ગુજરાતની રાજનીતિમાં કોણ-કોણ ઈતિહાસ બની ગયું ખબર તમને, તો વાંચો આ લેખ

લોકસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન ચાલી રહ્યું છે. ત્યારે પક્ષ પલટાને કારણે રાજકારણ ગરમાઈ રહ્યું છે. ચૂંટણી ટાણે જ નારાજ નેતાઓનો અસંતોષ જાહેરમાં આવે છે. ભાજપમાંથી ફેંકાઈ ગયેલા પૂર્વ નેતા બિમલ શાહે કોંગ્રેસનો હાથ પકડ્યો છે. જોકે ભાજપમાં ઘણાં એવા વિસરાતા ચહેરા છે જેમનો એક સમયે ડંકો વાગતો હતો.

ભાજપ આજે વિશ્વનો સૌથી મોટો રાજકીય પક્ષ બની ગયો છે. કરોડો કાર્યકર્તાઓની ફોજ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની રણનીતિ ભાજપને તારવી રહી છે. બિમલ શાહ ભલે કોંગ્રેસમાં જોડાય. તેમના જેવા ગુજરાતમાં એક સમયે જે નેતાઓનો ડંકો વાગતો હતો તેવા ઘણા નેતાઓ આજે વિસરાઈ ગયા છે. પહેલા આ ચહેરાની વાત કરીએ.

મહેન્દ્ર ત્રિવેદીઃ
કેશુભાઈ પટેલની સરકારમાં સાંસ્કૃતિક પ્રધાન પછી ગૃહ પ્રધાન થયા. ભાવનગરના બ્રાહ્મણ કેબિનેટ પ્રધાન હતા. ગુજરાતના યાત્રાધામ વિકાસ બોર્ડમાં ચેરમેન પણ રહી ચૂક્યા છે. પણ આજે ફેંકાઈ ગયા છે.

દિલીપ સંઘાણી:
આ એક અમરેલીનો ચહેરો છે જેઓ રાજ્ય સરકારમાં કૃષિપ્રધાન રહી ચૂક્યા છે. સંસદસભ્ય અને ધારાસભ્ય એમ બંને લેબલ તેમને લાગેલા છે. પણ અમરેલીના આંતરિક રાજકારણમાં ફેંકાઈ ગયા છે.

ભરત બારોટ:
કેશુભાઈ પટેલની સરકારમાં લાઇટમાં આવ્યા હતા. દરિયાપુર વિસ્તારના ધારાસભ્ય આજે ખોવાઈ ગયા છે. 2017માં તેમને ટિકિટ આપવામાં આવી હતી પણ તેઓ ચૂંટણી હારી ગયા હતા.

હરિન પાઠક:
અમદાવાદની લોકસભા બેઠક આવે એટલે હરિન પાઠકનું નામ ચર્ચામાં આવે. એક સમયે ભાજપનો પર્યાય બની ચૂકેલા હરિન પાઠકનું ભાજપમાં છેલ્લી ચૂંટણીમાં પત્તુ કપાયું હતું. પછી તેઓ ઠરીઠામ થઈ ગયા છે.

નરોત્તમ પટેલ:
કેશુભાઈની સરકારથી મોદીની સરકાર સુધી કેબિનેટ પ્રધાન રહી ચૂક્યા છે. જોકે છેલ્લા ઘણા સમયથી તેઓ સ્વેચ્છાએ રાજકારણમાંથી ખસી ગયા છે.

ઉમેશ રાજ્યગુરૂ:
કેશુભાઈ પટેલની સરકારમાં બંદર વિભાગના પ્રધાન હતા. મત્સ્યોદ્યોગ ખાતુ આપ્યું ત્યારે તેઓ ભાજપથી નારાજ થઈને શંકરસિંહ વાઘેલા સાથે ગયા. પરંતુ પાછીથી ભાજપમાં આવી ગયા. છેલ્લા ઘણા વર્ષોથી ક્યાંય તેમનું નામ ચર્ચાતું નથી.

જયનારાયણ વ્યાસ
ભાજપમાં સૌથી વધુ અભ્યાસ કરનારના આ નેતા રાજ્ય સરકારમાં પ્રધાનપદે રહી ચૂક્યા છે. કેશુભાઈની સરકારમાં હતા ત્યારે તેમને કેશુભાઈ સાથે વિવાદ થયો હતો. હવે તેઓ ભાજપના સંગઠનમાં સક્રિય નથી.

સુરેન્દ્ર પટેલ:
અમદાવાદમાં ‘કાકા’ ના હુલામણા નામથી જાણીતા સુરેન્દ્ર પટેલે વર્ષો સુધી સંગઠનમાં ટ્રેઝરર તરીકે કામ કર્યું છે. એક સમય હતો જ્યારે કેશુભાઈ પટેલને હટાવવાના હતા ત્યારે હાઇકમાન્ડમાં મુખ્યપ્રધાન પદ માટે તેમનું નામ ચમક્યું હતું.

કેશુભાઈ પટેલની સરકારમાં લાઇમ લાઇટમાં આવેલા ઘણા ચહેરા એવા છે કે જેઓ આજે પણ ચૂંટણી લડવા ઉત્સુક છે. પાર્ટી ટિકિટ આપે તો તેઓ જરૂર ચૂંટણી લડે. પરંતુ આ નેતાઓને હવે ચૂંટણી લડવી એ સ્વપ્ન જોવા જેવું જ રહ્યું છે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter