GSTV

શિયાળાની ફુલ ગુલાબી ઠંડીમાં તમારા સૌંદર્યમાં ચારચાંદ લગાવશે રંગબેરંગી શાલ

શિયાળાની ગુલાબી ઠંડીમાં હીલ સ્ટેશન પર ફરવા જઈએ ત્યારે આપણે શાલ અચૂક લઈ જઈએ છીએ. સરસ સાડી પહેરી હોય તેના પર આકર્ષક પશ્મીના શાલ ઓઢી હોય તો આખો લુક બદલાય જાય છે. ઘણી મહિલાઓ તો શિયાળામાં સ્વેટર પહેરવાને બદલે શાલ ઓઢવાનું જ પસંદ કરે છે. આપણે ત્યાંથી જે કોઈ કુલુ-મનાલી કે હિમાચલ પ્રદેશમાં ફરવા જાય તેમની પાસે આપણે ત્યાંની શાલ મંગાવીએ છીએ. હિમાચલ પ્રદેશમાં આવેલા કુલુને દેવતાઓની ઘાટી માનવામાં આવે છે. અહીં સેંકડો મંદિરો અને હજારો દેવતાઓનેા વાસ છે. એમ કહેવાય છે. આજે આ સ્થળ ઉત્તમ પર્યટન સ્થળ તરીકે પ્રખ્યાત છે. ગરમીના દિવસોમાં લાખો પર્યટકો કુલુ-મનાલીમાં આરામ કરવા આવે છે. સહેલાણીઓએ અહીંની શાલોને આખા દેશમાં મશહુર કરી દીધી છે. આ ઠંડા પ્રદેશમાં ઘરની જરૂરિયાત માટે શાલ બનાવવામાં આવતી હતી અને તે અહીંનો મુખ્ય પહેરવેશ પણ ગણાય છે. આજે આ જ શાલનો ઉદ્યોગ મોટા પાયે વિકસી ગયો છે. લુધિયાણા મિલોએ આ શાલની નકલ કરીને એવી જ શાલ બનાવીને વેચવાનું શરૂ કર્યું છે. હિમાચલ પ્રદેશના બધા જ રાજ્યમાં ત્યાંના સ્થાનિક પહેરવેશની દ્રષ્ટિએ શાલ બનાવવામાં આવે છે. તેથી બધી જ જગ્યાએ જુદી જુદી ડિઝાઈન જોવા મળે છે. અહીં ઠંડી ઘણી હોય છે. અને કપાસ બહુ થતું નથી પરંતુ ઘેટા-બકરાંનુ પ્રમાણ વધારે છે એટલે અહીં ઊનના વસ્ત્રોનું ચલણ વધારે છે.

અહીંના બધા જ ઘરોમાં પિટલુમ છે અને બધા જ સ્ત્રી-પુરુષ પોતપોતાના કપડા બનાવતા હોય છે. તેઓ કપડા પણ એવી રીતે પહેરે છે કે સિલાઈની વધારે જરૂર રહેતી નથી. પરંતુ હવે સમય બદલાયો છે. અને હવે ફેશને અહીંઆ પણ પોતાનો રંગ દેખાડવાનો શરૂ કર્યો છે. હિમાચલ પ્રદેશનો કિન્નોર જીલ્લો કલાત્મક દ્રષ્ટિથી શ્રેષ્ઠ રહ્યો છે. આજે પણ કુલુમાં કિન્નોરની ડિઝાઈનને સૌથી સારી ગણવામાં આવે છે. હવે અહીં ગ્રાફ બનાવીને ડિઝાઈન બનાવવામાં આવે છે. સામાન્ય રીતે બોર્ડરવાળી પ્લેન શાલ મળતી હોય છે. પરંતુ હવે પ્રાકૃતિક દ્રશ્યો, બાંધણી પ્રિન્ટ તથા છૂટી બુટ્ટીઓ વગેરે ડિઝાઈનની શાલની માંગ વધતી જાય છે. વાસ્તવમાં પહેલાં હિમાચલ પંજાબનો એક ભાગ હતો. ત્યાંના રાજાએ ૧૯૨૮માં પાણીપતથી કેટલાંક પ્રશિક્ષક બોલાવીને કુલુમાં આધુનીક વણાટના શ્રીગણેશ કર્યા હતા. આ જ વણાટકલા આજે પણ ચાલુ છે. સહકારી સમિતિઓની ડિઝાઈન આજે પણ પાણીપતમાંથી તૈયાર થાય છે. વ્યવસાયિક સ્તરે શાલ નિર્માણ અને વણાટકામ તેમના આધારે જ થાય છે. ખાટલા જેવી પિટલુમમાં કપડાની પહોળાઈ ઓછી રહેતી. લગભગ દોઢથી પોણા બે ફૂટ જ પહોળી શાલ બનતી. પણ હવે નવી ફ્રાઈ શટલ લૂમમાં આવશ્યક્તાનુસાર પહોળાઈ વધારી કે ઘટાડી શકાય છે.

