ગુજરાતની એક એવી સીટ જ્યાં ભાજપ છેલ્લા 30 વર્ષોથી નથી હાર્યું, તો પણ ભાજપ કેમ કાપી રહ્યું છે આ સ્ટાર ઉમેદવારનું પત્તુ!

ગુજરાતમાં આગામી લોકસભા ચૂંટણીની લઈને હલચલ તેજ થઈ ગઈ છે. બંને મોટી પાર્ટીઓ પોતપોતાના ઉમેદવારોની પસંદગીને લઈને પૂરજોષમાં કામગીરી કરી રહી છે. ગુજરાતની ઘણી બેઠકો એવી છે જ્યાં ઉમેદવાર કરતા પાર્ટીના નામે જ હાર-જીત નક્કી થાય છે.

તેવામાં આગામી લોકસભા ચૂંટણી પહેલા ચર્ચામાં છે અમદાવાદ પૂર્વની એ બેઠક જેના પર છેલ્લા 30 વર્ષોથી ભાજપનો દબદબો છે. કોંગ્રેસે આ બેઠક પોતાના નામે કરવાના ઘણાં પ્રયત્નો કર્યા પરંતુ આ બેઠક પરથી તેને જીત નથી મળી શકી.

વર્ષ 2014માં બૉલિવૂડ એક્ટર પરેશ રાવલને ભાજપ તરફથી આ બેઠક પરની ટીકીટ મળી, તેઓ ચૂંટણી લડ્યા અને સાંસદ બની ગયા. કોંગ્રેસના હિંમતસિંહ પટેલના મુકાબલે તેમને 3.26 લાખ મતોથી જીત મળી. પરંતુ, આ લોકસભા ચૂંટણીમાં પણ શું પરેશ રાવલને જ અમદાવાદ પૂર્વ બેઠક પરથી ટીકીટ મળશે તે સવાલ હાલ ચર્ચામાં છે. જોકે સાથે જ આ અંગેની શક્યતાઓ પણ ખૂબ ઓછી દેખાઈ રહી છે.

ભાજપના જ અગ્રણીઓના કહેવા પ્રમાણે ભલે પરેશ રાવલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નજીકની વ્યક્તિ ગણાતા હોય પરંતુ આ વખતે અમદાવાદ પૂર્વ બેઠક પરથી પરેશ રાવલને ટિકિટ મળે તેની શક્યતાઓ ખૂબ ઓછી છે. આ મતવિસ્તારના લોકોએ વારંવાર પોતાના સાંસદ અહીંના સ્થાનિક સવાલો અને સમસ્યાઓને સાંભળતા ન હોવાની ફરિયાદો કરી ચૂક્યા છે. જેને લઈને પાર્ટી ફરીથી પરેશ રાવલને ટિકિટ આપવામાં ખચકાઈ રહી છે. અમદાવાદ પૂર્વના લોકોએ એવી વારંવાર ફરિયાદો કરી છે કે પોતાના ક્ષેત્રના કામ પર ધ્યાન આપવાના બદલે પરેશ રાવલ મુંબઈમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ વ્યસ્ત રહ્યાં કરે છે.

કેટલાંક લોકોનું તો એમ પણ કહેવું છે કે પરેશ રાવલ અહીં આવવાની વાત તો છોડો પરંતુ કોઈનો ફોન પણ નથી ઉપાડતા. તે જ કારણે હવે આ લોકસભામાં સ્થાનિક ઉમેદવાર પર પસંદગીનો કળશ ઢોળાય તેવી શક્યતાઓ વધી ગઈ છે.

આ અગાઉ પૂર્વ અમદાવાદમાં ઘણી જગ્યાઓ પર, “અમારા સાસંદ ખોવાઈ ગયા છે, જે શોધી આપશે તેને ઈનામ અપાશે” તેવા પોસ્ટર્સ લાગી ચૂક્યા છે.

2009 સીમાંકન બાદ અમદાવાદ સીટને 2 સીટ્સમાં વહેંચી દેવાઈ. ધોળકાની બેઠક રદ્દ કરીને અમદાવાદ પૂર્વ અને અમદાવાદ પશ્વિમ એમ બે બેઠકો બનાવી દેવાઈ. અમદાવાદની મૂળ બેઠક તેવી પૂર્વ બેઠક પર છેલ્લે વર્ષ 1984માં કોંગ્રેસે જીત મેળવી હતી. ત્યારબાદ 1989થી આ સીટ પર ભાજપે પોતાની પકડ મજબૂત બનાવી છે.

2014 લોકસભામાં અમદાવાદની બંને બેઠકો પર ભાજપના ઉમેદવાર પરેશ રાવલ અને ડૉ.કિરીટ સોલંકીએ જીત મેળવી હતી. પરંતુ આ વખતે કહેવાઈ રહ્યું છે કે અમદાવાદની બંને બેઠક પર ઉમેદવારો બદલાઈ રહ્યાં છે.

પરેશ રાવલની જગ્યાએ ભાજપના એક પૂર્વ મેયરને ટિકિટ અપાઈ શકેછે જ્યારે અમદાવાદ પશ્વિમ બેઠક માટે વિધાનસભા પૂર્વ અધ્યક્ષ રમણ વોરાના નામની ચર્ચાઓ ચાલી રહી છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter