GSTV
Home » News » XXX Return of Xander Cage : ફિલ્મ ન જોવામાં મોટી શાણપણ રહેલી છે

XXX Return of Xander Cage : ફિલ્મ ન જોવામાં મોટી શાણપણ રહેલી છે

Mayur Khavdu : xxx return of xander cage ફિલ્મમાં ઉંડા ઉતરતા પહેલા ફિલ્મના એક સીનને જોઈએ. Augustus Gibbons જેનો રોલ સેમ્યુલ જેક્સને પ્લે કર્યો છે. તેણે ત્રીજા વિશ્વયુદ્ધને અટકાવવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. વાત ત્રીજા વિશ્વયુદ્ધ સુધી પહોંચી જાય એટલે અમેરિકનો ટેક્નોલોજીની દ્રષ્ટિએ ઘણા આગળ નીકળી ગયા હોવા જોઈએ. ઘણા એલિયનોના પ્રહારથી દુનિયાને બચાવી ચૂક્યા હોવા જોઈએ. અગણિત મીશનો પાર કરી ચૂક્યા હોવા જાઈએ. છતાં પણ વિન ડિઝલ દુનિયા ઘુમી રહ્યો છે માત્ર મેપ (નક્શા)ના સહારે ! આ કેવી રીતે બની શકે ? સ્ટંટ અને ટેક્નોલોજીનું જેને ગળથૂથીથી જ્ઞાન છે એવો ઝેન્ડર કેજ નક્શાઓ પર દુનિયા ઘુમી રહ્યો છે !!? ફિલ્મની સૌથી મોટી વિકનેસ જો પકડાય જાય તો સાફ વાત છે આ ફિલ્મ સલમાન ખાનની શ્રેણીમાં આવતી રેસ-3 અને દબંગ જેવી છે.

ફિલ્મની સિક્વલો બને આ માટે ઘણા કલાકારોને લેવામાં આવ્યા છે. તમામ કલાકારો એક્શનમાં ખાટુ હોય તેવું દર્શકોને લાગે એટલે ડાયરેક્ટરે ચાઈનાથી પ્રોડક્ટો આયાત કરી છે. IP MANમાં જબરદસ્ત રોલ અને એક્શન સિક્વન્સ કરી ચૂકેલો ડોરી યેન છે. એક્શન કિંગ ટોની ઝા છે. રાહતની અનુભૂતિ આપતી દીપિકા પદુકોણ પણ છે. પણ તેનું કાસ્ટિંગ શા માટે કરવામાં આવ્યું છે તે અહીં ખ્યાલ નથી આવતો. પ્રથમ ટ્રીપલ એક્સ એટલા માટે હિટ ગયેલી કે તેમાં ન જોયેલા એક્શન હતા. સ્ટોરી સ્ક્રિન પર થોડી લચક અને મચકથી ચાલતી હતી. ઝેન્ડરનો રોલ લોકોના દિલમાં વસી ગયો હતો. વર્ષો બાદ બીજી વખત વીન ડિઝલ ઝેન્ડરના રોલમાં આવે એટલે લોકોની અપેક્ષા પણ વધી જાય તેમ હતી.

ફાસ્ટ એન્ડ ફ્યૂરિયસની ફિલ્મો એક સમયે પડી ભાંગી હતી. જેને નવજીવન બક્ષવાનું કામ વિન ડિઝલે કર્યું હતું. તેને ફરી ફરી લેવાથી કોઈ અધૂરી રહી ગયેલી સિરીઝ રૂપિયાનો વરસાદ કરાવી આપે આ માટે જ તેની પસંદગી થાય છે. છતાં હરસ-ભગદરનો ઈલાજ કરાવવા માટે ડૉક્ટર પાસે જાઓ અને તે હાથ ઉંચા કરી લે અને દર્દી ટેન્શનમાં આવી જાય તેવી હાલત દર્શકોની ફિલ્મ જોયા બાદ થાય છે.

કહાની

નિયમ મુજબ. અમેરિકનો ચિંતાતુર છે. હેરાન છે. કોઈએ આકાશમાંથી સેટેલાઈટ તોડી વિશ્વસનિય એવા Augustus Gibbonsને મારી નાખ્યો છે. પછી થાય છે હુમલો. અમેરિકાના વડાઓની બેઠક છે ત્યાં ચાર જેટલા બદમાશો ત્રાટકે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં મારી કાપીને ચાલ્યા જાય છે. પૃથ્વીની આસપાસ 30,000 કરતાં વધારે સેટેલાઈટ ઘુમી રહ્યા છે. જાણ નથી પણ કોઈ લબરમૂછીયો વારંવાર રિમોટનું બટન ક્લિક કરી એક બાદ એક સેટેલાઈટ ધરતી પર પાડી રહ્યો છે. ઉપરથી તેનો નિશાનો સટીક છે. એ જ માણસ પર સેટેલાઈટ પડે છે જેના પર પાડવાની તેને આકાંક્ષા અને મહાત્વાકાંક્ષા હોય. જેને તે મારવા માગતો હોય. હવે આ રિમોટ એ 4 બદમાશોના હાથમાં છે. પણ પાછું કેવી રીતે લાવવું ? આ માટેની જવાબદારી દુનિયાના સૌથી માસ્ટરમાઈન્ડ સ્ટંટ માસ્ટર એવા ઝેન્ડર કેજને સોંપવામાં આવે છે. પછી વાર્તાની કોઈ અપેક્ષા નથી રાખવાની રહેતી. ઝેન્ડર જ ફિલ્મમાં બધું છે. તે બધાને ગાઈડ કરે છે. આગળ લઈ આવે છે. બચાવે છે. ભેગા કરે છે. વિરોધીઓને પછડાટ આપે છે અને વારંવાર સાઉથની ફિલ્મ હોય તેમ સીન પણ પ્લે કરવામાં સીન નાખે છે.

ક્યા બનાયા હૈ… ?

ફિલ્મનો હેતુ મનોરંજન છે. પણ મનોરંજન જ કરવું હોય તો પણ આ ફિલ્મ ન જોવી. ફિલ્મમાં એક્શન છે. નો ડાઊટ ઋત્વિક રોશનની બેંગ બેંગ જેવો ખેલ અહીં ખેલાય રહ્યો છે. ઋત્વિક એકલો હતો. અહીં સમગ્ર ટીમ ઝેન્ડરની સાથે છે. ઝેન્ડર સ્ત્રીઓ સાથે શોખ ભેર મસ્તીઓ કરે છે. કંઈ પણ કર્યા વિના કોઈ પણ છોકરી તેના હાથે પટાય જાય છે. ફિલ્મની પહેલી ત્રીસ મિનિટ પાર કરો… બીજા શબ્દોમાં ચક્રવ્યૂહને વિંધવામાં આવે તો સાફ વાત છે કે આ સલમાન ખાન ડ્રામા ચાલી રહ્યો છે. ઝેન્ડર પોતાની ટીમ બોલાવે છે. કેવી ટીમ ? એકને માત્ર ગાડીઓ ક્રેશ કરવામાં રસ છે ! આવા પણ કોઈ શોખ હોય ? એકને શૂટિંગનો શોખ છે ! ચાલો એ તો માની લઈએ પણ સવાનાના જંગલમાં તે સિંહને બચાવવાની પ્રવૃતિ શું કામે કરી રહી છે ? એકને પાર્ટી કરવાનો શોખ છે ? આવા માણસને પણ ટીમમાં લેવાનો ?

ઝેન્ડર કેજે એકઠી કરેલી ટીમ એક તો રેસ-3ના સલમાનની યાદ અપાવે છે. એક્શન હિટ છે પણ વારંવાર હોલિવુડ ફિલ્મો જ જોતા લોકોને એક્શન સિક્વન્સીસમાં કંઈ નવું લાગશે નહીં. સામાન્ય બોલિવુડ ફિલ્મોમાં જોવા મળે તેમ જ છે. વધુમાં વારંવાર ચાલતી ગોળીઓનો અવાજ કાન ખરાબ કરી શકે છે. એક સીનમાં દિપીકા એન્ડ કંપની ફસાયેલી છે. વિરોધીઓ બંદૂક લઈ આવે છે. પણ આ શું ? સામે કોઈ દેખાતું નથી છતાં ગોળીઓ ચલાવ્યા ચલાવ છે. કારણ વિનાની ? કંઈ પણ ? એક્શન ફિલ્મ હોય તેનો અર્થ એ નથી કે ગોળીઓ ચલાવ્યા જ રાખવાની. ઓડિયન્સ મુર્ખ નથી અને 21મી સદીમાં તો બિલ્કુલ મુર્ખ નથી.

