GSTV
Home » News » ગુજરાતની 10 બેઠકો માટે હજી પણ કેમ ભાજપમાં છે ગૂંચવણ? આ રહ્યાં કારણો

ગુજરાતની 10 બેઠકો માટે હજી પણ કેમ ભાજપમાં છે ગૂંચવણ? આ રહ્યાં કારણો

ભાજપ દ્વારા અત્યાર સુધીમાં કુલ 16 ઉમેદવારોના નામ જાહેર કરાયા છે. ભાજપની પહેલી યાદીમાં ગાંધીનગર બેઠક પરથી અમિત શાહનું નામ જાહેર કરાયું હતું. ગુજરાતની બીજી યાદીમાં ભાજપે મોટા ભાગના સાંસદોને રિપીટ કર્યા છે. હજુ પણ 10 બેઠકો પર ઉમેદવારોના નામને લઇને કોકડું ગુંચવાયેલું છે.

ભાજપે ગુજરાતની ર૬માંથી ૧૬ બેઠકોના ઉમેદવારો જાહેર કર્યા છે. પરંતુ જે દસ બેઠકો બાકી રહી છે તેના કારણે રાજકારણ ગરમાયુ છે.આ દસ બેઠકોમાં અમદાવાદ પૂર્વ, બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, મહેસાણા, પોરબંદર, જૂનાગઢ, આણંદ, સુરત, છોટાઉદેપુર બેઠકનો સમાવેશ થાય છે. આ એવી બેઠકો છે જેની પર ક્યા ઉમેદવારને ઉભા રાખવા તેને લઇને કોકડું ગૂંચવાયુ છે.

અમદાવાદ પૂર્વ

અમદાવાદ પૂર્વ બેઠક પર પરેશ રાવલ જીત્યા હતા. જો કે હવે પરેશ રાવલે ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો છે તેમની જગાએ હવે કોને ટિકિટ આપવી તેનુ મનોમંથન હજુ ચાલી રહ્યુ છે. આ બેઠક પર છેલ્લે સીકે પટેલનુ પણ નામ ચર્ચાયુ છે.

બનાસકાંઠા

બનાસકાંઠામા હરિભાઇ ચૌધરી વર્તમાન સાંસદ છે. આ બેઠક માટે હરિભાઈ ચૌધરી અને પરથીભાઈ ભટોળ મજબૂત દાવેદાર મનાય છે..અગાઉ આ બેઠક માટે શંકર ચૌધરી અને પરબત પટેલનું પણ નામ ચર્ચામાં હતુ.પરંતુ હવે શંકર ચૌધરી, પરબત પટેલે પણ ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે.

પાટણ

પાટણ બેઠક પરથી હવે લીલાધર વાઘેલાને મોહભંગ થયો છે. લીલાધર વાઘેલા પોતાના દીકરાને વિધાનસભાની ટિકીટ આપવાના મુદ્દે ભાજપ હાઈકમાન્ડ સામે બાંયો ચડાવેલી. અત્યારે પણ પોતાની લોકસભા બેઠક બદલીને પોતાને બનાસકાંઠામાંથી ઉભો રાખવા લીલાધર વાઘેલા ઉધામા કરે જ છે. પાટણ બેઠક પર પૂર્વ સાંસદ નટુજી ઠાકોર, ભરતસિંહ ડાભી, ભાવસિંહ રાઠોડ અને જુગલ ઠાકોરના નામ ચર્ચામાં છે.

પંચમહાલ

તો પંચમહાલ બેઠક પર ઉમેદવાર પસંદગી ભાજપ માટે માથાનો દુખાવો બની છે. અહી વર્તમાન સાંસદ પ્રભાતસિંહ ચૌહાણની સાથે સી.કે. રાઉલજી, તુષાર રાઉલ અને નિમિષાબહેન સુથાર રેસમાં છે. આ બેઠકમાં પ્રભાતસિંહ સામે સ્થાનિક સ્તરે પણ અનેક ફરિયાદો થયાની વાત નિરીક્ષકોએ કહી હતી.  

મહેસાણા

પાટીદારોના ગઢ ગણાતી મહેસાણા બેઠકમાં વર્તમાન સાંસદ જયશ્રી પટેલ પૂર્વ પ્રધાન રજની પટેલ, ભાજપના મહામંત્રી કે.સી.પટેલ તથા પાટીદાર અગ્રણી સી.કે.પટેલ પણ લોકસભા ટિકિટની રેસમાં જોવા મળી રહ્યા છે..

પોરબંદર

પોરબંદર બેઠક પર આ વખતે નાદુરસ્ત તબિયતને કારણે વિઠ્ઠલ રાદડીયા ચૂંટણી નથી લડવાના. જો કે તેમના બદલે પુત્ર લલિત રાદડીયાનું નામ પેનલમાં આવ્યું છે. આ ઉપરાંત જશુબહેન કોરાટ અને મનસુખ ખાચરીયાનું નામ પણ પેનલમાં છે.જો કે વિઠ્ઠલ રાદડિયાનાં પુત્ર અને રાજ્ય સરકારમાં મંત્રી જયેશ રાદડિયાએ પણ લોકસભા ચૂંટણી લડવાની ઇચ્છા બતાવી હતી.

જૂનાગઢ

જૂનાગઢ બેઠક પર સાંસદ રાજેશ ચુડાસમા સાથે ત્રણ નામો પેનલમાં સામેલ કરાયા છે. શૈક્ષણિક ક્ષેત્રના આગેવાન જી.પી.કાઠી, કોળી આગેવાન કરસન સાગઠિયા અને પૂર્વ મેયર જ્યોતિ વાછાણી ઉમેદવારોની પેનલમાં સામેલ છે.

આણંદ

તો આણંદ બેઠક પર વર્તમાન સાંસદ દિલીપ પટેલ પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. પૂર્વ ઉદ્યોગ મંત્રી દિલીપ પટેલ તથા પૂર્વ સાંસદ  દિપક સાથીએ દાવેદારી નોંધાવી છે.

સુરત

જ્યારે સુરતમાં સાંસદ દર્શના જરદોષ ઉપરાંત સુરત શહેર પ્રમુખ નીતિન ભજીયાવાલા, પૂર્વ મેયર અજય ચોકસી અને મહિલા અગ્રણી દર્શીની કોઠિયાએ દાવેદારી નોંધાવી છે.

છોટાઉદેપુર

છોટાઉદેપુર બેઠક પરથી વર્તમાન સાંસદ રામસિંહ રાઠવા ઉપરાંત જયંતિ રાઠવા, જશુભાઈ રાઠવા, ગીતાબેન રાઠવાનું નામ રેસમાં છે. જયંતિ રાઠવા પૂર્વ ધારાસભ્ય તથા સંસદિય સચીવ છે. તો જશુભાઈ રાઠવા જીલ્લા પ્રમુખ છે. જ્યારે ગીતાબેન રાઠવા જીલ્લા પંચાયતના સદસ્ય છે.

READ ALSO  

Related posts

દુનિયાના 80 કરોડ લોકો કુપોષણનો શિકાર, બાળકોમાં સૌથી વધુ પ્રમાણ

Mayur

અમદાવાદ : કટરથી ATM મશીન તોડી ચોરો 9 લાખ રૂપિયા લઈ રફુચક્કર

Arohi

ગુજરાત : આ કાર ચાલકે ટ્રાફિકના તમામ નિયમો તોડવાનો રચ્યો કિર્તીમાન, મળ્યા 111 મેમો

Arohi
Do NOT follow this link or you will be banned from the site!