ભારતના આક્રમક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગને વિશ્વના સૌથી નિડર બેટ્સમેનોમાંથી એક માનવામાં આવે છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય સર્જાશે કે તેઓ પણ એક આક્રમક બોલરથી ડરતા હતાં. વિરેન્દ્ર સહેવાગે આ વાતનો ખુલાસો એક ચેટ શોમાં કર્યો છે. સહેવાગ પાકિસ્તાનના ધુંવાધાર બેટ્સમેન શાહિદ આફ્રિદીની સાથે એક ચેટ શો કરી રહ્યાં હતાં. આ ચેટ શો દરમ્યાન જ્યારે સહેવાગને પૂછવામાં આવ્યું કે તેમને કયા બોલરથી ડર લાગતો હતો. આ અંગે સહેવાગે કહ્યું કે તેમને પાકિસ્તાનના ઝડપી બોલર શોએબ અખ્તરની બોલનો પ્રતિકાર કરવામાં ડર લાગતો હતો.
ઉલ્લેખનીય છે કે આ તે શોએબ અખ્તર છે, જેની વિરેન્દ્ર સહેવાગ અને સચિન તેંડુલકરે 2003ના વિશ્વ કપ મેચ દરમ્યાન ખૂબ જ ધોલાઈ કરી હતી. પરંતુ સહેવાગે કહ્યું કે અખ્તર સામે રમતી વખતે ડર લાગતો હતો, કારણકે તેમને ખબર નહોતી પડતી કે નેકસ્ટ બોલ યોર્કર આવશે કે બાઉન્સર. સહેવાગે કહ્યું કે શોએબની બોલમાં વિવિધતા હતી અને તમે સહેલાઈથી તેના બોલનો અંદાજ લગાવી શકો નહીં. ઉલ્લેખનીય છે કે શોએબ અખ્તર એ જ બોલર છે, જેણે સહેવાગને ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત આઉટ કર્યા છે. તેમણે સહેવાગને ટેસ્ટ ક્રિકેટમાં 3 અને વન-ડેમાં 2 વખત આઉટ કર્યા છે.
જોકે, સહેવાગે દાવો કર્યો છે કે ભલે તેમને શોએબનો પ્રતિકાર કરવામાં ડર લાગતો હતો, પરંતુ તેમને શોએબના બોલમાં બાઉન્ડ્રી મારવામાં પણ એટલી જ મજા આવતી હતી. સહેવાગે 2007 ટી-20 વિશ્વ કપ અને 2011 વન-ડે વિશ્વ કપમાં મળેલી જીતને પોતાની ક્રિકેટ કારકિર્દીની શાનદાર ક્ષણ જણાવી હતી.