GSTV
World

Cases
5279458
Active
7246649
Recoverd
572981
Death
INDIA

Cases
311656
Active
571460
Recoverd
23727
Death

અમેરીકાની ખાનગી કંપનીએ અવકાશ વિજ્ઞાનમાં નવો ઇતિહાસ રચ્યો, અવકાશયાત્રાના ક્યારેય નહીં જોયા હોય એવા છે આ વીડિયો

લગભગ એક દાયકા પછી, અમેરિકાએ ફરી એકવાર ખાનગી કંપનીના અવકાશયાનથી માનવ મિશન મોકલીને ઇતિહાસ રચ્યો છે. યુએસ સ્પેસ એજન્સી નાસાએ રવિવારે એલોન મસ્કની કંપની સ્પેસએક્સના ડ્રેગન સ્પેસક્રાફ્ટ દ્વારા તેના અવકાશયાત્રીઓને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મોકલ્યા હતા. પહેલા 27 મે 2020 ના રોજ નાસાએ બે અમેરિકન અવકાશયાત્રીઓને ફાલ્કન રોકેટથી અવકાશ મથક પર મોકલવાના હતા. ખરાબ હવામાનને કારણે તેમ થઈ શક્યું ન હતું. તેનું લાઇવ બ્રોડકાસ્ટ નાસા ટીવીના સ્પેસ એક્સ લોન્ચિંગમાં જોઇ શકાય છે. આ ઉપરાંત, મ્યૂઝિયમ ઓફ ફ્લાઇટની વોચ પાર્ટીમાં પણ લોન્ચિંગનો લાઇવ સ્ટ્રીમિંગ જોઇ શકાય છે. અવકાશયાનમાં બે અવકાશયાત્રીઓ રોબર્ટ બેનકેન અને ડગ્લાસ હર્લી છે. ફ્લોરિડામાં કેનેડી સ્પેસ સેન્ટરથી અંતરિક્ષયાન 19 કલાકની સફર માટે રવાના થયું હતું.

2011માં છેલ્લું અવકાશયાન યુ.એસ.ની ધરતી પરથી મોકલવામાં આવ્યું હતું. 27 જુલાઈ, 2011 ના રોજ સ્પેસ શટલ એટલાન્ટિસ પૃથ્વી પરત ફર્યા પછી નાસાએ તેનો સ્પેસ શટલ પ્રોગ્રામ બંધ કરી દીધો હતો. 30 વર્ષના સ્પેસ શટલ પ્રોગ્રામ દ્વારા અંતરિક્ષ સ્ટેશન પર 135 ફ્લાઇટ્સ ઉડાન દ્વારા 300 થી વધુ અવકાશયાત્રીઓને અવકાશમાં મોકલવામાં આવ્યા હતા.હાલમાં, અમેરિકન અવકાશયાત્રીઓને રશિયા અને યુરોપિયન દેશોના અવકાશયાન દ્વારા અવકાશમાં મોકલવામાં આવે છે. આ પ્રથમ વખત છે જ્યારે અવકાશયાત્રીઓને સરકારને બદલે કોઈ ખાનગી કંપની દ્વારા અવકાશમાં મોકલવામાં આવ્યા હોય.


એસ્ટ્રોનટસનો વન પીસ સ્પેસ સૂટ અને  થ્રીડી પ્રિન્ટિંગવાળી હેલમેટ

બોબ બેનકેન અને ડગ હર્લે જે ફલાઇટ સૂટ પહેર્યા  છે તે ખૂબજ પાતળા અને વન પીસ છે. માથા પરની હેલમેટ પણ પાતળી અને થ્રીડી પ્રિન્ટિંગવાળી છે. સ્પેસ સૂટ યૂનિફોર્મની જેમ નહી પરંતુ એસ્ટ્રોનટને સમજી જાણીને તૈયાર કરવામાં આવ્યો છે. આ સ્પેસ સૂટ હોલિવુડની સાયન્સ ફિકશનની સ્ટાઇલ જેવો ખાસ તૈયાર કરાયો છે.ક્રુ કેબિનમાં હવા ઓછી  (ડીપ્રેશપાઇઝેશન) થાય તેવા સંજોગોમાં પણ એસ્ટ્રોનટસને જીવતા રહી શકે એ રીતે તૈયાર કરવામાં આવ્યો છે.

