પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં થતા વધારાની અસર મોંઘવારી દર પર જોવા મળી છે. ઓગસ્ટ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર 4 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે.
મોંઘવારીને ઘટાડવાના પ્રયાસમાં સરકારને વધુ એક વખત નિષ્ફળતા હાથ લાગી છે. ઓગસ્ટ મહિનામાં જથ્થાબંધ મોંઘવારી દર ચાર મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે. શાકભાજી અને અન્ય ફુડ આઈટમ્સના ભાવમાં વધારો થતા જથ્થાબંધ મોંઘવારી દર 3.24 ટકાની સપાટીએ પહોંચી ગયો છે. આ ઉપરાંત પેટ્રોલની કિંમતોમાં પણ વધારાની અસર મોંઘવારી દરના આંકડા પર પડી છે. જુલાઈમાં જથ્થાબંધ મોંઘવારી દર 1.88 ટકાની સપાટીએ હતો.
કોમર્સ મંત્રાલય દ્વારા રજૂ કરાયેલા જથ્થાબંધ મોંઘવારી દરના આંકડા અનુસાર ઓગસ્ટમાં ડુંગળીના ભાવમાં સૌથી વધુ વધારો થયો છે. તો બીજી તરફ ફૂડ આર્ટિકલ્સનો મોંઘવારી દર 2.15 ટકાથી વધીને 5.75 ટકા થયો છે. જથ્થાબંધ મોંઘવારી દરમાં ખાદ્ય ચીજોની હિસ્સેદારી 15.25 ટકા છે. જુલાઈની જેમ ઓગસ્ટમાં પણ શાકભાજીના ભાવમાં વધારો નોંધાયો છે. જુલાઈમાં શાકભાજીનો મોંઘવારી દર 21.95 ટકા હતો જે વધીને 44.91 ટકાની સપાટીએ પહોંચી ગયો છે.
ઉપરાંત ફળોનો મોંઘવારી દર 2.71 ટકાથી વધીને 7.35 ટકા થયો છે. ઓગસ્ટમાં પ્રોટીન પ્રોડક્ટ્સનો મોંઘવારી દર 3.30 ટકા વધીને 3.93 ટકાએ પહોચ્યો છે. જો કે, ખનીજોના મોંઘવારી દરમાં ઘટાડો નોંધાયો છે. પરંતુ ફ્યુઅલ અને પાવર સેગમેન્ટમાં સતત ભાવ વધારો જોવા મળી રહ્યો છે. પેટ્રોલનો મોંઘવારી દર 9.60 ટકાથી વધીને 24.55 ટકા થયો છે.જ્યારે મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટની મોંઘવારી 2.18 ટકાથી વધીને 2.45 ટકા થઈ છે. સતત વધતા મોંઘવારી દરે આમ આદમીની સાથે સાથે સરકારની પણ ચિંતા વધારી દીધી છે.