વિરાટ કોહલી ‘અસભ્ય’ અને ‘મૂર્ખ’ છે, આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે ભારતીય કેપ્ટનને કર્યા અપમાનિત

ટીમ ઇન્ડિયાના કેપ્ટન અને રન મશીન તરીકે જાણીતા વિરાટ કોહલી આજકાલ કોઇને કોઇ કારણોસર ચર્ચામાં છે. તાજેતરમાં જ બોલીવુડના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહે પણ કોહલીને ઘમંડી કહ્યો હતો તેવામાં હવે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન ટિમ પેને પણ કોહલી પર શાબ્દિક પ્રહાર કર્યા છે. હકીકતમાં પર્થ ટેસ્ટ દરમિયાન કેપ્ટન કોહલી અને ટિમ પેન વચ્ચે તૂતૂ-મેમે થઇ ગઇ હતી. જો કે અંતમાં બંને કેપ્ટને હાથ મિલાવીને આ વિવાદનો મેદાન પર જ અંત લાવી દીધો હતો.

તેવામાં હવે ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર મિચેલ જૉનસને ભારતીય કેપ્ટન પર આકરા પ્રહાર કર્યા છે. જૉનસને કોહલીને આડે હાથે લેતાં કહ્યું કે પર્થ ટેસ્ટમાં કોહલીએ જે કહ્યું તેમાં તે અસભ્ય અને મૂર્ખ વ્યક્તિ તરીકે નજરે પડ્યો. જૉનસને એક અખબારમાં પોતાની કોલમમાં લખ્યું કે, મેચ પૂરી થયા બાદ તમે એકબીજા સાથે નજર મેળવી શકો અને હાથ મિલાવીને કહો કે મુકાબલો ટક્કરનો હતો. વિરાટ કોહલીએ પેન સાથે હાથ મિલાવ્યો પરંતુ તેની સામે નજર ન મેળવી શક્યો, જે મારી નજરમાં અસભ્ય વર્તણૂક છે.

તેમણે વધુમાં લખ્યું કે, કોહલી અન્ય ક્રિકેટર્સ કરતાં ઘણો અલગ છે. તેનું પ્રદર્શન તેને અન્ય ક્રિકેટરોથી ભિન્ન બનાવે છે. પરંતુ તેણે ટેસ્ટમાં જે કર્યુ તેનાથી તે મૂર્ખ લાગ્યો. જણાવી દઇએ કે પર્થ ટેસ્ટમાં ભારતીય અને ઓસ્ટ્રેલિયન કેપ્ટન્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી. આ વચ્ચે ઓસ્ટ્રેલિયાએ 146 રને મેચ જીતી હતી.

રિપોર્ટસ અનુસાર વિરાટ કોહલીએ ટિમ પેનને અનિયમિત કેપ્ટન કહ્યો જે બાદ બીસીસીઆઇએ આ રિપોર્ટસને નકારી કાઢ્યાં હતાં. મેચ દરમિયાન બંને કેપ્ટન્સ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતી રહી પરંતુ તેમણે કોઇ સીમાનું ઉલ્લંઘન કર્યુ ન હતું.


જણાવી દઇએ કે વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેન સોમવારે બંને ટીમો વચ્ચે બીજી ટેસ્ટના ચોથા દિવસે મેદાન પર શાબ્દિક જંગમાં ઉતરતાં જોવા મળ્યાં. જે બાદ મેદાની એમ્પાયર ક્રિસ ગફાનેએ બંને ખેલાડીઓને સવારના સત્રમાં ચેતવણી આપી હતી.

જસપ્રીત બુમરાહની ઇનિંગની 71મી ઓવર દરમિયાન બંને કેપ્ટન એકબીજાને કંઇક કહેતા જોવા મળ્યા. કોહલી તે સમયે ફિલ્ડીંગ કરી રહ્યો હતો. તે બાદ એમ્પાયર ગફાને વચ્ચે હસ્તક્ષેપ કરવો પડ્યો.

પેને કહોલીને કહ્યું કે, તું તે વ્યક્તિ છે જે ગઇકાલે હારી ગયો હતો. તુ આજે શાંત રહેવાનો પ્રયાસ કેમ કરી રહ્યો છે. ગફાને હસ્તક્ષેપ કરતાં કહ્યું કે, હવે બહુ થઇ ગયું. તેમણે કહ્યું કે, ચાલો હવે રમો. તમે કેપ્ટન છો. પેને જવાબ આપ્યો કે, અમે ફક્ત વાત કરી રહ્યાં છીએ કોઇ અપશબ્દ નથી કહી રહ્યા…વિરાટ પોતાનીજાતને શાંત રાખ. કોહલીએ તેના જવાબમાં શું કહ્યું તે માઇક્રોફોનમાં સાંભળી શકાયું નથી.

થોડા સમય બાદ તેઓ ફરી એકવાર એકબીજાની એકદમ સામસામે આવી ગયાં હતા. જ્યારે પેન રન પૂરો કરી રહ્યો હતો ત્યારે કોહલી તેની સામે આવી ગયો.

કોહલીએ તે બાદ સ્ક્વેર લેગ અમ્પાયર કુમાર ધર્મસેના સામે પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. પૂર્વ બોલર ડેમિયન ફ્લેમિંગને રેડિયો પર કહ્યું કે, મને લાગે છે કે આ સંકેત છે કે કોહલીએ પોતાની ધીરજ ગુમાવી છે. ભારતીય કમેન્ટેટર સંજય માંજરેકર પણ કોહલીની વર્તણૂકથી ખુશ ન હતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન રિકી પોન્ટિંગ અને માઇકલ ક્લાર્કે કહ્યું કે બંને કેપ્ટનો વચ્ચે શબ્દના આદાન પ્રદાનથી તેમને કોઇ વાંધો નથી અને હજુ સુધી તેમણે કોઇ મર્યાદા વટાવી નથી.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter