આવી વ્યક્તિને ધરપકડ કર્યા પછી પોલીસ 24 કલાક પોતાની કસ્ટડીમાં રાખી શકે છે. 

કેવી વિચિત્ર છે પોલીસને આપવામાં આવેલ આ સતા ! આ સતા નાગરીક સમાજ માટે આશિર્વાદ રુપ છે અને ઘાતક/નુકસાનકારક પણ છે. આ કલમ 151ને ઘણી વખત ગેરબંધારણીય ઠરાવવા માટે સુપ્રીમ કોર્ટ સમક્ષ પડકારવામાં આવેલ છે. છતા સુપ્રીમ કોર્ટે તેને રદ કરેલ નથી. એટલે પોલીસની આ કલમ નીચેની સતાને ગેરકાયદેસર કે ગેરબંધારણીય કહી શકાય નહીં.

કલમ 151 અને કલમ 107, 111 બંને પરસ્પર સંકળાયેલ છે. પોલીસને એમ લાગે કે કલમ 151 હેઠળ અટક કરેલ શખ્સ જાહેર શાંતિનો ભંગ કરી સુલેહભંગ ભંગ કરે એમ છે તો તે વ્યકિત વિરુદ્ધ એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ ચેપ્ટર કેસ કરી શકે છે અને એકઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ કાયદેસર કાર્યવાહી અનુસરી એક વર્ષના યોગ્ય રકમના જામીન લેવાનો હુકમ કરી શકે છે. પરંતુ ઘણી વખત પોલીસ જે તે વ્યકિતને ચોવીસ કલાક કસ્ટડીમાં રાખી મુક્ત પણ કરી શકે છે.

આપણા દેશની પોલીસની મોરાલીટી/નીતિમત્તાના સ્તર વિશે હંમેશા ટીકાઓ થાય છે. નામદાર સુપ્રીમ કોર્ટના અમુક ચુકાદાઓમાં પોલીસની કામગીરીની ટીકાઓ થયેલ છે. તે જોતા પોલીસ મોટા ભાગે મનસ્વી રીતે, આપખુદીથી અને સતા પક્ષ, સરકાર અને વહીવટીતંત્રના ઇશારે કોઇ કાયદેસર માંગણીઓ કરનાર લોકો કે સરકારની અમુક નીતિ વિરુદ્ધ વિરોધ કરનાર લોકોને ડામી દેવા પોલીસ કલમ 151નો દુરુપયોગ કરી ખોટી રીતે ધરપકડ કરી 24 કલાક કસ્ટડીમાં ગોંધી રાખી આવા લોકોના નાગરીક સ્વાતંત્ર્યના બંધારણીય હક્ક છીનવી લેતી હોય છે. પોલીસ મોટાભાગે ભષ્ટાચારી વૃત્તિથી, અમુક વગદાર લોકોના કે કોઇના અંગત બીજા આર્થિક કે કૌટુંબિક મામલામાં એક પક્ષના હાથા બની બીજા પક્ષ પર આ કલમ 151નો આશરો લઈ ખોટી રીતે અટક કરી લાંચ રુશ્વતખોરી પણ કરતી હોય છે. બીજા અનેક કારણોસર પોલીસ કલમ 151નો ખોટી રીતે ઉપયોગ કરી ધરપકડ કરતી હોવાના કિસ્સાઓ બને છે.

મોટાભાગે પોલીસ જેની આ કલમ હેઠળ ધરપકડ કરે તે વખતે લેખીતમાં ધરપકડ કર્યાનો સમય ઇરાદાપૂર્વક નોંધતી હોતી નથી. જેથી 24 કલાક કરતા વધુ સમય સુધી કસ્ટડીમાં રાખી પોલીસ પોતાનું ધાર્યુ કરી શકે. અથવા પોતાનો મલિન ઈરાદો પાર પાડી શકે જે વ્યક્તિની ધરપકડ કરી હોય તે પોલીસ સમક્ષ પોલીસ સ્ટેશનમાં રજુઆત કરતા ડરતા હોય છે. 

હકીકતમાં બંધારણના આર્ટીકલ 22 મુજબ ધરપકડ કરાયેલ વ્યક્તિને ધરપકડ કરવાના કારણો જણાવવાની પોલીસની ફરજ છે. અને જેની ધરપકડ થઈ હોય તે વ્યક્તિને કારણો જાણવાનો બંધારણીય મૂળભૂત અધિકાર છે. પરંતુ પોલીસ તેનો અમલ જ કરતી નથી. જે તે ને ધરપકડના કારણો જણાવતા જ નથી. મોટા ભાગે આવું જ છે. આ દેશમાં બંધારણીય મૂળભૂત અધિકારોનો ભંગ તો આ દેશનું પોલીસ તંત્ર જ કરે છે. નાગરીકોના રક્ષણ માટે કહેવાતુ રક્ષક એવું પોલીસ તંત્ર જ તેનો ભંગ કરે છે.

