GSTV

મોદી સરકારે જે 370 કલમ નાબૂદ કરતાં રાજ્યસભામાં હોબાળો થયો એ કલમ આખરે શું છે? હવે નવો ઇતિહાસ રચાશે

છેલ્લા કેટલાક દિવસથી ફરી એક વખત કાશ્મીરનો પ્રશ્ન ચર્ચામાં છે. સરકારે પહેલા તો આતંકી હુમલાનો ભય હોવાનું જણાવી અમરનાથ યાત્રા અધવચ્ચે અટકાવી દીધી છે. પરંતુ હકીકતે તેનાથી લોકોમાં એવો સંદેશ જાય છે કે શું સરકાર આતંકવાદીઓથી ડરી ગઈ છે. શું સરકાર લોકોનું આતંકીઓથી રક્ષણ કરી શકે એમ નથી. એટલે ફક્ત આતંકવાદના ભય હેઠળ યાત્રા અટકાવી હોય અને સુરક્ષા વધારી હોય એવું દેશનો મોટો વર્ગ માનવા તૈયાર નથી. કાશ્મીરમાં હાલ થઇ રહેલી વિવિધ અટકળોના મૂળમાં ખરેખર તો કલમ 370 છે. ત્યારે આવો જોઇએ શું છે કલમ 370 અને તેનો ઇતિહાસ.

શું છે કલમ 370

કાશ્મીરને હંમેશા પ્રવાસન કે પછી આતંકવાદની દૃષ્ટિએ જોવામાં આવે છે. પરંતુ હકીકત એ છે કે કલમ 370ને કારણે કાશ્મીરનો આર્થિક વિકાસ થઈ જ શક્યો નથી. અત્યારે જે કંઈ ચાલે છે એ પ્રવાસન પર ચાલે છે માટે કાશ્મીરની સામાન્ય જનતા શું ઈચ્છે છે એ ક્યારેય જાણી શકાતું નથી. પરંતુ કાશ્મીરની આવનારી પેઢીને સારું ભવિષ્ય આર્થિક વિકાસ વગર નથી મળવાનું. કાશ્મીરમાંથી હંમેશા લોકોના નામે કલમ 370 હટાવાનો વિરોધ થતો રહ્યો છે. ત્યારે આવો જોઇએ કે કલમ 370 અંતર્ગત જમ્મુ-કાશ્મીરને ક્યા વિશેષ હકો મળી રહ્યા છે.

કલમ 370 કાશ્મીરને વિશેષ દરજ્જો આપે છે પરંતુ સાથે સાથે તેને પછાત પણ રાખે છે. કેમ કે કલમને કારણે જ કાશ્મીર માત્ર ત્યાં રહેતી પ્રજાનું જ બની રહ્યું છે. બહારના રોકાણ કે ઉદ્યોગો ત્યાં આસાનીથી આવતા નથી.

ભારતના દરેક રાજ્યમાં વિધાનસભાનો કાર્યકાળ પાંચ વર્ષનો હોય છે. જ્યારે જમ્મુ-કાશ્મીરમાં આ કાર્યકાળ 6 વર્ષનો છે. કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરના નાગરિકોને ભારતનું અને જમ્મુ-કાશ્મીરનું એમ બેવડું નાગરિત્વ મળે છે. આ કલમ મુજબ જમ્મુ-કાશ્મીર રાજ્ય હોવા છતાં તેનો રાષ્ટ્રધ્વજ છે અને તે ભારતના રાષ્ટ્રધ્વજથી અલગ છે એટલુ જ નહીં જમ્મુ-કાશ્મીરના નાગરિકો ભારતના રાષ્ટ્રીય પ્રતિકો અને રાષ્ટ્રધ્વજનું અપમાન કરે તો એ ગુનો બનતો નથી. બીજી મહત્વની બાબત એ કે સુપ્રીમ કોર્ટનો આદેશ આખા ભારતને લાગુ પડે પરંતુ કલમ 370નું રક્ષણ મેળવતા જમ્મુ-કાશ્મીરને નહીં. ભારતની સંસદ આખા દેશનું પ્રતિનિધિત્વ કરતી હોવા છતાં જમ્મુ-કાશ્મીર સબંધિત મર્યાદિત ક્ષેત્રોમાં જ કાયદા-કાનૂન બનાવી શકે છે.

કલમ 370 હેઠળ જમ્મુ-કાશ્મીરની યુવતી ભારતના કોઈ અન્ય રાજ્યના પુરુષ સાથે લગ્ન કરે તો તેનું કાશ્મીરી નાગરિત્વ ખતમ થઈ જાય. પણ વિચિત્રતા એ છે કે એ જ યુવતી જો પાકિસ્તાની યુવક સાથે લગ્ન કરે તો તેની કાશ્મીરી નાગરિકતા યથાવત રહે. વળી કોઈ પાકિસ્તાની યુવક કાશ્મીરી યુવતી સાથે લગ્ન કરે તો તેને કાશ્મીરની નાગરિકતા પણ મળી જાય. બહારથી આવેલા કોઇ પણ નાગરિકો કાશ્મીરમાં જમીન ખરીદી શકતા નથી. તો સમગ્ર દેશને લાગુ પડે એ રાઈટ ટુ ઈન્ફર્મેશન, રાઈટ ટુ એજ્યુકેશન, કેગ સહિત અનેક ભારતીય કાયદાઓ કાશ્મીરમાં લાગુ નથી પડતાં એટલે કેન્દ્ર સરકાર ઈચ્છે તો પણ ત્યાંના બાળકોને શિક્ષણ આપી શકતી નથી એ કામ માત્ર રાજ્ય સરકાર કરી શકે.

દેશની પ્રજા સાતેક દાયકાથી આ કલમ ક્યારે હટે તેની રાહ જુએ છે. કેમકે જમ્મુ-કાશ્મીર એ કોઈ અલગ દેશ નથી. ભારતનો જ ભાગ છે. માટે એ ભારતનો ભાગ લાગે અને અન્ય રાજ્યવાસીઓને અન્યાય ન થાય એ હેતુથી આ કલમ નાબુદ કરવી રહી. આમ પણ આઝાદીના પોણા સાત દાયકા સુધી ચાલુ રહેલી આ કલમને કારણે કાશ્મીરને જે લાભ મળવાનો હોય એ મળી ચુક્યો છે. માટે હવે તેને કોઈ વિશેષ રાજ્યના દરજ્જાની જરૂર નથી એવુ વર્તમાન સરકાર સહિત દેશનો મોટો વર્ગ માને છે. કેમકે એક રાજ્યની ઈચ્છા મુજબ દેશ ન ચાલી શકે. દેશની ઈચ્છા મુજબ રાજ્યએ ચાલવાનું હોય છે

કલમ 370નો ઇતિહાસ

જમ્મુ-કાશ્મીર ભારતનું રાજ્ય હોવા છતાં અલગ દેશ હોય એવા ઘણા હક્ક ભોગવે છે. આખા દેશમાં જ્યારે સમાનતાની વાત ચાલતી હોય ત્યારે કોઈ એક રાજ્યને વિશેષાધિકાર મળે એ બીજા રાજ્યોને ન ગમે એ સ્વાભાવિક છે. પરંતુ કાશ્મીરને અનેક વિશેષાધિકારો મળવાનું કારણ છે કલમ 370.

કલમ 370 ભારતના બંધારણની સૌથી વિવાદાસ્પદ કલમ તરીકેનો ઈતિહાસ ધરાવે છે આ કલમ ખૂબ જ શક્તિશાળી છે. કલમ 370ને કારણે જમ્મુ-કાશ્મીર રાજ્યમાંથી દેશ બનતા જરાક જ રહી જાય છે. આ કલમ જમ્મુ-કાશ્મીરને કેટલાક એવા વિશેષાધિકારો આપે છે જે ભારતના અન્ય કોઇ રાજ્યો પાસે નથી. જમ્મુ-કાશ્મીર લશ્કર. વિદેશ નીતિ. નાણા અને સંદેશાવ્યવહાર જેવા મહત્વના મુદ્દાઓ સિવાયની બધી જ નીતિઓ પોતાની રીતે ઘડી શકે છે. ભારત સરકારે તેમાં દખલ કરવી હોય તો રાજ્ય સરકારની મંજુરી લેવી પડે છે. પરંતુ આટલી પાવરફૂલ કલમની કાશ્મીરને કેમ જરૂર પડી. તેનો જવાબ આઝાદી પછીના સંજોગોમાં રહેલો છે.

વર્ષ 1948માં જ પાકિસ્તાને કાશ્મીરને પોતાનામાં ભેળવી દેવા હુમલો કર્યો. એ વખતે ભારત સરકારે હરિસિંહના કાશ્મીરને મદદ કરતા તેમણે કાશ્મીરને ભારત સાથે ભેળવી દીધું. જે બાદ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના કાશ્મીર મુદ્દે સલાહકાર અને મિત્ર શેખ અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીર બેઠું થઈ ભારત સાથે કદમ મિલાવી શકે એ માટે અહીં કલમ 370 દાખલ કરવાની ભલામણ કરી હતી. ઇરાદો એવો હતો કે થોડો સમય આ રાજ્યને વિશેષ દરજ્જો-સુવિધા મળે તો અહીંના નાગરિકો ભારત સાથે તાદામ્ય સાધી શકે અને તેમની લધુમતી જનતાને સલામતીનો અહેસાસ થાય. મતલબ કે ત્યારે આ કલમને ટૂંક સમય માટે જ લાગુ કરાઈ હતી. પરંતુ આજે વક્રતા એ છે કે એ ટૂંકો સમય હજુ પૂરો નથી થયો. અને કલમ 370 કાયમી ધોરણે ઘર કરી ગઈ છે.

કલમ 370 લાગુ કરતી વખતે જ ડો. આંબેડકર સહિતના ઘણા વિદ્વાનોએ તેનો વિરોધ કર્યો હતો જે જવાહરલાલ નહેરુએ ધ્યાનમાં લીધો ન હતો. કાશ્મીરને પણ કલમ 370ના નામે નહેરુ સરકારે ઘણી છૂટ આપી હતી. ત્યારના સંજોગો જોતા એ છૂટ કદાચ જરૂરી હશે. પરંતુ હવે તેનો વ્યાપક દુરુપયોગ થાય છે. આથી જ દેશના મોટા ભાગના લોકોની એવી લાગણી છે કે કાશ્મીરને અપાતો વિશેષ દરજ્જો રદ કરી તેને પણ અન્ય રાજ્ય જેવું જ બનાવી દેવું જોઈએ.

Read Also

Related posts

મહાસત્તાના 46માં રાષ્ટ્રપતિ Joe Biden ની સેલરી સાંભળી સ્તબ્ધ થઇ જશો, જાણો કઇ-કઇ ફેસિલિટી છે ઉપલબ્ધ

Mansi Patel

BIG NEWS/ અમેરિકા માટે ઐતિહાસિક દિવસ, આજથી ટ્રમ્પ યુગનો અસ્ત, બાઈડન બન્યા અમેરિકાના 46માં રાષ્ટ્રપતિ

Pravin Makwana

પ્રજાસત્તાક દિન પહેલાં જ વધુ એક ઘૂસણખોરી નિષ્ફળ, અખનૂર સેક્ટરમાં 3 આતંકીઓ ઠાર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!