પાત્રોનો વેડફાટ

પાત્રને પુરતો અવકાશ મળે તે રીતે ફિલ્મ બનાવવી જોઈએ. ક્રેડિટ સીન પડતા હોય એ સમયે તેમાં બે નામો સામે આવે. ડોરી યેન અને ટોની ઝા. એક્શન ફિલ્મ છે એટલે ટોની ઝાનું નામ આવતા જ દર્શકોની ઈચ્છાઓ વધી જાય કે બિલ્ડિંગ પરથી કૂદકો મારશે. મુએ થાય જોવા મળશે. વગેરે વગેરે… પણ એવું કંઈ થતું નથી. બિચારો ટોની ઝા માત્ર 6 મિનિટના સીન સુધી જ દેખાય છે. ડાયરેક્ટર અને XXXના મેકર્સને ઈચ્છા હશે કે ગમે તેમ એવી ફિલ્મ બનાવવી જેથી ફાસ્ટ એન્ડ ફ્યૂરીયસની માફક આગામી એક બાદ એક ભાગ બનાવી શકાય… પણ એવું થયું નથી. થવું પણ જોઈએ નહીં. તમામ કલાકારો XXX જ છે. અધૂરામાં પૂરૂ XXX-2ના સ્ટારને 9 નંબરનો ફોન જોડી બોલાવ્યો ત્યારે એવી ફિલીંગ આવે છે કે સિમ્બામાં સિંઘમની એન્ટ્રી થઈ હોય. કેરેક્ટર પૂરતા નથી વિકસ્યા. મલ્ટીસ્ટારર કાસ્ટ લઈ ડાયરેક્ટરે ભાંગરો વાટી નાંખ્યો છે. સ્ટોરી પ્રમાણે કોઈ દોડી નથી રહ્યું. કલાકારોની પોતાની અલગ ફિલ્મ ચાલી રહી છે ડાયરેક્ટરની અલગ ફિલ્મ ચાલી રહી છે અને દર્શકોની ત્રીજી પ્રકારની ફિલ્મ ચાલી રહી છે. છેલ્લો પ્લેન સ્ટંટ તો એકદમ કલ્પનાની બહારનો લાગે છે. કોઈ પણ વ્યક્તિ હોય આ સ્ટંટમાં મોતને ઘાટ જ ઉતરી જાય, પણ ઝેન્ડર કેજને એક ખરોચ પણ નથી આવતી.

એક્ટિંગ + એક્શન

XXXમાં કોઈ કલાકારે એક્ટિંગ કરી જ નથી. પ્રયાસ પણ કર્યો નથી. શરદ કેલકર વિન ડિઝલના અવાજમાં છવાય ગયો છે. દીપિકાનો પોતાનો અવાજ હોવા છતાં મઝા નથી આવતી. બાકીના કલાકારો ડાઈલોગ એક સાથે શું કામે બોલે છે એ તો ઈશ્વર જાણે. એક્સપ્રેશનના નામે કલાકરો મેડમ તુષાદ મ્યુઝિયમના પુતળા બની ગયા છે. માત્ર હોઠ ચાલે છે એટલે જીવતા કલાકારો જેવી ફિલ આવે બાકી ઈમોશન્સ કોઈ જગ્યાએ ભરેલા નથી. દીપિકાનું આ સૌથી વેસ્ટેડ હોલિવુડ ડેબ્યુ છે. તેની પાછળ ટોની ઝા પડ્યો છે અને તે તેનાથી આગળ દોડી રહી છે. કોઈ પણ વ્યક્તિ આ માની જ ન શકે કે ઓંગબેકનો આ કલાકાર દીપિકાના હાથે માત ખાય છે. દીપિકાએ એક્ટિંગમાં તમામ વસ્તુ કરવી જોઈએ પણ એક્શન ન કરવી જોઈએ. ભારતીય કલાકાર દીપિકા પદુકોણે અહીં પોતાનું એક ટેલેન્ટ બતાવ્યું છે. એ ફિલ્મના તમામ કલાકારો કરતાં લાંબી દેખાય છે. ચાર પાંચ દેશ ઘુમવા મળશે પણ લોકેશન જોવા નહીં મળે. મોટાભાગની ફિલ્મ પ્લેનમાં જ પૂરી થઈ જાય છે. બાકીની બચેલી ફિલ્મ એક બિલ્ડીંગમાં પૂરી થઈ જાય છે અને ફિલ્મ પૂરી થતા થતા જોનાર પણ પૂરો થઈ જાય છે.

અઢળક. થોકબંધ અને ચિક્કાર હોલિવુડ ફિલ્મો જોય ચૂક્યા હશો તો xxx return of xander cage એ રિપીટ વર્ઝન છે. તેમાં નવું કંઈ નથી. તમે પોતે પણ એકાદ સારી સ્ક્રિપ્ટ લખી સારી xxx return of xander cageની આવૃતિ બનાવી શકો છો. D. J. Caruso નામના ફિલ્મના ડાયરેક્ટર બે વર્ષ બાદ XXX-4 પણ લઈને આવી રહ્યા છે. ભલૂ કરે ભગવાન…

READ ALSO

Related posts

PPFમાં પૈસા લગાવનારા આ નિયમ દ્વારા મેળવી શકે છે દર વર્ષે નફો,કેવી રીતે જાણો અહીં

Mansi Patel

ભાગ્યદર્પણઃ જાણો ઉચ્ચ અભ્યાસના બાધક દોષ અને તેના ઉપાયો

Arohi

SBIએ કરોડો ગ્રાહકોને આપ્યો બીજો ઝટકો, આ ડિપોઝીટના વ્યાજ પર ફેરવી કાતર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!