GSTV
Bhavnagar GSTV લેખમાળા ગુજરાત ટોપ સ્ટોરી

ભારતના રાષ્ટ્રપિતા સાથે ચિત્તાની મુલાકાતનો ઐતિહાસિક પ્રસંગ : ગુજરાતના એ ભવ્ય મહેલમાં ગાંધીજીએ પગ મુક્યો ત્યાં સામે ચિત્તા ટહેલતા હતા!

ચિત્તા

1952માં ભારતમાં ચિત્તાને નષ્ટપ્રાય જાહેર કરવામાં આવ્યા હતા. તેના 70 વર્ષ પછી હવે ફરીથી ભારતના જંગલમાં ચિત્તા લવાયા છે. એ વાતની સોશિયલ મીડિયા પર ઉજવણી થઈ રહી છે. એ નિમિત્તે એક જૂનો પ્રસંગ યાદ કરવા જેવો છે. જ્યારે મહાત્મા ગાંધી અને ચિત્તો બન્ને સામસામે આવી ગયા હતા.

એ વાત એક સદી પહેલાં, 1915ની છે. આફ્રિકામાં વકીલાત અને ચળવળકાર તરીકે વાવટા ખોડી ચૂકેલા બેરિસ્ટર ગાંધી ભારત પરત ફર્યા હતા. દેશને જાણવા-સમજવા ઠેર ઠેર ફરી રહ્યા હતા. ભાવનગર સાથે તેમનો જૂનો અને પાયાનો નાતો હતો. પોરબંદરમાં જન્મ પછી નાનપણના વર્ષોમાં રાજકોટ સિવાય કોઈ મોટું શહેર એમણે જોયું હોય તો એ ભાવનગર હતું. પણ એ વર્ષ ૧૮૮૮નું હતું. હવે ૨૭ ચોમાસા વીતી ગયા પછી ભાવનગરમાં ફરીથી પગ મુકી રહ્યા હતા.

ચિત્તા

ભાવનગરમાં તો સાતમી ડિસેમ્બરે જ આવી પહોંચ્યા હતા. પણ દસમીએ ગાંધીજી પોતાના જૂના સાથીદાર પ્રભાશંકર પટ્ટણી સાથે ભાવનગર મહારાજ ભાવસિંહ બીજાને મળવા પહોંચ્યા. ભાવસિંહજી, ગાંધીજી, પ્રભાશંકર વગેરે એકાદ ધોરણ આગળ-પાછળ જ ભણતા હતા. એટલે શામળદાસ કોલેજકાળનો એમનો પરિચય હતો. ગાંધીજી આફ્રિકા-ઈંગ્લેન્ડ ફર્યાં હતા. એ જમાનામાં એટલું ફરવું એ ઘણું-બધું ગણાતું હતું. ઘણું ફર્યા હતા એટલે ઘણાં ઉંબરામાં પણ પગ મુક્યો હતો. પરંતુ અહીં નિલમબાગ નામે ઓળખાતા ભવ્ય મહેલના દરવાજામાં પ્રવેશ્યા એ સાથે સાવ નવો અનુભવ તેમની રાહ જોઈ રહ્યો હતો.

ગાંધીજીનું સ્વાગત કરવા માટે રાજના કર્મચારીઓ આવે એ પહેલા ફળિયામાં ટહેલતા ચિત્તા તેમની નજરે પડયા. ગાંધીજી માટે એ દૃશ્ય સાવ નવું હતું. ફળિયામાં ગાયો-ભેંસો બાંધેલી હોય કે હાથી-ઘોડા ઝૂલતાં હોય ત્યાં સુધી નવાઈ ન લાગે.. પણ અહીં તો ચિત્તા હતા. ગાંધીજી કદાચ તેનાથી ડર્યા નહીં, સાથે પ્રભાશંકર પટ્ટણી પણ હતા. એક ચિત્તાએ આગંતુકને જોઈને હળવો હુંકાર કર્યો. ગાંધીજી ચિત્તાને વળોટીને ખંડમાં દાખલ થયા. મહારાજા ભાવસિંહ (બીજા) ત્યાં તેમની રાહ જોઈ રહ્યા હતા.

