GSTV
Home » News » ભારત સરકાર સોશિયલ મીડિયા માટે લાવશે નવા નિયમો, આ મેસેન્જર થશે બંધ

ભારત સરકાર સોશિયલ મીડિયા માટે લાવશે નવા નિયમો, આ મેસેન્જર થશે બંધ

વૉટ્સએપ સાથે સંકળાયેલા એક ઊચ્ચ અધિકારીએ જણાવ્યુ હતુ કે ભારત સરકાર સોશિયલ મીડિયા માટે નવા નિયમો લાવી રહી છે. આ નિયમો લાગુ થશે અને તેનું પાલન કરવા વૉટ્સએપ પર દબાણ કરવામાં આવશે તો કદાચ અમારે ભારતમાંથી આ સેવા સંકેલી લેવી પડશે.

કેમ કે સરકાર ઈચ્છે છે કે વૉટ્સએપ દરેક મેસેજને ટ્રેસ કરે. એટલે કે દરેક મેસેજની જાસૂસી કરે. વૉટ્સએપનું કહેવું છે, આ પ્રકારે જાસૂસી કરવી એ પ્રાઈવસીનો ભંગ છે, એ ભંગ કરવાને બદલે અમે વૉટ્સએપની સેવા સ્થગિત કરવાનું પસંદ કરીશું. વૉટ્સએપના વિશ્વભરમાં દોઢ અબજ દૈનિક વપરાશકારો છે, જ્યારે ભારતમાં રોજ ૨૦ કરોડથી વધુ લોકો તેનો ઉપયોગ કરે છે. આખી દુનિયામાં વૉટ્સએપના સૌથી વધુ વપરાશકારો ભારતમાં છે.

વૉટ્સએપ અત્યારે ફેસબૂકની માલિકીનું છે. પરંતુ વૉટ્સએપે પહેલેથી એન્ડ ટુ એન્ડ એન્ક્રિપ્શન સિસ્ટમ લાગુ કરી છે. એટલે કે મેસેજ મોકલનાર અને મેસેજ મેળવનાર સિવાય કોઈ મેસેજ આંતરીને વાંચી ન શકે. ખુદ વૉટ્સએપ પણ વપરાશકર્તાનો મેસેજ વાંચી ન શકે એવી જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા લાગુ કરી દેવામાં આવી છે.

ભારત સરકારે સોશિયલ મીડિયા મેસેજીસ માટે નવાં રેગ્યુલેશન તૈયાર કર્યા છે, પરંતુ હજુ સુધી તેનો અમલ થયો નથી. આ રેગ્યુલેશન અત્યારે વિચારણા હેઠળ છે. એ રેગ્યુલેશનમાં એવી જોગવાઈ છે કે વૉટ્સએપ જેવી મેસેજિંગ સર્વિસ પ્રોવાઈડર સેવાએ મેસેજ ક્યાંથી થયો છે, તેનું મૂળ શોધી આપવું જોઈશે.

કોઈ પણ મેસેજનું મૂળ વૉટ્સએપ ત્યારે જ કહી શકે જ્યારે એ દરેકે દરેક મેસેજની ગતિવિધિ પર નજર રાખે. બીજી તરફ વૉટ્સએપની દલીલ એવી છે, એવું કરવાથી વ્યક્તિની પ્રાઈવસી જોખમાશે. કેમ કે દરેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય છે કે પોતે શું મેસેજ કરે એ પોતાની ઈચ્છા વિરૃદ્ધ બીજા કોઈએ જાણવું ન જોઈએ.

સરકારની દલીલ એવી છે કે વૉટ્સએપમાં ખોટા મેસેજ બહુ ફરે છે. તેના કારણે અનેક વખત ટોળાં દ્વારા હત્યાના કિસ્સા નોંધાયા છે. ખોટા મેસેજનો આધાર બનાવીને રાજકીય પક્ષો અને અન્ય સંગઠનો લોકોની લાગણી પણ ઉશ્કેરે છે. એ બધુ અટકે એટલા માટે મેસેજનું મૂળ શોધી ખોટો મેસેજ ફરતો કરનારને સજા કરવી જોઈએ.

