GSTV
Home » News » બીજા કાર્યકાળના પહેલા પ્રવાસે જશે PM મોદી, માલદીવ સંસદને કરશે સંબોધિત

બીજા કાર્યકાળના પહેલા પ્રવાસે જશે PM મોદી, માલદીવ સંસદને કરશે સંબોધિત

વડાપ્રધાન પદના શપથગ્રહણ કર્યાં બાદ નરેન્દ્ર મોદી તેમના બીજા કાર્યકાળમાં પહેલી વિદેશયાત્રા કરવાના છે. વડાપ્રધાન મોદી આજે માલદીવના પ્રવાસે જશે. જ્યાં તેઓ માલદીવ સંસદને સંબોધિત કરશે. ઉપરાંત માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહ સાથે દ્વિપક્ષીય મંત્રણા પણ કરશે. સંભાવના છે કે પીએમ મોદી પોતાની યાત્રા માટે માલદીવ માટે આર્થિક પેકેજ જાહેર કરી શકે છે. વડાપ્રધાન મોદી પોતાની આ યાત્રા દરમિયાન દ્વિપક્ષીય સંબંધો અને પરસ્પર હિતો સાથે જોડાયેલા વિષયો પર વ્યાપક ચર્ચા કરશે.

મોદીના સ્વાગતમાં માલદીવમાં કરવામાં આવી છે ખાસ તૈયારીઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શપથ ગ્રહણ સમારોહમાં માલદીવના રાષ્ટ્રપતિ ઇબ્રાહીમ મોહમ્મદ સોલિહને આવકાર્યા હતા. ત્યારે હવે પીએમ મોદી પોતે માલદીવના મહેમાન બનીને જઇ રહ્યા છે. પીએમ મોદીના સ્વાગતમાં માલદીવમાં ખાસ તૈયારીઓ કરાઇ છે. ચુસ્ત સુરક્ષા બંદોબસ્તની સાથે સાથે રાજધાની માલેમાં ઠેર ઠેર ભારતીય તિરંગા અને માલદીવનો રાષ્ટ્રીય ધ્વજ લગાવાયો છે. માલદીવ ખાતેના ભારતીય રાજદૂત સંજય સુધીરે માહિતી આપી કે પીએમ મોદીનો માલદીવ પ્રવાસ ઐતિહાસિક છે. માલદીવે પીએમ મોદીની યાત્રાને રાજકીય યાત્રાનો દરજ્જો આપ્યો છે.

ભારત અને માલદીવના ખૂબ જુના છે સબંધો

ભારત માલદીવની સ્વતંત્રતાને માન્યતા આપનારા પહેલા દેશોમાંથી એક હતો. ત્યારબાદ ભારત અને માલદીવના ઘનિષ્ઠ રાણનૈતિક, સૈન્ય, આર્થિક અને સાંસ્કૃતિક સંબંધ વિકસીત થયા. એક સમય એવો પણ આવ્યો હતો કે જ્યારે માલદીવે ભારત પાસે સૈન્ય મદદની માગણી કરી હતી. જે બાદ ભારતીય સેનાના નરબંકાઓએ પાર પાડ્યું હતુ ઓપરેશન કેક્ટસ.

1988માં માલદીવ પર એક એવી આફત પડી કે જેની કોઇને કલ્પના પણ ન હતી. આ આફતમાંથી બચવા માટે માલદીવે ભારતીય સેનાની મદદ માંગી. જે બાદ ભારતીય સેનાએ માલદીવને એક મહાકાય મુશ્કેલીમાંથી ઉગાર્યું.

વર્ષ- નવેમ્બર, 1988…..

શ્રીલંકાના તમિલ ઇલમના પીપલ્સ લિબ્રેશન ઓર્ગેનાઇઝેશને પોતાના 80 હથિયારબંધ ઉગ્રવાદીઓને લઇને માલદીવ પર હુમલો કર્યો હતો. તેમણે સહયોગીઓ સાથે મળીને મલદીવની સરકાર પર કબ્જો કરવાનો પ્રયાસ કર્યો હતો. માલદીવના રાજધાની માલેમાં એરપોર્ટ પર નિયંત્રણ મેળવી લીધુ હતુ. પરંતુ માલદીવના રાષ્ટ્રપતિ મોમુન અબ્દુલ ગયૂમને પકડવામાં તેઓ નિષ્ફળ રહ્યા. તેઓ ત્યાં બચવામાં સફળ થયા હતા. માલદીવે 3 નવેમ્બર, 1988ના રોજ ભારત પાસે સૈન્ય મદદ માંગી. તત્કાલીન વડાપ્રધાન રાજીવ ગાંધીએ 1600 ભારતીય સૈનિકોને માલદીવ સરકારની સહાયતાનો આદેશ આપ્યો. માલદીવમાં હાથ ધરાયેલા આ ઓપરેશને ભારતીય સેનાએ નામ આપ્યું હતુ ઓપરેશન કેક્ટસ.

ભારતીય સેના માલદીવની વિનંતી મળ્યાના 12 જ કલાકમાં ત્યાં પહોંચી ગઇ અને તખ્તાપલટના વિદ્રોહીઓના પ્રયાસને નિષ્ફળ બનાવી દીધો. અમુક કલાકમાં જ સેનાએ સમગ્ર દેશ પર નિયંત્રણ મેળવી લીધું. ભારતીય સેનાની આ આક્રમક કાર્યવાહીથી માલદીવ સરકાર ફરી કાર્યરત થઇ. આ સાથે જ માલદીવ અને ભારત વચ્ચે દોસ્તીનો એક નવો અધ્યાય શરૂ થયો.

શું છે માલદીવનો ઈતિહાસ ?

માલદીવ હિન્દ મહાસાગરમાં ભારતના લક્ષ્દ્વીપ ટાપુઓના દક્ષિણ ભાગમાં આવેલો એક નાનકડો દેશ છે. 1966માં બ્રિટીશ શાસનમાંથી માલદીવની સ્વતંત્રતા બાદ બંને દેશો વચ્ચે ડિપ્લોમેટીક સંબંધો સ્થાપિત થયા. પોતાના પાડોશીઓને મદદની નીતિ અનુસાર ભારત પહેલાથી જ માલદીવને આર્થિક રીતે પ્રોત્સાહન આપતું આવ્યું છે.

ભારત અને માલદીવે 1976માં સત્તાવાર અને સૌહાર્દપૂર્ણ રીતે પોતાની સમુદ્રી સરહદ નક્કી કરી હતી. બંને દેશોએ 1981માં વ્યાપક વેપાર સમજૂતી પર હસ્તાક્ષર કર્યા. બંને રાષ્ટ્ર સાર્ક, દક્ષિણ એશિયાઇ આર્થિક સંઘ અને દક્ષિણ એશિયા મુક્ત વેપાર સમજૂતીના સંસ્થાપક સભ્યો છે. જો કે છેલ્લા કેટલાકસમયથી માલદીવના ભારત સાથેના વેપાર સંબંધોમાં ઉતાર-ચઢાવ જોવાઇ રહ્યા છે.

ભારતે માલદીવને આર્થિક સહાયતા આપી છે. ભારતે માલદીવના માળખાગત વિકાસ, સ્વાસ્થ્ય, ટેલીકોમ અને શ્રમ સંસાધનોનો વિકાસ માટે દ્વિપક્ષીય કાર્યક્રમોમાં સહયોગ કર્યો છે. જેમાં માલદીવની રાજધાની માલેમાં ઇન્દિરા ગાંધીએ માલદીવના વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃતિમાં વૃદ્ધિ કરી હતી. ભારત અને માલદીવના મત્સ્યપાલન અને ટૂના પ્રોસેસિંગના વિસ્તાર માટે સંયુક્ત રીતે કામ કરવાની યોજનાનું એલાન કર્યું. આ ઉપરાંત માલદીવના અનેક વ્યાપારિક પ્રોજેક્ટને આગળ ધપાવવામાં ભારત મદદ કરી રહ્યું છે.

ભારતની નીતિ માલદીવને આર્થિક રીતે પ્રોત્સાહન આપીને એક પગભર રાષ્ટ્ર બનાવવાની છે. માલદીવ પ્રવાસન પર ચાલતો દેશ છે. હિન્દ મહાસાગરમાં તેના મહત્વને જોતા ચીનની બાજ નજર આ દેશ પર મંડાયેલી રહે છે. જેથી માલદીવના મુદ્દે ભારતે હંમેશા સજાગ રહેવું પડે છે. માલદીવની ગત સરકાર પર ચીનનો વધુ પડતો પ્રભાવ જોવા મળ્યો હતો. જેના કારણે ભારત અને માલદીવ વચ્ચે અંતર વધી ગયુ હતુ.

Read Also

Related posts

જમ્મુ કાશ્મીરમાં યુવકે બનાવી શાનદાર સ્નો કાર, ફોટો પડાવવા લોકોની પડાપડી થઈ

Ankita Trada

નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ 131 અરજી દાખલ, બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી

Ankita Trada

અમદાવાદમાં જ લોકોને મળશે તાજી હવા, ભવિષ્યમાં આ વિસ્તારમાં તૈયાર થશે મીની જંગલ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!