ક્રુ ડ્રેગનની અબોર્ટ સિસ્ટમ સંકટ સમયની સાંકળ બનશે 

બોબ બેનકેન અને ડગ હલ આ બંને અવકાશયાત્રીઓ પૃથ્વી પર પાછા ફરશે ત્યારે ક્રુ ડ્ેગન એટલાન્ટિક સાગરમાં પેરાશૂટની મદદથી પડશે અને ત્યાર પછી કેપ્સ્યૂલ અને ક્રુ ને ગો નેવિગેટર નામથી શિપની મદદથી બહાર કાઢવામાં આવશે. ક્રુ ડ્રેગનમાં એક અબોર્ટ સિસ્ટમ લગાવેલી છે જે સંકટ સમય ક્રુને બચાવી લેશે. જો સ્પેસમાં કોઇ પણ પ્રકારની ગરબડ થાય તેવા સંજોગોમાં ક્રુ ડ્રેગનના વ્હિકલ એન્જીનને સ્ટાર્ટ કરી દેશે અને તેમાં બેઠેલા અવકાશયાત્રીઓ રોકેટથી અલગ પડી જશે ત્યાર પછી કેપ્સ્યૂલ  તેમને સુરક્ષિત રીતે પેરાશૂટની મદદથી નીચે ઉતારી દેશે. સ્પેસ એકસ ૧૯ જાન્યુઆરી ૨૦૨૦ના રોજ ઇન ફલાઇટ અબોર્ટ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરી ચૂકયું છે.

ફાલ્કન -૧૯ રોકેટ લોન્ચરના રી યૂઝે સ્પેસમાં ક્રાંતિ સર્જી છે 

સ્પેસ એકસે ૩૦ માર્ચ ૨૦૧૭ના રોજ ફાલ્કન-૯ રોકેટને ફરી લોંચ કરીને રોકેટ ટેકનોલોજીની દિશામાં ક્રાંતિ કરી છે. આમ તો રોકેટનો મિશનમાં એક વાર ઉપયોગ થયા પછી તેનો નાશ થઇ જાય છે પરંતુ સ્પેસ એકેસ ફાલ્કન રોકેટને ધરતી પર પાછું લાવીને ફરી સ્પેસમાં મોકલ્યું હતું. ફાલ્કન-૯ રોકેટથી લકસમબર્ગે બેઝ સંચાર ઉપગ્રહ ઓપરેટર એસ,ઇ,એસને તેની કક્ષામાં સ્થાપિત કરવામાં આવ્યો તે સ્પેસ સાયન્સના ક્ષેત્રમાં માઇલ સ્ટોન સાબીત થયું હતું. રોકેટનો પુન ઉપયોગ થવાથી ૬૨ મીલિયન ડોલરનો ખર્ચ બચી જાય છે.

કોરોનાની મહામારી વચ્ચે અમેરિકામાં આનંદ છવાયો 

નાસા અને સ્પેસ એકસનું મિશન કોરોના મહામારી ભોગવી રહેલા અમેરિકાને રાહત પહોંચાડી છે. ૨૦૧૧ પછી અમેરિકા માટે પ્રથમ વાર આ મોટો અવસર હોવાથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ  મિશન લોંચિંગ માટે ફલોરિડાના કેનેડી સ્પેસ સેન્ટર આવ્યા હતા. નાસાના એડમિન જીમ બ્રાઇડેંસ્ટાઇનના જણાવ્યા મુજબ લોંન્ચિંગ સમયે સૌ પ્રાર્થના કરી રહયા હતા.મે જયારે રોકેટનો પ્રચંડ અવાજ અને ગડગડાટ સાંભળ્યો ત્યારે કશુંક જુદું જ અનુભવ્યું હતું. જયારે પોતાના દેશની ટીમ રોકેટમાં હોય ત્યારે આવી લાગણીઓ જન્મવી સ્વભાવિક જ છે. આ અમેરિકા છે પરંતુ હજુ અમારા માટે ઘણો મશ્કેલ સમય છે તેમ છતાં આ લોન્ચિંગ બધાને પ્રેરણા આપતું રહેશે.

એલન મસ્ક સ્પેસ એકસ ઉપરાંત અનેક કંપનીઓની સ્થાપનામાં પાયાના પથ્થર રહયા છે જેમાં ઝિપ-૨, પેયપાલ ઓનલાઇન, ઇલેકટ્રીક કાર બનાવતી ટેસ્લા કંપની પણ છે. એલન મસ્કનો જન્મ ૨૮ જુન ૧૯૭૧ના રોજ દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયામાં થયો હતો. પિતા એન્જીનિયર અને માતા કેનેડિયન મોડલ હતા.એલને ફિઝિકસ અને બિઝનેસમાં બેચલર ડિગ્રી મેળવી હતી ત્યાર બાદ આગળના અભ્યાસ માટે તેઓ સ્ટેનફોર્ડ યૂનિવર્સિટી આવ્યા હતા.

ઝિપ -૨ -સોફટવેર 

૧૯૯૫માં ઝિપ-૨ નામની કંપની બનાવી જે ઓનલાઇન પબ્લિશિંગ સોફટવેર બનાવતી હતી.૧૯૯૯માં એલને  આ કંપનીને કોમ્પ્યૂટર બનાવતી જાણીતી એક કંપનીને વેચીને ૧૯૯૯માં માત્ર ૩૦૦ મિલિયન એટલે કે ૨૦ અબજ રુપિયાથી પણ વધારે સંપતિના માલિક બન્યા હતા. એલન મસ્કના આ સાહસથી તેમને ધ મોસ્ટ સકસેસફૂલ એન્ડ ઇમ્પોર્ટન્ટ એન્ત્રોપ્રિન્યોર ઇન ધ વર્લ્ડનું બિરુદ મળ્યું હતું. 

પેયપાલ -ઓનલાઇન પેમેન્ટ કંપની 

 પેયપાલ નામની ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ ઓપરેટ કરતી કંપની શરુ થઇ હતી.  એલન મસ્કે પોતાની કંપની એકસ.કોમને પેયપાલ સાથે મર્જ કરી હતી. ઓન લાઇન પેમેન્ટ ક્ષેત્રમાં નામ ધરાવતી આ કંપની માં પોતાનો હિસ્સો વેચીને ૨૦૦૨માં ૧૧૨૦ કરોડ રુપિયાની કમાણી કરી હતી. એલનની આ બિઝનેસ સુઝથી દુનિયા તેમને સ્ટાર્ટ અપ કિંગ તરીકે ઓળખવા લાગી હતી.જો કે એલન પોતાને બિઝનેસમેન નહી પરંતુ ટેકનોલોજિસ્ટ તરીકે ઓળખાવાનું પસંદ કરે છે.

ટેસ્લા ઇલેકટ્રીક કાર 

એલને માસ્કે ૨૦૦૩માં પેટ્રોલ અને ડિઝલ વગર માત્ર ઇલેકટ્રીસિટીથી ચાર્જ થતી ટેસ્લા ઇલેકટ્રીક કાર કંપની બનાવી હતી. આ કંપનીની સ્થાપનામાં તેમણે ૧૦૦ મીલિયન ડોલરનું રોકાણ કર્યુ હતું. સારી અને ટકાઉ ઇલેકટ્રીક ગાડીઓના ક્ષેત્રમાં ટેસ્લાનું નામ લેવાય છે. આકર્ષક સ્પોર્ટસ લૂક ધરાવતી આ ગાડીમાં આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સીનો ખૂબીપૂર્વક ઉપયોગ થયો છે. ટેસ્લા ઇલેકટ્રીક કારની એન્ટ્રી થતા વિશ્વની જાણીતી કંપનીઓએ પણ ઇલેકટ્રીક કાર લોંચ કરવી પડી છે.

