GSTV
Home » News » ચેસના એ બે કયા દિગ્ગજ ખેલાડી છે જેને ભારત-બાંગ્લાદેશની ડે-નાઈટ ટેસ્ટ મેચનું ઉદ્ધાટન કરવા આમંત્રણ મળ્યું છે

ચેસના એ બે કયા દિગ્ગજ ખેલાડી છે જેને ભારત-બાંગ્લાદેશની ડે-નાઈટ ટેસ્ટ મેચનું ઉદ્ધાટન કરવા આમંત્રણ મળ્યું છે

ભારતીય ક્રિકેટ બોર્ડના પ્રમુખ તરીકે ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને તેમની નવી ટીમે કામગીરી સંભાળી લીધા બાદ ભારતને સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ રમવાની તક મળી છે. કોલકાતામાં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે તારીખ ૨૨થી ૨૬ નવેમ્બર દરમિયાન રમાનારી શ્રેણીની બીજી અને આખરી ટેસ્ટ ડે-નાઈટ ફોર્મેટમાં રમાશે. ભારતની આ સૌપ્રથમ અને ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટનો પ્રારંભ ચેસના લેજન્ડરી સુપરસ્ટાર વિશ્વનાથન આનંદ અને મેગ્નસ કાર્લસનના હસ્તે કરાવવામાં આવે તેવું આયોજન કરવા માટે ગાંગુલી પ્રયાસ કરી રહ્યો છે. બીસીસીઆઇએ આ માટે ભારતના ભૂતપૂર્વ મલ્ટીપલ વર્લ્ડ ચેમ્પિયન વિશ્વનાથન આનંદ અને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન કાર્લસનને આમંત્રણ પાઠવી દીધુ છે.

આનંદ અને કાર્લસન ચેસની દુનિયાના દિગ્ગજ ખેલાડી

હાલમાં ચાલી રહેલી ટાટા સ્ટીલ ચેસ ઈન્ડિયા- રેપિડ અને બ્લિટ્ઝ ટુર્નામેન્ટમાં આનંદ અને કાર્લસન બંને ભાગ લઈ રહ્યા છે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે જાહેરાત કરી છે કે, વિશ્વનાથન આનંદે તો આમંત્રણનો સ્વીકાર કરી લીધો છે. જ્યારે કાર્લસને હજુ આ અંગે કોઈ પ્રતિભાવ આપ્યો નથી. તેના જવાબનો ઈંતજાર છે. કોલકાતામાં રમાનારી ડે-નાઈટ ટેસ્ટ મેચ બપોરે ૧.૦૦ વાગ્યાથી શરૃ થશે, જ્યારે ચેસ ટુર્નામેન્ટનો પ્રારંભ બપોરે ૨.૦૦ વાગ્યાથી થતો હોય છે, જેના કારણે ચેસના દિગ્ગજો પણ હાજર રહી શકે તેમ છે. જોકે આ અંગે હજુ નક્કર નિર્ણય લેવાયો છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના પણ કોલકાતામાં રમાનારી ભારતની સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં હાજરી આપવાના છે. જો તેમના કાર્યક્રમને અનુકૂળ આવશે તો ઐતિહાસિક ડે-નાઈટ ટેસ્ટના પ્રારંભ તેમના હસ્તે કરવામાં આવે તેવી શક્યતા છે. ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં છેલ્લા કેટલાક સમયથી લોર્ડ્ઝના ગ્રાઉન્ડની જેમ એક ઘંટ મૂકવામાં આવ્યો છે અને સેલિબ્રિટીઝ અને સુપરસ્ટાર્સ આ ઘંટ વગાડીને કોલકાતામાં ટેસ્ટનો પ્રારંભ કરાવે છે. ભારતીય ટેસ્ટ ઈતિહાસની સૌપ્રથમ ટેસ્ટને યાદગાર બનાવવા માટે બીસીસીઆઇએ ખાસ આયોજન કર્યું છે. ડે-નાઈટ ટેસ્ટમાં ખાસ સોનાના સિક્કાથી ટોસ ઉછાળવામાં આવશે. આ ઉપરાંત સ્ટેડિયમમાં ઉપસ્થિત ખાસ આમંત્રિતોને ભેટ આપવામાં ખાસ ચાંદીના સિક્કા તૈયાર કરાવવામાં આવ્યા છે.

