મુખ્ય સામગ્રી પર જાઓ
ભારત

VIDEO: શું CJP સંસ્થાપક અભિજીત દીપકે રાજકારણમાં એન્ટ્રી કરશે? મોદી સરકારના મંત્રીએ આપ્યું નોતરું!

અભિજીત દીપકેને રાજકારણમાં પ્રવેશવાની ઓફર મળી છે. કેન્દ્રમાં સત્તા

તસવીર: gstv

અભિજીત દીપકેને રાજકારણમાં પ્રવેશવાની ઓફર મળી છે. કેન્દ્રમાં સત્તારૂઢ NDA સરકારના મંત્રી રામદાસ આઠવલેએ તેમને પોતાની પાર્ટીમાં જોડાવાનું આમંત્રણ આપ્યું છે. જોકે, આ અંગે હજુ સુધી કોકરોચ જનતા પાર્ટીના સંસ્થાપકનો કોઈ જવાબ આવ્યો નથી. ખાસ વાત એ છે કે દીપકે સતત રાજકારણથી દૂર રહેવાની વાત કરી રહ્યા છે. જૂન-જુલાઇમાં જંતર-મંતર પર થયેલા વિદ્યાર્થી આંદોલનની આગેવાની CJPએ જ કરી હતી.

કેન્દ્રીય મંત્રી અને રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (A)ના પ્રમુખ રામદાસ આઠવલેએ સોમવારે કહ્યું હતું કે ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સપનું પૂર્ણ કરવા તેમજ સમાજ અને પાર્ટીને મજબૂત કરવા માટે કોકરોચ જનતા પાર્ટી (CJP)ના સંયોજક અભિજીત દીપકે RPI(A)માં જોડાઈ જવું જોઈએ.

અભિજીત દીપકેનો શું પ્લાન છે?

અભિજીત દીપકના મતે, હાલ તુરંત રાજકારણમાં પ્રવેશવાનો ઇનકાર કર્યો છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે જો 'બહુમતી લોકો ઈચ્છશે', તો તે આ અંગે વિચાર કરી શકે છે. સાથોસાથ તેમણે કહ્યું કે જનતાની માંગ હશે તો આગળ જતાં ચૂંટણી લડવા પર પણ વિચાર થઈ શકે છે. તેમણે જણાવ્યું, 'મને નથી લાગતું કે ભારતમાં રાજકીય પક્ષ બનાવવો એ જ એકમાત્ર ઉકેલ છે.'

શું CJP રાજકીય પક્ષ બનશે?

ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં CJPએ રાષ્ટ્રીય કારોબારી સમિતિની રચના કરી હતી. ત્યારે પાર્ટીએ સ્પષ્ટ કર્યું હતું કે CJPને હાલમાં કોઈ રાજકીય પક્ષમાં બદલવામાં નહીં આવે, પરંતુ તે જમીની સ્તરે કામ કરશે.

પ્રવક્તા સૌરભ દાસે જણાવ્યું હતું કે, 'લોકો ઈચ્છે છે કે CJP એક રાજકીય પક્ષ બને. પરંતુ આ સમયે વધુ એક રાજકીય પક્ષ ઉમેરવો ઉપયોગી નહીં રહે. ત્યાં ઊર્જા વેડફવાને બદલે, અમે જમીન પર કામ કરીશું કારણ કે જાગૃતિ ત્યાંથી જ આવે છે. અમે હાલ CJPને રાજકીય પક્ષમાં નહીં બદલીએ.'

સરકારી શાળાઓને લઈને ઝુંબેશ શરૂ

દીપકે શનિવારે મહારાષ્ટ્રના હિંગોળી જિલ્લા સ્થિત પોતાના વતનથી 'શાળા ઠીક કરો' અભિયાનની શરૂઆત કરી હતી. તેમણે સરકારી શાળાઓની બદહાલ સ્થિતિ માટે સરકારને જવાબદાર ઠેરવતા કહ્યું કે તેની સૌથી મોટી અસર ગરીબ વિદ્યાર્થીઓ પર પડી રહી છે. તેમણે ખાનગી શાળાઓની ફી નિયંત્રિત કરવાની પણ માંગ કરી હતી.

તેમણે ઉમેર્યું કે CJP સરકારી હોસ્પિટલોમાં નબળી સ્વાસ્થ્ય સુવિધાઓના મુદ્દે પણ આ પ્રકારનું જ એક અભિયાન ચલાવશે. દીપકે પત્રકારોને કહ્યું, 'ભારતને આઝાદ થયે 80 વર્ષ થઈ ગયા છે અને જો સરકારી શાળાઓમાં પાણી જેવી પાયાની સુવિધા પણ ન હોય, તો દેશનો વિકાસ કેવી રીતે થશે?' તેમણે શાળાની કથિત દુરવસ્થા અંગે વાત કરતાં કહ્યું કે બારીઓ તૂટેલી છે અને વિદ્યાર્થીઓ માટે પૂરતા બાંકડા પણ નથી.

તેમણે કહ્યું, 'અમે એક યાદી તૈયાર કરી છે, જેમાં એ નોંધવામાં આવશે કે શાળાઓમાં મૂળભૂત સુવિધાઓ ઉપલબ્ધ છે કે નહીં. અમે મહારાષ્ટ્ર અને દેશભરની શાળાઓમાંથી આંકડા એકઠા કરીશું અને તેનું સંકલન કરીશું.'

દીપકે જણાવ્યું કે અભિયાનના આગામી તબક્કામાં તેઓ મહારાષ્ટ્રના અન્ય તાલુકાઓની સરકારી શાળાઓમાં જઈને વિદ્યાર્થીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કરશે. આ સાથે જ પાર્ટીએ રાજસ્થાનની શાળાઓની મુલાકાત લેવાની પણ જાહેરાત કરી છે.

આ સમાચાર શેર કરો