વૉટ્સએપે જોકે એ કામગીરી શરૃ કરી દીધી છે. વૉટ્સએપે એવી સિસ્ટમ ઉભી કરી છે, જેનાથી શંકાસ્પદ મેસેજ રવાના થતા હોય એવા નંબર જ બ્લોક કરી દેવાય છે. ઘણા લોકો કમ્પ્યુટરનો ઉપયોગ કરીને ભળતાં-સળતાં મેસેજ ફરતાં કરતાં હોય છે. તેને એટકવવાનું કામ વૉટ્સએપે આરંભી દીધું છે. 

કેવા એકાઉન્ટ બ્લોક થાય છે?

માટે છેલ્લા ૩ મહિનાથી દર મહિને સરેરાશ ૨૦ લાખ એકાઉન્ટ વૉટ્સએપે બંધ કરી દીધા છે. આપણી આસપાસ પણ કદાચ એવા લોકો હશે, જેનું વૉટ્સએપ કામ કરતુ બંધ થઈ ગયું હશે. આગામી ચૂંટણી વખતે કોઈ ખોટા મેસેજ ફરતાં ન થાય એટલા માટે વૉટ્સએપે આ કામગીરી કરી છે. જે વૉટ્સએપ એકાઉન્ટ દ્વારા પોર્નોગ્રાફિક લિન્ક ફોરવર્ડ થાય કે સર્ચ થાય, ખોટી માહિતી ધરાવતો મેસેજ ફરતો થાય, કોઈ એક વપરાશકર્તા દ્વારા ટૂંકા સમયમાં અનેક ગ્રૂપ સર્જવામાં આવે અને તેમાં જથ્થાબંધ મેસેજ મોકલવામાં આવે, સ્પામ કે વાઈરસ લિન્ક મોકલવામાં આવે.. એવી ઘણી બધી પ્રવૃત્તિ ધરાવતા એકાઉન્ટ વૉટ્સએપની સુરક્ષા સિસ્ટમ દ્વારા બ્લોક કરી દેવામાં આવે છે.

ભારતની પ્રતિષ્ઠા વૉટ્સએપના આધારે મપાય છે

અત્યારે ભારતમાં એવો મોટો વર્ગ છે, જેમની પાસે બીજું ગમે તે કામ હોય કે ન હોય પણ વૉટ્સએપ ફોરવર્ડિંગનું કામ તો છે જ. જે મેસેજ-ઈમે-વીડિયો વૉટ્સએપમાં આવે તેને જોયા-તપાસ્યા-ચકાસ્યા વગર ફૉરવર્ડ કરવાનું વલણ લોકો અપનાવે છે. પરિણામે વૉટ્સએપે ભારતમાં દર વખતે મહત્તમ પાંચ જ મેસેજ ફોરવર્ડ થઈ શકે એવો પ્રતિબંધ મુકી દીધો છે. તેનાથી વૈશ્વિક સ્તરે ભારતની પ્રતિષ્ઠા ખરડાઈ છે.

કેમ કે દુનિયાના દેશોમાં પાંચ જ મેસેજ ફોરવર્ડ કરી શકાય એવો પ્રતિબંધ નથી, માત્ર ભારત માટે જ છે. ભારતમાં લોકો ખોટા-નકલી-ગેરમાર્ગે દોરનારા મેસેજીસ વધુ પ્રમાણમાં ફોરવર્ડ કરે છે. વળી જે લોકો નવાં-સવાં વૉટસએપ પર આવે એ અગાઉના જૂના મેસેજને નવા માનીને ફોરવર્ડ કરતાં રહે છે. ભારતના સમાજમાં વ્યાપી રહેલો આ એક મોટો સડો છે. તેની સામે નાનો વર્ગ વૉટ્સએપનો સદ્ઉપયોગ પણ કરે છે. 

Related posts

દિલ્હીમાં હિંસાગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા કેજરીવાલ અને સિસોદીયા, 106 લોકો પર ફરિયાદ

Pravin Makwana

શેર બજારને અચાનક શું થયું છે ? પાંચ દિવસમાં રોકાણકારોના 5.51 લાખ કરોડનું ધોવાણ

Pravin Makwana

દિલ્હી હિંસા: અત્યાર સુધીમાં 106 લોકોની ધરપકડ, 18 પર FIR, પરિસ્થિતી નિયંત્રણમાં

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!