આ કલમનો ઉપયોગ કરવા માટેની પૂર્વ શરત એ છે કે, કોઈ વ્યકિત કોઈ કોગ્નીઝેબલ ગુનો કરવાની યોજના કે તૈયારી કરી રહી છે અને તેની ધરપકડ કરે તો જ ગુનો બનતો અટકશે અન્યથા નહીં તો જ જે-તે વ્યક્તિની ધરપકડ કરાય બીજી રીતે કહીએ તો ધરપકડ કરવામાં આવશે તો જ કોગ્નીઝેબલ ગુનો બનતો અટકશે તેવો પોલીસને વ્યકિતલક્ષી સંતોષ (subjective satisfaction) થવો જરુરી છે. 

હવે, જે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી તે કોગ્નીઝેબલ ગુનો કરવાની તૈયારી કે યોજના બનાવી રહેલ છે તેનો નિર્ણય પોલીસે બુદ્ધિથી અને કુનેહથી કરવાનો છે નહીં મનસ્વી રીતે. પોલીસનો આ નિર્ણય 24 કલાક અમલી રહે છે. 24 કલાકની ગણતરી પોલીસે ઉપર કહ્યું તેમ મનસ્વી કરવાની અને 24 કલાક જે વ્યક્તિને કસ્ટડીમાં રાખી તેને મુક્ત કર્યા પછી પોલીસે ઉપર જણાવ્યાનુસાર ખરેખર પેલી વ્યક્તિ કોગ્નીઝેબલ ગુનો કરે તેમ જ હતી કે કેમ? તે નક્કી કોણે કરવાનુ? તેને પડકારવા વારા કેટલા? જે વ્યક્તિને પોલીસે ધરપકડ કરી 24 કલાક કસ્ટડીમાં રાખીને 24 કલાક પછી ઓટોમેટિક છૂટી ગઈ તેમાંથી આ ધરપકડની કાયદેસરતા નક્કી કરાવવા કોઈ હાઇકોર્ટમાં કે સુપ્રીમ કોર્ટમાં ગયાના સાવ જૂજ કિસ્સાઓ હશે !

સામાન્ય રીતે સૌ કોઈ જાણે છે કે ઘણા વ્યકિતગત કે સામુહિક કિસ્સાઓમાં લોકો સરકાર કે વહીવટીતંત્ર સમક્ષ અન્યાયના કિસ્સાઓમાં, સરકારની અમુક નીતિઓ વિરુદ્ધ કે બીજી કોઈ વ્યાજબી માંગણીઓ માટે સરકારના પ્રતિનિધિઓ સમક્ષ આવેદનપત્ર આપવા કે રજુઆતો કરવા જાય ત્યારે તેઓને અટકાવવા કે ડામી દેવા પોલીસના વાહન આવી જે તે રજુઆત કરનાર વ્યક્તિઓ ને પોલીસ 151ના બહાના નીચે ધરપકડ કરી અટકાયતમાં રાખતી હોય છે. આમા જે તે વ્યક્તિ/ઓની કોગ્નીઝેબલ ગુનો કરવાની કોઈ તૈયારી કે યોજના હોતી નથી, છતાં છાસવારે આ કલમ 151નું શસ્ત્ર ઉપયોગમાં લેવાય છે તે સૌ કોઈ જાણે છે. 

નોંધ : GSTV લેખમાળા કેટેગરીમાં છપાયેલ લખાણમાં લેખકના પોતાના સ્વતંત્ર વિચારો છે.

GSTVના WhatsApp ગ્રુપમાં જોડાવા માટે આ લિંક પર ક્લિક કરો
https://chat.whatsapp.com/FlJNeW1uc19L5eP2UAglv3

GSTVની એપ ડાઉનલોડ કરવા આ લિંક પર ક્લિક કરો
https://play.google.com/store/apps/details?id=com.tops.gstvapps&hl=en&gl=US&pli=1

Read Also…

Related posts

છત્તીસગઢના નવા મુખ્યમંત્રી પર લાખો રૂપિયાનું દેવું, જાણો તેમની પાસે કેટલી છે સંપત્તિ

Hardik Hingu

શું વસુંધરા રાજેએ રાજસ્થાનમાં સર્જી સમસ્યા? ધારાસભ્ય પક્ષની બેઠક ટળી

Nelson Parmar

ભારતીય સેના AI સંચાલિત શસ્ત્રોનો કરશે ઉપયોગ, સરહદ નજીક લડાઈમાં દુશ્મનનો કરશે નાશ

Nelson Parmar
GSTV