સ્પોર્ટસ લેજન્ડ-ભૂતપૂર્વ ક્રિકેટરોનું સન્માન

ભારતની સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટ મેચ ભારતના લેજન્ડરી સ્પોર્ટ્સ સ્ટાર્સ અને ભૂતપૂર્વ દિગ્ગજ ક્રિકેટરો માટે પણ યાદગાર બની રહે તેવો પ્રયાસ બીસીસીઆઇ કરી રહ્યું છે. આ માટે બાંગ્લાદેશના પણ ભૂતપૂર્વ લેજન્ડસને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. ભારતના લેજન્ડરી બેટ્સમેન સચિન તેંડુલકરની સાથે સાથે ભારતના ઓલિમ્પિક ઈતિહાસના સૌપ્રથમ વ્યક્તિગત ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા શૂટર અભિનવ બિન્દ્રા, ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા, બેડમિંટનની વર્લ્ડ ચેમ્પિયન પી.વી. સિંધુ, છ વખતની વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન મેરી કોમ પણ ડે-નાઈટ ટેસ્ટ મેચ દરમિયાન ઈડન ગાર્ડન સ્ટેડિયમમાં હાજર રહેશે. બીસીસીઆઇ તમામ લેજન્ડ્સનું સન્માન કરશે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ વર્ષ ૨૦૦૦માં ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી સૌપ્રથમ ટેસ્ટ મેચમાં રમેલા ખેલાડીઓનું પણ સન્માન કરશે. તે ટેસ્ટ મેચ ગાંગુલીની કેપ્ટન તરીકેની સૌપ્રથમ ટેસ્ટ હતી. બાંગ્લાદેશ ટેસ્ટનો દરજ્જો મેળવ્યા બાદ તેની સૌૈપ્રથમ ટેસ્ટ ભારત સામે જ રમ્યું હતુ.

સ્કાય ડાઈવર્સ પેરાશૂટથી સ્ટેડિયમમાં ઉતરશે

તાજેતરમાં ઈંગ્લેન્ડમાં રમાયેલા આઇસીસી વર્લ્ડ કપમાં જોવા મળ્યું હતુ તેમ ભારતમા રમાનારી સૌપ્રથમ ડે-નાઈટ ટેસ્ટમાં પણ શ્રેણીની ટ્રોફી આકાશમાંથી ઉતરીને સ્ટેડિયમમાં આવશે. ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળના આયોજન મુજબ ટેસ્ટના પ્રથમ દિવસે જ સ્ટેડિયમ પર ઉડતા હેલિકોપ્ટરમાંથી એકાદ-બે સ્કાય ડાઈવર્સ ડાઈવ લગાવશે. ત્યાર બાદ તેઓ પેરાશૂટની મદદથી સ્ટેડિયમમાં ઉતરશે અને તેમની પાસે રહેલી શ્રેણીની ટ્રોફી આયોજકોને સોંપશે. આ પછી ટેસ્ટ મેચનો સત્તાવાર પ્રારંભ થશે.

READ ALSO

Related posts

અમદાવાદના ચકચારી હિટ એન઼્ડ રન કેસમાં આજે આવી શકે છે ચુકાદો

Nilesh Jethva

જુઓ આ વીડિયો, મોદીએ અમિત શાહની ખોલી દીધી પોલ, 25 વર્ષ પહેલાં….

Karan

આ કારણે સિદ્ધાર્થ અને અસીમ રિયાઝ લડી રહ્યાં છે, વિંદૂ દારા સિંહે જણાવ્યું કારણ

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!