ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં ઓસ્ટ્રેલિયા-એ ટીમ સામે ત્રણ દિવસની વોર્મ અપ મેચ રમી રહી છે જેમાં શુક્રવારે કંગાળ બેટિંગ કર્યા બાદ ભારતે શનિવારે શાનદાર બેટિંગ કરી હતી. મિડલ ઓર્ડરમાં હનુમા વિહારી અને રિશભ પંતે શાનદાર સદી ફટકારતાં ભારતે તેના બીજા દાવમાં ચાર વિકેટે 386 રનનો જંગી સ્કોર ખડકી દીધો હતો. પહેલા દાવમાં ભારતને 86 રનની સરસાઈ મળી હતી. આમ શનિવારે બીજા દિવસની રમતને અંતે ભારતે તેની સરસાઈ વધારીને 472 ઉપર પહોંચાડી દીધી હતી.

અણનમ 103 રન ફટકારી દીધા
ભારતે તેના પહેલા દાવમાં 194 રનનો સામાન્ય સ્કોર નોંધાવ્યો હતો પરંતુ ત્યાર બાદ બોલર્સે કમાલ કરીને ઓસ્ટ્રેલિયા-એ ટીમને 108 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ભારતના પહેલા દાવમાં મોટા ભાગના બેટ્સમેન નિષ્ફળ રહ્યા હતા પરંતુ શનિવારે તેમણે એ નિષ્ફળતાને ઢાંકી દેતી બેટિંગ કરી હતી. હનુમા વિહારીએ 194 બોલમાં 13 ચોગ્ગા સાથે 104 રન ફટકાર્યા હતા તો રિશભ પંત તો વધારે આક્રમકતાથી બેટિંગ કરી રહ્યો હતો. તેણે માત્ર 73 જ બોલમાં અણનમ 103 રન ફટકારી દીધા હતા. તેણે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ચારે તરફ સિક્સરનો વરસાદ વરસાવીને કુલ છ સિક્સર ઉપરાંત નવ ચોગ્ગા પણ ફટકાર્યા હતા. આ બંને બેટ્સમેન શનિવારની રમતને અંતે અણનમ રહ્યા હતા.
આકર્ષક ચોગ્ગાનો સમાવેશ થતો હતો
માત્ર વિહારી અને પંત જ નહીં પરંતુ બાકીના બેટ્સમેને પણ શાનદાર બેટિંગ કરી હતી. ઓપનર પૃથ્વી શો ફરીથી નિષ્ફળ રહ્યો હતો અને ફક્ત ત્રણ રન કરી શક્યો હતો પરંતુ મયંક અગ્રવાલે 120 બોલમાં બે સિક્સર સાથે 61 રન ફટકાર્યા હતા તો શુભમન ગિલે માત્ર 78 બોલ રમીને 65 રન ફટકાર્યા હતા જેમાં દસ આકર્ષક ચોગ્ગાનો સમાવેશ થતો હતો. ગિલે પ્રથમ દાવમાં 43 રન ફટકાર્યા હતા. કેપ્ટન અજિંક્ય રહાણેએ પણ નોંધપાત્ર બેટિંગ કરી હતી. પહેલા દાવમાં તે માત્ર પાંચ રન કરી શક્યો હતો પરંતુ બીજા દાવમાં તેણે 38 રન ફટકાર્યા હતા.
ભારતીય ટીમ આ મેચ બાદ 17મી ડિસેમ્બરથી ઓસ્ટ્રેલિયા સામે એડિલેડ ખાતે પ્રથમ ટેસ્ટ રમશે જે ડે-નાઇટ રહેશે.
READ ALSO
- BIG BREAKING / જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં આતંકી હુમલો, પોલીસ જવાન શહીદ, પુત્રી ઘાયલ
- રેમ્પ પર બિલાડીના કેટવોકમાં મોડલને પણ કરી દીધી ફેલ, વીડિયો જોઈને તમે પણ થઈ જશો ફેન
- Health Care Tips / ગરમીની મોસમમાં દૂધીનું સેવન ‘વરદાન’, સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક
- Quad Summit / ઓસ્ટ્રેલિયામાં આગામી ક્વાડની મળશે બેઠક, પીએમ મોદી અને ઓસ્ટ્રેલિયાના પીએમ અલ્બેનીઝ વચ્ચે દ્વિપક્ષીય બેઠક
- સુરતમાં કિશોરી પર બે નરાધમોનું દુષ્કર્મ, ફોસલાવી રેલવે સ્ટેશનની લિફ્ટમાં લઈ જઈ આચર્યું કુકર્મ