GSTV
Home » News » કૃષ્ણનગરી વૃંદાવન હોળીના રંગે રંગાઈ, બાંકે બિહારી મંદિરના દ્વાર ખુલતા રંગોની છોળો ઉડાવી

કૃષ્ણનગરી વૃંદાવન હોળીના રંગે રંગાઈ, બાંકે બિહારી મંદિરના દ્વાર ખુલતા રંગોની છોળો ઉડાવી

રંગોના તહેવાર હોળીની દેશભરમાં ધૂમ છે. કૃષ્ણનગરી વૃંદાવન હોળીના રંગે રંગાઈ ગયું છે. વૃંદાવનના બાંકે બિહારી મંદિરમાં રંગોના તહેવારની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે. બાંકે બિહારી મંદિરના દ્વાર ખુલતાની સાથે ભક્તો ભગવાનના દર્શન કરવા અધિરા બની ગયા અને બાંકે બિહારીના દર્શન કરવાની સાથે રંગોની છોળો ઉડાવી. વ્રજભૂમિ જેવી ઉમંગભેર ખેલાતી રંગરસ ભરી હોળી ભારતભરમાં ક્યાંય રમાતી નથી. વ્રજભૂમિ એટલે ગોકુળ, મથુરા, વૃંદાવન, નંદગાંવ અને બરસાનાની પાવનભૂમિ. વ્રજનો પ્રત્યેક બાંકો છોરો, કાન્હો અને પ્રત્યેક છોરી, છબીલી રાધા બનીને આ દિવસોમાં ગુલતાન બનીને મ્હાલે છે.

વ્રજભૂમિના દરેક નર-નારી હોળીના વિવિધ લોકગીતો ફાગ, ધ્રુપદ, ધમાર, રસિયા રંગ કે  ડફકી હોરી જેવા ઋતુગીતો ગાઈ રહ્યા છે. બધા જ વ્રજભક્તો ભેદભાવ ભૂલીને, વાજિંત્રો, ઢોલ-નગારાને તાલે, નિજાનંદની મસ્તીમાં, નાચ-ગાન કરીને મનોરંજનનો અમૂલ્ય લ્હાવો લૂંટે છે.

વ્રજમાં હોળીનો બીજો દિવસ ધુળેટી એ વ્રજ નર-નારી એકબીજા પર કટુતા વિના, હાસ્ય-મજાક સાથે, નિર્દોષતાનાં ભાવથી વ્યંગબાણ ઉચ્ચારીને અંતે તો કહે છે કે ‘બૂરા ન માનો આજ હોલી હૈ!’ હજુ આજે પણ હોળી પર, સમાજ કે વ્યક્તિનાં રમૂજી ઉપનામો ચીતરીને તેના પત્રો વહેંચવામાં આવે છે. જેના પર માત્ર ને માત્ર હસીને ભૂલી જવાય છે. તેને કોઈ ગંભીરતાથી લેતું નથી. ધૂળેટીનાં પ્રભાતે એકબીજા પર અબીલ ગુલાલ, ચંદન, હળદર અને અત્તર તથા ગુલાબજળનાં છંટકાવ કરવામાં આવે છે. હોળીના આ રંગીન દિવસોમાં ઉચ્ચ નીચ, વર્ગભેદ વગેરે બધું ભૂલીને એકબીજાને ગળે લગાડાય છે. આ ઉપરાંત સ્નેહીજનોમાં મીઠાશ બની રહે તે માટે ખાસ ધૂળેટીનાં રંગોથી રંગાયા પછી સ્વાદિષ્ટ મીઠાઈ-ફરસાણ જેવા વ્યંજનો પીરસવાનો કાર્યક્રમ યોજાય છે. 

વ્રજમાં સૌથી વધારે પ્રખ્યાત બરસાના ગામની ‘લઠ્ઠમાર’ હોળી છે. બરસાના એ મથુરા પાસે આવેલું, રાધાજીનું એ જન્મસ્થળ ગણાય છે. અહીં લઠ્ઠમાર હોળીની ખાસિયત એ છે કે બરસાના ગામની ધૂળેટીના દિવસે સ્ત્રીઓ ખાસ શણગાર સજીને લાંબા ઘૂમટા તાણે છે અને ખાસ પ્રકારની તૈયાર કરવામાં આવેલી કલાત્મક લાઠી દ્વારા હોળી ખેલવા તૈયાર રહે છે.

લઠ્ઠમાર પ્રસંગે નંદગામથી હોળી રમવા આવેલા પુરુષો જેઓ ‘રાધાજી’ના મંદિર ‘લાડીલીજી’ પર ધજા ફરકાવવાનાં પ્રયત્નો કરે છે, ત્યારે જ એ મહિલાઓ પુરુષો પર જમકર લાઠીનો પ્રહાર કરે છે. સ્ત્રીઓનાં નાજુક હાથમાં ચૂડલાનો રણકાર, જે લાઠીનાં પ્રહારને વધારે ખનકદાર બનાવી દે છે. પુરુષો ખાસ પ્રકારની ઢાલથી પ્રતિકાર કરતાં આ લાઠીનો માર સહન કરે છે. જો પુરુષો આ લાઠીમારમાં બચી ન શકે તો તે પુરૂષને મહિલાનાં પરિવેશમાં શૃંગાર સજીને નાચ નચાવવામાં આવે છે.

પૌરાણિક કાળમાં શ્રીકૃષ્ણને પણ બરસાનાની ગોપીઓએ નાચ કરાવ્યો હતો અને શ્રીકૃષ્ણે પણ બહુ પ્રેમથી નૃત્ય કર્યું હતું. વ્રજની સ્ત્રીઓ આજે પણ અનેક પ્રજ્જવલિત દીપોની હારમાળાથી આરતી લઈને જાણીતું ચીરક્લા નૃત્ય આખી રાત કરતી રહે છે.

હોળીનો બીજો દિવસ એટલે કે ધૂળેટીને ફૂલ-ડોલોત્સવ વ્રજભૂમિનાં મંદિરોમાં ભારે હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. એક એવી પુરાણકાળની માન્યતા છે કે યાદવોએ ભગવાન શ્રીકૃષ્ણને તેમની લીલાઓથી પ્રસન્ન થઈને તેમને આસોપાલવ અને ફૂલનાં હીંડોળે ખુબ જ ઝુલાવ્યા હતા! આમ ધૂળેટીના દિવસે પાંચ વાર રંગોનાં ખેલ સમસ્ત વૈષ્ણવ ધર્મોમાં યોજવામાં આવે છે. આ પાંચ ખેલ પૂર્ણ થયા બાદ શ્રીજી મહારાજનું વિધિવત્ પૂજન-અર્ચન અને ભોગ ધરાવ્યા બાદ આરતી થાય છે ને ધૂળેટીનો ઉત્સવ પૂર્ણ થાય છે.

Read Also

Related posts

મોદીને નકલી અને મુલાયમને અસલી ઓબીસી કહેવા પાછળનો માયાવતનો ઇરાદો શું છે ?

Riyaz Parmar

Tik Tok પર ભારતમાં પ્રતિબંધ હટી શકે છે, કંપનીની આ જાહેરાતથી સરકાર પર આવશે પ્રેશર

Path Shah

હાર્દિક પટેલનાં થપ્પડકાંડ મામલે ભાજપનાં આ નેતા બોલ્યા કે, આ તો બધુય…..

Riyaz Parmar