GSTV
Ahmedabad ગુજરાત ટોપ સ્ટોરી

રહસ્ય / ગુજરાતના આકાશમાં સોમવારે રાતે જોવા મળેલા પ્રકાશ પૂંજ શેના હતા?

સોમવારે રાતે સાડા નવ પછી સૌરાષ્ટ્રના જૂનાગઢ, રાજકોટ, ઉપલેટા, ધોરાજી, વંથલી, માણવદર વગેરે નગરોના આકાશમાંથી પ્રકાશના ગોળા પસાર થતાં જોવા મળ્યા હતા. એ પ્રકાશ પૂંજ લોકો માટે કુતૂહલનો વિષય બન્યા છે. આકાશમાંથી પસાર થઈ રહેલું લાઈટોનું ઝૂંડ શેનું હતું એ વિશે અનેક તર્ક-વિતર્ક થયા. પરગ્રહીઓ આવ્યાથી માંડીને એરફોર્સના વિમાનોમાંથી પડી રહેલા અવશેષો છે એવી વાતોય ચાલે. વાસ્તવિકતા છે કે લાઈટો સ્ટારલિન્ક સેટેલાઈટની એટલે કે ઉપગ્રહોની હોવાની પૂરતી શક્યતા છે.

સ્ટારલિન્ક સેટેલાઈટ શું છે?

અમેરિકી ઉદ્યોગપતિ ઇલોન મસ્કે સ્ટારલિન્ક નામે કંપની સ્થાપી છે. જે સેટેલાઈટ દ્વારા આખા જગતમાં ઈન્ટરનેટ પુરું પાડવા માંગે છે. એ માટે દર થોડા દિવસે સ્ટારલિન્ક એક સાથે 60 ઉપગ્રહો લોન્ચ કરે છે. અત્યાર સુધીમાં સ્ટારલિન્કના 1800 જેટલા ઉપગ્રહો લોન્ચ થઈ ચૂક્યા છે. ઈસરો કે નાસા દ્વારા લોન્ચ થતા ઉપગ્રહો કરતા સ્ટારલિન્કના ઉપગ્રહો કદમાં ખાસ્સા નાના હોય એટલે એ મોટી સંખ્યામાં લોન્ચ થઈ શકે છે. વિવિધ દેશોના અત્યારે સક્રિય હોય એવા ઉપગ્રહોની સંખ્યા સવા ત્રણ હજાર જેટલી છે. થોડા મહિનામાં જ આ સ્ટારલિન્ક સેટેલાઈટની સંખ્યા આખા જગતના ઉપગ્રહો કરતા વધી જશે.

સૌરાષ્ટ્રના આકાશમાં પ્રકાશ કેમ દેખાયો?

આ ઉપગ્રહો જ્યાંથી નીકળે ત્યાંના આકાશમાં જોવા મળે. એમ તો આપણા ઈસરોના સામાન્ય ઉપગ્રહો પણ આકાશમાંથી નીકળે અને આપણું ધ્યાન ઊંચુ હોય તો તેની તેજ રેખા આપણને જોવા મળે. પરંતુ એ ઉપગ્રહ હંમેશા એક જ હોય, જ્યારે સ્ટારલિન્કના સેટેલાઈટ એક સાથે 60 જેટલા હોય છે. એ સેટેલાઈટ લો અર્થ ઓર્બિટ (નીચલી ભ્રમણકક્ષા)માંથી પસાર થાય છે. તેની ઊંચાઈ 450થી 550 કિલોમીટર સુધીની છે.

વિડીયોમાં દેખાતો તેનો પ્રકાશ હકીકતે ચમકી રહેલી સોલાર પેનલો છે. કેમ કે ધરતી પર અંધારુ હોય પણ પાંચસો કિલોમીટરની ઊંચાઈએ તો સૂર્યના કિરણો સોલાર પેનલ સુધી પહોંચતા હોય છે. તેના કારણે સર્જાતું રિફ્લેક્શન ધરતી પરથી લાઈટ તરીકે દેખાય. ઉપગ્રહો ભ્રમણ કરતા હોય એટલે લાઈટો પસાર થતી હોય એવુ લાગે. આ ઉપગ્રહો ફરીથી ક્યારે આપણા આકાશમાંથી નીકળશે એ જાણવુ હોય તો https://findstarlink.com/ પર પોતાનું લોકેશન નાખી જાણી શકાય છે.

