GSTV
Rajkot Trending ગુજરાત

અંદરની વાતઃ કોળી સમાજનું સંમેલન શું સૂચવે છે, કુંવરજી-પરશોતમ પકડ ગુમાવી રહ્યા છે?

કોળી

તાજેતરમાં જસદણ નજીક કોળી સમાજનું સંમેલન યોજાયું. જસદણ એ કુંવરજી બાવળિયાનો ગઢ ગણાય છે. કોંગ્રેસના ઉમેદવાર તરીકે પણ તેઓ સતત અહીંથી જીતતા હોવાથી જ ભાજપે તેમને આવકાર્યા, એટલું જ નહિ, કેબિનેટ દરજ્જાના મંત્રી પણ બનાવ્યા હતા. હવે કુંવરજી કેબિનેટમાં તો નથી, પરંતુ ભાજપમાં તો છે જ. પોતાના જ વિસ્તારમાં પોતાના જ સમાજનું સંમેલન હોય અને તેમાં કુંવરજી ગેરહાજર રહે એ આશ્ચર્યજનક છે.

કોળી

સંમેલનમાં ઉપસ્થિત વક્તાઓનો સૂર મોટાભાગે ભાજપવિરોધી હોવાનું પ્રતિત થયું. આમઆદમી પાર્ટી સાથે સંકળાલયેલ કેટલાંક નેતાઓએ કુંવરજી ઉપરાંત પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલને આડે હાથે લીધા. કોળી-ઠાકોર સમાજના ઉત્થાન માટે નિમાયેલાં બોર્ડની નબળી કામગીરીનો ઉલ્લેખ કરીને વધુ બજેટ ફાળવવાની માંગણી પણ કરવામાં આવી. આ બધું તો ખેર, સમાજના સંમેલન હોય એટલે થવાનું અપેક્ષિત જ હોય, પરંતુ કુંવરજી ઉપરાંત કોળી સમાજના દિગ્ગજ નેતા પરશોતમ સોલંકી કે તેમના ભાઈ હિરાભાઈ સોલંકીની પણ ગેરહાજરી ઊડીને આંખે વળગતી હતી.

અંદરની વાત એવી જાણવા મળે છે કે આ સંમેલન આમઆદમી પાર્ટી સાથે સંકળાયેલા કેટલાંક નેતાઓએ પોતાના શક્તિ પ્રદર્શનના હેતુથી યોજ્યું હતું જેમાં સમાજના નેતા તરીકે સૌને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ કુંવરજી, પરશોતમ સોલંકી કે સોમા ગાંડા જેવા દિગ્ગજ નેતાઓએ હાજર રહીને અપમાનજનક સ્થિતિમાં મૂકાવાનું ટાળ્યું હતું. હવે ભાજપતરફી સંમેલન યોજવા માટે આ નેતાઓએ કમર કસી છે.

તેનો અર્થ એવો થયો કે કોળી સમાજ પણ ત્રણ મોરચે વિખરાયેલો છે. અત્યાર સુધી કુંવરજી, પરશોતમ, સોમાભાઈની ભાજપતરફી લોબી હતી. તો ઋત્વિક મકવાણાની કોંગ્રેસતરફી છાવણી હતી. હવે તેમાં આમઆદમી પાર્ટી તરફી કોળી સમાજનો ફાંટો પડ્યો છે. જોડવાની વાત કરતાં રાજકારણીઓ જ્ઞાતિ સમુદાયને પણ પોતાના સ્વાર્થ ખાતર વહેંચી રહ્યા છે તેનું આ વરવું ઉદાહરણ છે. સમગ્ર ગુજરાતમાં સૌથી મોટી વોટબેન્ક મનાતો કોળી, ઠાકોર સમુદાય પોતાના તરફ ઝૂકે એ માટે સૌ કોઈ પ્રયત્નશીલ છે ત્યારે આશ્ચર્યજનક બાબત એ પણ ગણવી પડે કે આજ સુધી કદી પણ ગુજરાતના મુખ્યમંત્રીપદે કોળી કે ઠાકોર સમુદાયના નેતાને તક મળી નથી.

Read Also

Related posts

અંદરની વાતઃ ભૂદેવની કમિટેડ વોટબેન્ક જાળવવાનો પડકાર ભાજપ આ રીતે પાર પાડશે

Damini Patel

ગેહલોતના નામ પર ચોકડી લાગ્યા પછી કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીમાં આ નામોની ચાલી રહી છે ચર્ચા

Hemal Vegda

OMG/ કબ્રસ્તાનમાં અચાનક જીવતી થઇ ડેડબોડી, તાબૂત ખખડાવતા કહ્યું, “હું જીવિત છું”

Damini Patel
GSTV