Video: 'સરકારના બતાવવાના અને ચાવવાના દાંત અલગ કેમ?' ખેડૂત નેતા પાલ આંબલિયા
ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન અને ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ રાજ્ય સરકારના કૃષિ ર
ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન અને ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ રાજ્ય સરકારના કૃષિ રાહત પેકેજની જાહેરાતો અને સર્વે પ્રક્રિયા પર સનસનીખેજ પ્રહારો કર્યા છે. જીતુ વાઘાણીની પ્રેસ કોન્ફરન્સ પર પ્રતિક્રિયા આપતાં તેમણે સરકાર પર "બે મોઢાની વાતો" કરવાનો અને "બતાવવાના અને ચાવવાના દાંત અલગ" હોવાનો આકરો આરોપ લગાવ્યો છે.
આંબલિયાએ મુખ્યમંત્રી અને કૃષિમંત્રીને પત્ર લખીને કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ પેકેજની નીતિ પર સવાલો ઉઠાવ્યા છે અને સ્પષ્ટ માંગ કરી છે કે સરકારે ખોટા પેકેજ જાહેર કરવાને બદલે ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરી દેવું જોઈએ.
સર્વે પર ગંભીર સવાલો: '7 દિવસનો મૌખિક આદેશ, 20 દિવસનો પરિપત્ર કેમ?'
પાલભાઈ આંબલિયાએ સરકારી સર્વે પ્રક્રિયાની ગંભીર ખામીઓ ખુલ્લી પાડતાં કહ્યું કે, "સરકારનો મૌખિક આદેશ 7 દિવસનો અને પરિપત્રમાં 20 દિવસનો ઉલ્લેખ કેમ? 20 દિવસે સર્વે કરવા આવે તો ખેતરમાં બગડેલી ખેતપેદાશ હોય જ નહીં."
તેમણે પ્રશ્ન કર્યો કે, જ્યાં 1 ઇંચથી 15 ઇંચ વરસાદ પડ્યો છે ત્યાં સર્વે કરવાની જરૂર જ ક્યાં છે? વરસાદ જ્યારે સાર્વત્રિક હોય ત્યારે વ્યક્તિગત સર્વે કરવાની જરૂર શું?
આંબલિયાએ ગ્રામ સેવકોને આપેલા મૌખિક આદેશનો પણ ભાંડો ફોડ્યો, જેમાં સૂચના અપાઈ હતી કે "મગફળીના ડેડવા ફોલ્યા બાદ જો દાણા ડેમેજ હોય તો જ નુકસાની ગણવી". તેમણે આને ખેડૂતોને વળતર ન આપવાનું એક ષડયંત્ર ગણાવ્યું.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, સરકારના ધારાસભ્યો, સાંસદો અને મંત્રીઓએ જે રૂબરૂ સર્વે કર્યો તે કેમ માન્ય ન રહે?
કિસાન કોંગ્રેસની સ્પષ્ટ માંગ: ઉદ્યોગપતિઓના દેવા માફ તો ખેડૂતોનું કેમ નહીં?
કિસાન કોંગ્રેસે તેના પત્ર દ્વારા સરકારની નીતિ પર રોષ વ્યક્ત કર્યો છે,
ઉદ્યોગપતિ વિરુદ્ધ ખેડૂત: "સરકાર જો ઉદ્યોગપતિઓના ₹25 લાખ કરોડ માફ કરી શકતી હોય, તો છેલ્લા 7 સીઝનમાં કુદરતી મારનો ભોગ બનેલા ખેડૂતોનું પાક ધિરાણ માફ કેમ ન કરી શકે?"
પેકેજ નહીં, દેવા માફી: આંબલિયાએ કહ્યું કે સરકારે રાહત પેકેજના નાટક બંધ કરી ખેડૂતોના દેવા માફ કરી દેવા જોઈએ.
ભૂતકાળના પેકેજો માત્ર જાહેરાત: હજારો કરોડની જાહેરાત, શૂન્ય વળતર
આંબલિયાએ પત્રમાં ભૂતકાળમાં સરકારે કરેલી મોટી-મોટી જાહેરાતો પણ ટાંકીને કહ્યું કે તે માત્ર કાગળ પર જ રહી છે. ઓગસ્ટ 2024ના પેકેજના નાણાં ચૂકવાયા નથી. જુલાઈ-ઓગસ્ટ 2024ના અતિવૃષ્ટિ માટે સરકારે ₹1769 કરોડની જાહેરાત કરી હતી, પરંતુ તેમાંથી ₹500 કરોડ પણ ચૂકવ્યા નથી.
ઓક્ટોબર 2024ના પેકેજનું નાટક: ઓક્ટોબર 2024ના માવઠા માટે સરકારે 6 પ્રેસ કોન્ફરન્સ કરી, 10 મહિના સુધી રાહત પેકેજ પાઇપલાઇનમાં હોવાનું કહ્યું, પરંતુ અંતે 6 જિલ્લા અને માત્ર કપાસના પાક માટે જ જાહેરાત કરી, જેનો એક રૂપિયો પણ હજી સુધી ખેડૂતને મળ્યો નથી.
બનાસકાંઠાની અતિવૃષ્ટિ: 48 કલાકમાં આખા વર્ષનો વરસાદ!
ખેડૂત નેતાએ બનાસકાંઠામાં પડેલા વિનાશક વરસાદના આંકડા રજૂ કરીને રાહતની માંગ કરી:
| તાલુકો | મૌસમનો કુલ વરસાદ (MM) | 48 કલાકમાં પડેલો વરસાદ (MM) |
| વાવ | 499 MM | 445 MM |
| થરાદ | 442 MM | 400 MM |
| સુઇગામ | 556 MM | 475 MM |
આંબલિયાએ જણાવ્યું કે, જ્યાં આખી મોસમનો વરસાદ માત્ર 48 કલાકમાં પડી ગયો હોય, ત્યાં ખેડૂતોનો પાક કેવી રીતે બચી શકે? તેમણે માંગ કરી કે વર્ષ 2017ના પૂરની જેમ જમીન ધોવાણ માટે ખેડૂતોને હેક્ટરદીઠ ઓછામાં ઓછા ₹1 લાખ મળવા જોઈએ.
ગુજરાત કિસાન કોંગ્રેસે સરકારને સ્પષ્ટ ચેતવણી આપી છે કે માત્ર જાહેરાત નહીં, પણ નક્કર પરિણામ સ્વરૂપ ખેડૂતોના ચાલુ વર્ષના પાક ધિરાણ સંપૂર્ણપણે માફ થવા જોઈએ.








