GSTV

2002ની ચૂંટણી સમયે એ કોથળાનું રહસ્ય શું હતું ? જેમાં એક જાદૂગરના કારણે ભાજપ હારી ગઈ હતી

કાનપૂરની ગોવિંદનગર વિધાનસભા બેઠકને એશિયાની સૌથી મોટી બેઠક ગણવામાં આવે છે. ઉત્તર પ્રદેશની ચૂંટણી વખતે કાનપૂરની ગોવિંદનગર બેઠકની ચર્ચા ન થાય તો ઉત્તરપ્રદેશની રાજનીતિને ગોળી વિનાની બંદૂક જેવી સમજવી રહી. આ સીટ 2002માં પોતાના પ્રચાર માટે સૌથી હાસ્યાસ્પદ નિવડેલી સીટ છે. ભાજપ જ્યારે રાજનીતિના નક્શામાં થોડું ઘણું દેખાતું હતું ત્યારે કાનપૂર બેઠક પરથી બાલચંદ્ર મિશ્રા ચૂંટણી લડતા હતા. 1989થી સત્તત આ સીટ પરથી તેઓ ભાજપના કમળને ખીલવતા આવ્યા હતા. પણ દર વખતે તો કાદવ એટલું ફેલાયેલું ન હોય કે કમળ ખીલી જ જાય ! અને બીજા ખૂંપી જ જાય ! બાલચંદ્ર મિશ્રા 2002ની સાલ આવતા આવતા ભાજપ માટે એક પ્રકારની મજબૂરી બની ગયા હતા. પક્ષમાં તેમના જ કાર્યકરો તેમની સાથે ખભે ખભો મિલાવી ઉભા નહોતા રહેતા. ઉપરથી બાલચંદ્ર મિશ્રાને જીતાડવાનું કેન્દ્રની સરકાર પરથી દબાણ હતું.

કૌશલ્ય બતાવો

બાલચંદ્ર મિશ્રાને હવે આંતરિક કલહનો સામનો કરવાનો વારો આવ્યો. કાર્યકર્તાઓને ખૂબ મનાવ્યા પણ વિરોધ તો કરવો જ છે. આમ માની કાનપૂરની ગોવિંદનગર વિધાનસભા સીટના ભાજપના કાર્યકરો એકઠા થઈ ગયા. આટલા મોટા ટોળાએ ટેલેન્ટનો નમૂનો આપી એક નારો તૈયાર કરી નાખ્યો. નારો હતો, ‘બાલચંદ્ર મિશ્રા મજબૂરી હૈ, ભાજપ કા જીતના જરૂરી હૈ…..’ (જે આજે પણ નામ બદલી ચલાવાય છે) બાલચંદ્ર મિશ્રાને પણ કાર્યકરો તરફથી આવો અપ્રતિમ પ્રેમ મળી રહ્યો હોવાની વાત ખબર હતી, પણ અંદરખાને એ પણ હસતા હતા કે મારા સિવાય તો બીજું કોણ ભાજપને જીતાવી શકવાનું છે. પણ તેમને ત્યારે ખબર નહોતી કે તેમનો આ આત્મવિશ્વાસ જ તેમને અંધારિયા ભંડકિયામાં લઈ જવાનો છે.

17 જૂલાઈ 1942ના રોજ બાલિયામાં જન્મેલા બાલચંદ્ર મિશ્રા 1991થી 1992માં મિનિસ્ટ્રી ઓફ સ્ટેટ ફોર ફૂડ એન્ડ સિવિલ સપ્લાઈ ગવર્મેન્ટ ઓફ ઉત્તર પ્રદેશ જેવું લાંબુ લચ માત્ર નામ ધરાવતું કેબિનેટ પદ સંભાળી ચૂક્યા હતા. ચાર વખત ધારાસભ્ય બનવાના તેમને સદભાગ્ય હાથ લાગ્યા હતા. 1996માં જ્યારે કલ્યાણ સિંહ મુખ્યમંત્રી હતા ત્યારે તેમને કેબિનેટ મિનિસ્ટર બનાવવામાં આવ્યા હતા. તેમના કામથી રાજનાથ સિંહ પણ એટલા પ્રભાવિત હતા કે ફૂડનું ડિપાર્ટમેન્ટ તેમને સોંપી દીધું હતું. આટલી કામગીરી કરી હોવા છતાં અજય કપૂર તેમના માટે સમસ્યા બની ગયા હતા.

એક નવા સવા કોંગ્રેસી પાસેથી અપેક્ષા

રાહુલ ગાંધી પાસે હવે પાર્ટીની કમાન નથી. આર્ટિકલ-15 ફિલ્મની એક સામાન્ય જનતાની માફક મઝા લીધી હતી. એ જ બતાવે છે કે રાહુલ ગાંધી હવે પોતાનું જીવન સાંસદ અને એક સામાન્ય નાગરિક તરીકે વિતાવવા માગે છે. જો કોંગ્રેસના કાર્યકરો મઝા લેવા દે તો…! 12 એપ્રિલે રાહુલ ગાંધી માટે એક હાશકારાની ખબર આવી હતી. કોંગ્રેસના એક પૂર્વ નેતા બીજી પાર્ટીમાં જોઈન થઈ રહ્યા હતા. પણ છેલ્લે છેલ્લે ગાડીને રિવર્સ મોડમાં લઈ લેતા તેમણે કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું મન બનાવી લીધું હતું. રાહુલ ગાંધીનું એવું માનવું હતું કે કોંગ્રેસની સરકાર બને તો આ વ્યક્તિનું રહેવું જરૂરી છે.

ખુશ રાખવા માટે તેમને કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ બનાવી બિહારની લોકસભાના પ્રભારી તરીકે નિયુક્ત કરી દેવામાં આવ્યા. કાનપૂર અને તેમાં પણ ગોવિંદનગરની બેઠક તેમને અતિપ્રિય હતી. પણ હવે કોંગ્રેસ તેમને ત્યાં રાખવા નહોતી માગતી. તેની પાછળનું કારણ પણ બાલચંદ્ર મિશ્રા જેવું જ હતું. હવે પાર્ટીના કાર્યકરો તેમનાથી નારાજ થઈ ગયા હતા. જેથી તેમને બિહાર મોકલી દેવામાં આવ્યા.

આ વ્યક્તિનું નામ અજય કપૂર. અજય કપૂરને 2002ની ચૂંટણીમાં બાલચંદ્ર મિશ્રા સામે લડાવવાનો તખ્તો કોંગ્રેસે ઘડ્યો. અજય કપૂર ત્યારે યુવાન હતા. પહેલી વખત ચૂંટણી લડી રહ્યા હતા. જીત કરતાં તેમને બાલચંદ્ર મિશ્રાના કદની વધારે પડી હતી. જે માણસ ચાર વખત એક જ સીટ પરથી ચૂંટણી જીત્યો હોય તેને હરાવવા માટે છાણ પણ જોઈએ.