તો પછી ધડાકો શેનો થયો?

ધડાકા અને આકાશમાંથી પસાર થયેલા પ્રકાશ પૂંજને સીધો સબંધ હોય એવી શક્યતા ઓછી છે. ધડાકો એ યોગાનુયોગ હોઈ શકે. ચોમાસાના સિઝન હોવાથી આકાશમાં ગડગડાટી થાય જ છે. એ વખતે જ લાઈટો જોવા મળી એટલે આ લાઈટો અને ધડાકાને સંબંધ છે એમ માની લેવાયુ. હકીકતે એવુ નથી. ધડાકો કોઈ બીજા કારણોસર થયો હશે.

બીજી કોઈ લાઈટ હશે?

એરફોર્સના વિમાનોમાંથી આવી કોઈ પ્રકારની લાઈટો નીકળતી નથી. એરફોર્સના વિમાનો કે પેસેન્જર વિમાનો પસાર થાય તો સતત અવાજ સંભળાય. ચાઈનિઝ તુક્કલ કે પછી ડ્રોન પણ નથી, કેમ કે અધિકારીઓ તેની ના પાડે છે. વળી ડ્રોન હોય તો પણ તેની અન્ય લાઈટો ચાલુ-બંધ થતી જોવા મળે. પરગ્રહવાસીઓ હોય એ વાત તો સંપૂર્ણપણે ધુપ્પલ જ ગણવી રહી.

અન્ય દેશોમાં પણ દેખાય છે

આવી લાઈટો આપણને જ દેખાય એવુ નથી. જ્યાંથી ઉપગ્રહો પસાર થાય ત્યાં એ જોવા મળે છે. અગાઉ અમેરિકાના વિવિધ રાજ્યોમાંથી પણ લાઈટો પસાર થઈ ત્યારે ત્યાંના લોકોનેય આપણા જેવી જ જિજ્ઞાસા થઈ હતી. જેમ કે મે મહિનામાં જ બ્રિટન, આર્યલેન્ડ તથા અમેરિકાના એરિઝોના રાજ્યના આકાશમાંથી આ ઉપગ્રહો નીકળ્યા હતા. ત્યારે ત્યાંના લોકો પણ ગૂંચવાડે ચડ્યા હતા.

10 અબજ ડોલરના ખર્ચે 12 હજાર ઉપગ્રહોનો પ્રોજેક્ટ

સ્ટારલિન્ક આગામી પાંચ વર્ષમાં ઉપગ્રહોની સંખ્યા વધારીને 12 હજાર સુધી લઈ જવા માંગે છે. કુલ 10 અબજ ડોલર એ માટે મસ્ક ખર્ચી રહ્યા છે. માટે સતત સેટેલાઈટ લોન્ચ કરે છે. સપ્ટેમ્બર સુધીમાં જ આખા જગતમાં કવરેજ મળતું થાય એવો મસ્કનો પ્રયાસ છે. એમેઝોનના જેફ બેઝોસ પણ સેટેલાઈટ ઈન્ટરનેટ પર કામ કરે છે, પણ મસ્ક કરતાં એ ક્યાંય પાછળ છે. અમેરિકા અને યુરોપ કેટલાક સહિત 11 દેશોમાં તેનું સેટેલાઈટ ઈન્ટરનેટ ચાલુ થયુ છે. ભારતમાંય અમુક શહેરોમાં સ્ટારલિન્ક સેટેલાઈટ ઈન્ટરનેટની સગવડ મળે છે.

Read Also

Read Also

Related posts

સફેદ પાવડરના કાળા કારોબારનો પર્દાફાશ / ઈરાનની બોટમાંથી 1000 કરોડનું ડ્રગ્સ ઝડપાયુ, NCB-નેવીનું સંયુક્ત ઓપરેશન

Hardik Hingu

દારૂડીયા પતિનું કારસ્તાન / પત્નીની આવકમાંથી દારૂનો નશો કરતા પતિએ તેના પર જ કર્યો એસિડ એટેક

GSTV Web Desk

મિશન 2024 / ચંદ્રશેખર રાવની દિલ્હી રેલીમાં વિપક્ષી એકતાનું પ્રદર્શન?, મોદી સામે લડવા રાવમાં થનગનાટ પણ વિપક્ષ ઉદાસિન

Hardik Hingu
GSTV