હાઇપર લૂપ પ્રોજેકટ 

એલન મસ્કે ૨૦૧૨માં હાઇપર લૂપનો પ્રથમ વિચાર આપ્યો હતો. આજે તેઓ હાઇપર લૂપ પ્રોજેકટ પર પણ કામ કરી રહયા છે. આ એક હાઇ સ્પીડ ટ્રાંસપોર્ટેશન સિસ્ટમ છે જેમાં ટયૂબ્સની સિસ્ટમ દ્વારા પોડસમાં બેસીને લોકો મુસાફરી કરી શકે છે. લોસ એન્જલેસથી સાન્ફાન્સ્કિો સુધી હાઇપર લૂપની કામગીરી ચાલી રહી છે. હાઇપર લૂપમાં પ્રવાસીઓ પ્રતિ કલાક ૧૨૦૦ કિમીની ઝડપે મુસાફરી કરી શકશે. આ ઝડપી મુસાફરી કોઇ પણ એર ટાઇમ કરતા ઓછો સમય લેશે. હાઇપર લૂપના પેસેન્જર મોડલમાં  ૬ બિલિયન ડોલર સુધીનો ખર્ચ થવાની ધારણા છે.

અંતરિક્ષનું સપનું દેખાડનાર એલન મસ્કની સ્પેસએકસ 

એલન મસ્કે સ્પેસ એકસની સ્થાપના ૨૦૦૨માં કરી હતી. સ્પેસ એકસનો એક માત્ર હેતું સ્પેસમાં જવા માટેના ટ્રાન્સપોર્ટશનને ઓછો કરવાનો છે. આ કંપની ફાલ્કન-૯ અને ફાલ્કન હેવી રોકેટસ ઉપર કોમર્શિયલ અને સરકારી લોંચ સેવા આપે છે. સ્પેસ એકસ દુનિયાની એક માત્ર એવી કંપની છે જે રોકેટ લોંચ કર્યા પછી પાછુ ધરતી પર લાવીને ફરી ઉપયોગમાં લે છે. કંપની આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશન પર સમયાંતર કાર્ગો મોકલતી રહે છે પરંતુ પ્રથમ વાર બે એસ્ટ્રોનટને મોકલ્યા છે. મસ્કની કંપની સ્ટારશિપના નામથી એક મોટા સ્પેસક્રાફટને વિકસિત કરી રહી છે  જે મંગળ ગ્રહ પર માણસોની વસ્તીને વસાવવામાં કામ લાગે તેમ છે. સ્પેસ એકસ ૨૦૩૦ સુધીમાં મંગળ ગ્રહ પર કોલોની સ્થાપવા ઇચ્છે છે.એલન મસ્ક બે ગ્રહો વચ્ચે ટ્રાન્સપોર્ટેશન શરુ કરવાનું સપનું ધરાવે છે. ૨૦૩૦ સુધીમાં માનવ વસ્તીને મંગળ પર લઇ જવી છે.

Related posts

SBIમાં આટલા પદો પર બહાર પડી ભરતી, જલ્દી કરો! અરજી કરવા હવે ફક્ત આટલા જ દિવસ બાકી

Arohi

હેલ્થ ઇન્શ્યોરન્સ લેતી વખતે આ બાબતો ચેક કરવાનું ના ભૂલતા, જરૂરિયાત સમયે સારવારના ખર્ચની નહી રહે ચિંતા

Bansari

કામની ખબર: આધાર કાર્ડમાં સામાન્ય સુધારા કરવાના હોય તો પહેલાં જાણી લો આ નવો નિયમ,ફાયદામાં રહેશો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!