સમાજવાદી પાર્ટી અને જાદૂઈ ફૌજ

ઉત્તરપ્રદેશની રાજનીતિમાં ત્યારે જીત મેળવવા માટે ભાજપ અને કોંગ્રેસ જેટલું જ જોર સમાજવાદી પાર્ટી લગાવતી હતી. આજે ભાજપના કારણે તે થોડું ઓસર્યું છે. ભાજપે એક તરફ અનુભવી નેતાને મેદાને ઉતાર્યો હતો તો કોંગ્રેસે યુવા ચહેરાને તક આપી હતી. સમાજવાદી પાર્ટીએ માસ્ટરસ્ટ્રોક માર્યો. ચૂંટણી જીતવા લોકપ્રિયતાની આવશ્યકતા રહેવાની. કોઈ પાર્ટીમાં ટિકિટ મેળવવા માટે લોકપ્રિયતાના ધારાધોરણોમાંથી પસાર થવું પડે છે. સમાજવાદી પાર્ટી પાસે એવું કોઈ હતું નહીં પણ તેમને એક જાદુગર મળી ગયો. જાદુગરનું નામ હતું ઓ.પી.શર્મા. શર્મા ભૈયાનો કિર્તીમાન 37,800 જેટલા શો કરવાનો હતો. શર્માના મેઝિક શોને જોવા માટે ઉત્તરપ્રદેશમાં દૂર દૂરથી લોકો આવતા હતા. ખૂદ સમાજવાદી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ પણ શર્માના શોને જોવા માટે લાઈનમાં ઉભા રહેતા હતા. શો દરમ્યાન લોકોની ચીચીયારીઓ અને હાહો જોઈ પાર્ટીએ નક્કી કર્યું કે ભાજપના બાલચંદ્ર મિશ્રા અને કોંગ્રેસના અજય કપૂરની સામે આપણો નેતા ઓ.પી.શર્મા.

એ કોથળાનું રહસ્ય

નેતા નક્કી થયા બાદ હવે પ્રચારનું રણશિંગુ ફૂંકાયું. ભાજપ પોતાની રીતે પ્રચારમાં જામ્યું હતું પણ બાલચંદ્ર મિશ્રા અને કાર્યકરો વચ્ચે એકતા નહોતી દેખાતી. કોંગ્રેસ પોતાની રીતે મહેનત કરી રહ્યું હતું કે, યુવા નેતા છે મત આપો સપનાં પુરા થઈ જશે. ત્રીજી તરફ શર્મા સાહેબ માટે એક મુસીબત હતી. તેમણે અઢળક ઓડિયન્સ સામે શો ભલે કર્યા હોય પણ આટલી બધી જનતા વચ્ચે બોલવાનું સામર્થ્ય તો જોઈએ ને ? જાદુગર શર્મા બોલી નહોતા શકતા. સમાજવાદી પાર્ટીએ વચલો રસ્તો કાઢતા નક્કી કર્યું કે પાર્ટીના સારામાં સારા વક્તાઓ બોલશે પણ એક શરત પર… જાદુગર શર્માએ જાદુ બતાવવો પડશે. ખાસ તો શર્માના જાદુને જોવા માટે પબ્લિક આવતી હતી. હવે જે પબ્લિક તમને જોવા માટે આવે તે મત પણ આપે તે જરૂરી તો નથી ! વક્તવ્ય પૂર્ણ થયા બાદ જાદુ કંઈક એવો ચાલતો કે, તમામ પાર્ટીના ઝંડાને શર્માજી કોથળામાં નાખતા અને અંદરથી એક ઝંડો નીકળતો જે સમાજવાદી પાર્ટીનો રહેતો. પબ્લિક જોતી, આનંદ લેતી. જ્યારે પરિણામ આવ્યું ત્યારે એ કોથળામાંથી એક જ ઝંડો બચ્યો. કોંગ્રેસના અજય કપૂરનો… આજે પણ ચૂંટણી આવે ત્યારે જાદુગરોના શો થતા જોઈને ઓ.પી.શર્મા અને ગોવિંદનગર વિધાનસભાની બેઠક યાદ આવી જાય છે.

READ ALSO

Related posts

પીએમ મોદી રવિવારે સવારે 11 વાગ્યે રેડિયો પર ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા રાષ્ટ્રને સંબોધન કરશે

Nilesh Jethva

લોહીયાળ બની રહી છે બિહાર ચૂંટણી, જનતાદળ રાષ્ટ્રવાદીના ઉમેદવારની ગોળી મારીને કરી નાખી હત્યા

Pravin Makwana

પંજાબ અને રાજસ્થાનની સરકારો ન્યાયનો માર્ગ રોકશે તો તેઓ સામે પણ ન્યાયની લડાઇ લડીશ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!