ભારતીય હવામાન વિભાગે કેરળમાં રવિવારે અલગ-અલગ સ્થાનો પર ભારે વરસાદ અને છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે. આઈએમડીએ પોતાની ચેતવણીમાં જણાવ્યું છે કે કર્ણાટક, તટવર્તી આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરાના અલગ-અલગ સ્થાનો પર ભારે પવન સાથે હળવા વરસાદની સંભાવના છે. પશ્ચિમી હિમાલયના વિસ્તારમાં પંદરમી એપ્રિલે ફરીથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સંભાવનાઓ છે. તેમાં બાંગ્લાદેશના પૂર્વ ભાગ અને આસપાસના વિસ્તારોમાં ચક્રવાતીય સર્કુલેશનની સંભાવના છે. તેને કારણે પૂર્વોત્તર અને પશ્ચિમ બંગાળમાં વરસાદની શક્યતા છે. જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળના પર્વતીય વિસ્તારો તથા સિક્કિમમાં અલગ-અલગ સ્થાનો પર સોમવારે છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ઉત્તરાખંડમાં પણ અલગ-અલગ સ્થાનો પર વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.