મુખ્યત્વે શાલના બે પ્રકાર હોય છે. એક પ્લેન પટ્ટુ, જેને લેડીસ શાલ કહે છે. અને પુરુષોની શાલને પટ્ટી કહેવામાં આવે છે. શાલની બોર્ડરને પટ્ટી કહેવામાં આવે છે. તેમાં એક, બે કે ત્રણ પટ્ટીની શાલ પણ હોય છે. શાલની બનાવટમાં સ્થાનિક ઘેટા-બકરાનું ઊન જ કામ આવતું હતું. પણ હવે અમૃતસર, લુધિયાણા અને ઓસ્ટ્રેલિયાના ઊનનો ઉપયોગ થાય છે. એક શાલ બનાવવામાં લગભગ ૩૫૦થી ૪૦૦ ગ્રામ ઊન જોઈએ છે. ઓછામાં ઓછા ૪૮ દોરાની અને વધારેમાં ૬૪ દોરાની શાલ બનાવવામાં આવે છે. હા, કેટલીક નિમ્ન કક્ષાની શાલમાં ૩૬થી ૪૦ જ દોરા હોય છે. જે પછી સંકોચાય જાય છે. મીલમાં બનાવવામાં આવતી શાલમાં લગભગ ૮૦ જેટલા દોરા હોય છે.

પણ તેના દોરાઓ છૂટા હોય છે. એટલે તેમાં ગરમ હવા રહેતી નથી. પણ મીલની શાલ સસ્તી હોય છે. ધાબળામાં ૧૮ થી ૨૪ દોરા હોય છે. તેમાં લડાખનું બિયાંગ ઊન વધારે પ્રસિધ્ધ છે. અહીંના મેમણાઓનું ઊન જેને ડમ્બુ કહે છે તે ખૂબ જ સારું માનવામાં આવે છે. એક કિલો ઊનને રંગવામાં એક તોલો રંગ જોઈએ. દેશી પટ્ટીથી બનાવેલી શાલનું વણાટ એકદમ સખત હોય છે એટલે તે ખૂબ જ મજબૂત હોય છે. પરંતુ આઠ ક્લાકમાં માત્ર ચાર મીટર જેટલી જ બનાવી શકાય છે. જ્યારે મશીનમાં ૨૦ મીટર જેટલું વણાટ થાય છે. પરંતુ કપડું નરમ હોય છે. શાલમાં ગણેશ, બુલબુલ, ચશ્મ, મંદિર, કીડા, ગુલાબ, મોર, આંબી, જાકા, ટી જેવી ડિઝાઈન હોય છે.

આ બધી ડિઝાઈનની શાલ એકદમ આકર્ષક હોય છે. પહેલા આ ડિઝાઈન બધાને યાદ હતી અને બધા આપમેળે જ ડિઝાઈન બનાવતા હતા. પરંતુ હવે વણકારોને ડિઝાઈનને ગ્રાફ બનાવીને આપવામાં આવે છે. લેડીસ શાલ બે મીટર લાંબી અને એક મીટર પહોળી હોય છે જે ૮૦ થી ૮૦૦ રૂપિયા સુધીની બને છે અને રૂ.૧૫૦ થી ૧૨૦૦ સુધીમાં વેચાય છે. પુરુષોની શાલ ત્રણ મીટર લાંબી અને દોઢ મીટર પહોળી હોય છે. તે બસોથી ચારસો રૂપિયામાં બને છે. પહેલાં તો શાલની બનાવટમાં માત્ર થોડા જ રંગો હતા. પરંતુ હવે આધુનીક મશીન અને ફેશનને કારણે વિવિધ રંગો અને ડિઝાઈનની શાલ મળે છે. તે ઉપરાંત પહેલા દેશી ઊનમાંથી જ શાલ બનાવવામાં આવી. પરંતુ હવે તેની બનાવટમાં સીન્થેટીક યાર્નનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે, સીન્થેટીક યાર્નના રંગ ચમકદાર હોય છે. તે ઉપરાંત તે ટકાઉ અને આકર્ષક હોય છે. તથા દેશી ઊન કરતાં સસ્તી પણ પડે છે. આધુનીક વસ્ત્રો હોય કે પારંપારિક પરંતુ ઠંડીમાં શાલ ઓઢવાથી ગરમાટો મળવાની સાથે સ્ટાઈલનો સુમેળ પણ થાય છે.

Read Also

Related posts

ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવા દરરોજ કરો કીવીનું સેવન, સ્વાસ્થ્ય માટે પણ છે ફાયદાકારક

Ankita Trada

વર્લ્ડ હાર્ટ ડેઃ હાર્ટને હેલ્ધી રાખવા આ 5 વાતોનું ધ્યાન રાખો, 3 માંથી 1 મૃત્યુ થાય છે હાર્ટ એટેકથી

Karan

પતિને આવ્યો કોલ- ભાઈ ભાભી અજાણ્યા યુવક સાથે ફરી રહી છે અને પછી…..

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!