ચિત્તા

ત્યારે તો ચિત્તા દેશના ઘણા પ્રાંતમા હતા. બરોડા સ્ટેટ, ભાવનગર સ્ટેટ વગેરે રાજાઓ પાસે પોતાના ખાનગી ચિત્તા હતા. એ ચિત્તાનો ઉપયોગ ચિત્તેવાની નામની શિકાર પ્રવૃત્તિ માટે થતો હતો. ભાવનગરના રાજવીઓ પણ ચિત્તેવાની કળાના શોખીન હતા. ખાસ આફ્રિકાથી ચિત્તા મંગાવી તેમને મહિનાઓ સુધી તાલીમ આપી ચિત્તેવાનના ઈશારે કામ કરે એ રીતે તૈયાર કરવામાં આવતા હતા. એ ચિત્તાઓ પછી ઘાસિયા મેદાનોમાં હરણ પાછળ દોટ મુકે એ મનોરંજન જોવા રાજા-પ્રજા સૌ હાજર રહેતા હતા. ચિત્તેવાનીની પ્રથા બિકાનેર, વડોદરા વગેરે રાજ્યોમાં પણ હતી. રજવાડાં ગયા, ચિત્તેવાની ગઈ. એ પછી ધીમે ધીમે ચિત્તા પણ નષ્ટ થયા.

ગાંધીજી જ્યાં સવા બે દાયકા વકીલાત-સત્યાગ્રહ કરીને આવ્યા હતા એ આફ્રિકા ચિત્તાની ભૂમિ છે. પરંતુ ત્યાં ગાંધીજીને ચિત્તાનો ભેટો થયો હોય કે કેમ એ તો રામ જાણે. ચિત્તો શિકારી સજીવ છે. આવુ હિંસક પ્રાણી અહીં ભાવનગર રાજમાં પૂંછડી દબાવીને બેઠું છે, તેનું ગાંધીજીને અચરજ થયું. એટલે મુલાકાત દરમિયાન તેમણે વાતવાતમાં કહ્યું, ‘હું તો દક્ષિણ આફ્રિકામાં અહિંસા, અહિંસા એમ કૂટી રહ્યો હતો, પરંતુ ભાવનગરના રાજવી ભાવસિંહજીએ તો હિંસક ચિત્તાઓને પણ અહિંસક કરી મૂક્યા છે. એ જોઈને મારી છાતી ગજગજ ફૂલે છે. હું આજે એક નવો પાઠ શિખ્યો.’

ચિત્તા

ચિત્તેવાની કળા તો જાણીતી છે, પરંતુ ગાંધીજીની ચિત્તા સાથેની ટૂંકી મુલાકાત જરા નવી વાત છે. ભાવગરના ઇતિહાસકાર ગંભીરસિંહ ગોહિલે પોતાના ગાંધીજી પરના પુસ્તક ‘મહાત્મા : સ્વરાજની સફર અને સૌરાષ્ટ્રનાં સાથીદારો’માં આ ઘટના નોંધી છે. પુસ્તકમાં નામ પ્રમાણે જ ગાંધીજીનો સોરઠ સાથેનો સંબધ વર્ણવાયો છે.

Read Also

Related posts

અમદાવાદીઓ ધ્યાન આપો / પીએમ મોદીના કાર્યક્રમ સમયે શહેરના આ રસ્તાઓ થોડા કલાકો માટે રહેશે બંધ

Hemal Vegda

Drone Show / 36મી નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનની પૂર્વ  સંધ્યાએ 600 ડ્રોનનો અદ્ભૂત ડ્રોન-શો યોજાયો, જુઓ રોમાંચક વિડીયો

Hemal Vegda

અમદાવાદ / ઢોરવાડા ફૂલ થઈ જતા રખડતા ઢોર  પકડવાની કામગીરી પડી ધીમી

Hemal Vegda
GSTV