VIDEO/ ચીનનો ગુપ્ત ખેલ: એક જ મહિનામાં 836 ટન ચાંદી ખરીદી, ભાવમાં મોટા ઉછાળાના એંધાણ
એકતરફ મધ્ય-પૂર્વના દેશોમાં યુદ્ધના વાદળો ઘેરાયેલા છે અને અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ
એકતરફ મધ્ય-પૂર્વના દેશોમાં યુદ્ધના વાદળો ઘેરાયેલા છે અને અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ છે, ત્યારે બીજી તરફ ચીને એક એવી ગુપ્ત હરકત કરી છે જેણે આર્થિક જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. ચીને માર્ચ મહિનામાં ચાંદીની રેકોર્ડબ્રેક આયાત કરીને છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે, જેના કારણે આગામી સમયમાં ચાંદીના ભાવમાં મોટો ઉછાળો આવવાના સંકેતો મળી રહ્યા છે.
માર્ચ મહિનામાં જ 836 ટન ચાંદીની ખરીદી
તાજેતરના અહેવાલો મુજબ, ચીને માત્ર માર્ચ-2026માં જ 836 ટન ચાંદીની આયાત કરી છે. જો વર્ષ 2026ના પ્રથમ ત્રણ મહિનાની વાત કરીએ તો, ચીન અત્યાર સુધીમાં અંદાજે 1,626 ટન ચાંદી ખરીદી ચૂક્યું છે. આ આંકડો વર્ષ 2025ના સમાન સમયગાળાની સરખામણીએ 78 ટકાનો ધરખમ વધારો દર્શાવે છે. ચીનની આ આક્રમક ખરીદીએ ભારત સહિત વિશ્વના દેશોની ચિંતામાં વધારો કર્યો છે.
કેમ અચાનક ચીને ચાંદીનો ભંડાર ભરવાનું શરૂ કર્યું?
ચીનની આ રહસ્યમયી ખરીદી પાછળ મુખ્ય ત્રણ કારણો માનવામાં આવી રહ્યા છે:
-
ઔદ્યોગિક અને મેન્યુફેક્ચરીંગ ડિમાન્ડ: ચીનના ઔદ્યોગિક એકમોમાં ચાંદીની માંગમાં અભૂતપૂર્વ વધારો થયો છે. ખાસ કરીને હાઇ-ટેક મેન્યુફેક્ચરીંગ સેક્ટરમાં ચાંદીનો વપરાશ વધ્યો છે.
-
સોલાર એનર્જી સેક્ટર: ચીન હાલમાં સોલાર પેનલ્સના ઉત્પાદનમાં વિશ્વમાં મોખરે છે. ચીની સોલાર કંપનીઓએ મોટા પાયે કાચો માલ એકઠો કરવાનું શરૂ કર્યું છે, જેમાં ચાંદી એક મુખ્ય ઘટક છે.
-
યુદ્ધ અને સપ્લાય ચેઇનનો ડર: અમેરિકા અને ઈરાન વચ્ચે વધતા તણાવને કારણે વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાય તેવી ભીતિ છે. ભવિષ્યમાં સપ્લાય અટકી ન જાય તે માટે ચીન અત્યારથી જ ચાંદીનો સ્ટોક કરી રહ્યું હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે.
ભારત પર શું થશે અસર?
ભારત ચાંદીનો મોટો ગ્રાહક દેશ છે. જો ચીન આ જ રીતે વિશ્વબજારમાંથી ચાંદીની ખરીદી ચાલુ રાખશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદીની અછત સર્જાઈ શકે છે. પરિણામે, ભારતીય બજારોમાં પણ ચાંદીના ભાવમાં ધરખમ વધારો જોવા મળી શકે છે, જેની સીધી અસર જ્વેલરી અને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર પર પડશે.





