કોહલીની કમાલ: વિરાટે તોડ્યો દ્રવિડનો 16 વર્ષ જૂનો રેકોર્ડ, આ મામલે બન્યો નંબર-1

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ એક મોટો વિક્રમ નોંધાવ્યો હતો. કોહલી એવો ભારતીય બેટ્સમેન બન્યો છે જેણે એક કૅલેન્ડર વર્ષમાં વિદેશી ભૂમિ પર સૌથી વધુ રન બનાવ્યા છે. તેઓએ ભૂતપૂર્વ કેપ્ટન રાહુલ દ્રવિડનો 16 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.

કોહલીએ મેલબર્નમાં ચાલી રહેલા બોક્સિંગ ડે ટેસ્ટમાં 82મો રન બનાવતાંની સાથે જ આ ઉપલબ્ધિ પોતાના નામે કરી લીધી. પરંતુ દુર્ભાગ્યપણે આ કિર્તીમાન પોતાના નામે કર્યા પછીના બોલ પર જ તેણે પેવેલિયન પરત ફરવુ પડ્યું. મિચેલ સ્ટાર્કના શૉર્ટ બોલ પર કોહલીએ ઉપર કટ શૉટ રમ્યો અને થર્ડ મેન બાઉન્ડ્રી પર આરોન ફિંચે તેનો સરળતાથી કેચ કર્યો.

વિરાટ કોહલીએ આ વર્ષે વિદેશમાં 11 ટેસ્ટ રમી હતી જેમાં તેણે 21 ઇનિંગમાં 1138 રન કર્યા હતા. જો ટીમ ઇન્ડિયા મેલબોર્નમાં બીજીવાર બેટિંગ કરશે તો કોહલી પાસે આ નંબર વધારવાની બીજી તક હશે. તેવામાં દ્રવિડે 2002 માં વિદેશમાં 11 ટેસ્ટ રમી હતી, જેમાં 18 ઇનિંગ્સમાં તેણે 66.88 ની સરેરાશથી 1137 રન કર્યા હતા. આ દરમિયાન, દ્રવિડે ચાર સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી.

આ યાદીમાં, મોહિન્દર અમરનાથ ત્રીજા સ્થાને છે, તેણે 1983 માં 9 ટેસ્ટમાં 14 ઇનિંગ્સમાં 71 રનની સરેરાશ સાથે 1065 રન બનાવ્યા હતા. આ સમય દરમિયાન અમરનાથે ચાર સદી અને પાંચ અડધી સદી ફટકારી હતી. મહાન બેટ્સમેન સુનીલ ગાવસ્કર ભારતીય બેટ્સમેનની આ યાદીમાં ચોથા સ્થાને છે, તેણે 1971 માં 14 ઇનિંગમાં 918 રન કર્યા હતા. ચાલુ શ્રેણીમાં કોહલીએ પાંચ ઇનિંગમાં 259 રન બનાવ્યા છે.

વૈશ્વિક સ્તરે વાત કરીએ તો એક કૅલેન્ડર વર્ષમાં વિદેશી ધરતી પર સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ દક્ષિણ આફ્રિકાના ભૂતપૂર્વ કેપ્ટન ગ્રીમ સ્મિથના નામે નોંધાયેલો છે. સ્મિથે 2008 માં 11 મેચમાં 1212 રન કર્યા હતા. આ યાદીમાં વેસ્ટ ઈન્ડિયાના મહાન બેટ્સમેનો વિવ રિચાર્ડ્સ બીજા સ્થાને છે. 1976 માં, વિવે માત્ર 7 મેચમાં 1154 રન બનાવ્યા હતા. વિરાટ કોહલી, રાહુલ દ્રવિડ અને મોહિન્દર અમરનાથ અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમાં ક્રમે છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter