સટોડિયાઓના મતે જસદણમાં આ પાર્ટીનું પલ્લું ભારે, જાણો ઓછું મતદાન કોને “અવસર” આપશે

જસદણની પેટા ચૂંટણીમાં કોન બનશે કુંવર અને કોનો આવશે અવસર એ તો 23મીએ ખબર પડી જશે પણ જસદણની પેટા ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો મત સટ્ટોડિયા વ્યક્ત કરી રહ્યા છે. સટ્ટાબજારમાં કુંવરજીનો ભાવ 55-60 પૈસા અને કોગ્રેસના અવસર નાકીયાનો ભાવ રૂ.1.40 પૈસા ચાલી રહ્યો છે. સટ્ટા બજારમાં કુંવરજીભાઈ બાવળીયા અને કોંગ્રેસના અવસર નાકીયા પર મોટાપાયે સટ્ટો રમાયો છે. જો કે, આ પેટા ચૂટણીમાં સૌરાષ્ટ્ર સુધી સટ્ટો રમાયો હોવાનું સટ્ટોડીયા માની રહ્યા છે. ભાજપ અને કોંગ્રેસ માટે આ ચૂંટણી એ કરો યા મરો જેવી હતી. જેને જીતવા માટે બંનેએ એડીચૌટીનું જોર લગાવી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસના 70 ધારાસભ્યો મતદાન વધારવા માટે મેદાને ઉતર્યા હતા. જેઓના પ્રયત્નો સફળ રહ્યાં નથી. કારણ કે વર્ષ 2017માં થયેલા મતદાન કરતાં આ ચૂંટણીમાં મતદાનમાં ઘટાડો થયો છે. જસદણની પેટા ચૂંટણીમાં મતદાન દરમિયાન મોડલ સ્કુલ ખાતે ખોલાયેલા કંન્ટ્રોલરૃમમાં 42 ફરિયાદો મળી હતી. જેમાં 11 લેખીત હતી અને 31 ટેલીફોનિક મળી હતી. આ ફરિયાદો આચારસંહિતા ભંગ તેમજ મતદારોને લલચાવવા માટે પ્રયાસો, ધાક ધમકી આપવાની હતી.

કોંગ્રેસ અને ભાજપ માટે કાંટે કી ટક્કર જેવી ગણાતી જસદણની પેટા ચૂંટણીમાં 71.27 ટકા જેવું મતદાન થયું છે. મતદાન 2017ની સામાન્ય ચૂંટણી કરતા વધારે થાય તે રીતે દેખાવ બંને પક્ષેથી કરાયો હતો પણ મતદાન ગત 2017ની પેટા ચૂંટણી કરતા 2.17 ટકા જેવું ઓછું થયું છે. 2017 વિધાનસભા ચૂંટણીમાં જસદણની પેટા ચૂંટણીમાં 73.44 ટકા મતદાન નોંધાયું હતું અને તેમાં કુંવરજીભાઈ કોંગ્રેસ તરફેથી 9255 મતની સરસાઈથી જીત્યા હતા. આ વખતે 2.17 ટકા ઓછુ મતદાન ગત ચૂંટણી કરતા થયું છે જે કોને તારશે અને કોને ડુબાડશે તેનો ફેંસલો 23મીએ બપોરે 1 વાગ્યા સુધીમાં થઈ ગયો હશે. ઓછા મતદાનમાં બંને પક્ષેથી વિજયનો દાવો થયો છે.

બાવળીયાના ટેકેદારોએ 51 હજારની લીડનો દાવો કર્યો છે. કોંગ્રેસે પણ તોતીંગ લીડથી જીતવાનો દાવો કર્યો છે. મતદારોએ વહેલી સવારે લાઈનો લગાવી હતી તે જોતા 75 ટકાથી વધુ મતદાનનો અંદાજ બંધાયો હતો પણ મતદાન 71.27 ટકાએ અટકી ગયું હતું. આમ ઓછું મતદાન કોને ફાયદો કરાવશે એ તો રવિવારે ફાયનલ થઈ જશે. પણ ભાજપ અને કોંગ્રેસ બંનેને જીતની આશા છે. કોંગ્રેસ માટે ગ્રામીણ અને ભાજપ માટે શહેરી વિસ્તાર એ હુકમનો એક્કો છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter